સરકારે અંતરિયાળ વિસ્તારોમાં પાયાની સુવિધાઓ પહોચાડીને છેવાડાના લોકોને વિકાસની મુખ્ય ધારામાં સામેલ કર્યા છે - સી.એમ - At This Time

સરકારે અંતરિયાળ વિસ્તારોમાં પાયાની સુવિધાઓ પહોચાડીને છેવાડાના લોકોને વિકાસની મુખ્ય ધારામાં સામેલ કર્યા છે – સી.એમ


સમી પેટા વિભાગીય કચેરી અને પાટડીની સુરજમલજી હાઇસ્કુલના નવનિર્મિત ભવનના લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દિશાદર્શનમાં ગુજરાતમાં બે દાયકામાં અંતરિયાળ વિસ્તારો સુધી પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ, આવાસ જેવી પાયાની સુવિધાઓ પહોચાડીને સરકારે છેવાડાના માનવીને વિકાસની મુખ્યધારામાં સામેલ કર્યા છે. તેને પરિણામે ગુજરાત સર્વગ્રાહી વિકાસનું આગવું મોડલ બન્યું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીથી રાજ્યની જનતાને વીજઉર્જાના ૧૫ પ્રકલ્પો સમર્પિત કર્યા હતા, કુલ રૂ. ૧૩૪ કરોડનાં વિવિધ વિકાસકાર્યોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ તેમણે કર્યા હતા. મુખ્યમંત્રીએ ૬૬ કે.વી.ના ૧૨ સબસ્ટેશન અને ૨૨૦ કે.વી.નું ૦૧ સ્ટેશન એમ કુલ ૧૩ વીજ સ્ટેશનના લોકાર્પણ તેમજ ૬૬ કે.વી.ના ૨ સબસ્ટેશનના ખાતમુહૂર્ત કર્યા હતા. ઉપરાંત સમી પેટા વિભાગીય કચેરી અને પાટડીની સુરજમલજી હાઇસ્કુલના નવનિર્મિત ભવનના લોકાર્પણ કર્યા હતાં.
આ પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતના ગામડાઓના અંધારા સરકારે જ્યોતિ ગ્રામ યોજનાથી ઉલેચ્યા છે, સરકારે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અવિરત વીજળી અને ગામમાં જ અદ્યતન આરોગ્ય સેવાઓ આપીને સૌના જીવનમાં પ્રકાશ પાથર્યો છે.તેમણે ક્હ્યું કે, દેશના ગ્રોથ એન્જિન એવા ગુજરાતમાં વિકાસની ગતિ વડાપ્રધાનના માર્ગદર્શનમા વધુ વેગવાન બનાવવા તેમની ટીમ સતત કર્તવ્યરત છે. મુખ્યમંત્રીએ શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા જેવી મૂળભૂત બાબતો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરીને સૌનો વિકાસ કરવાની નેમ વ્યક્ત કરી હતી શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે મેળવેલી સિદ્ધિઓ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, એક સમયે રાજ્યનો ડ્રોપ આઉટ રેશિયો ૩૮ ટકા હતો જે ઘટીને ૪ ટકા સુધી પહોંડ્યો છે. ગુજરાતમાં ઘર આંગણે ઉચ્ચ શિક્ષણની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. અગરીયા અને વિચરતી જાતિના બાળકોના શિક્ષણ માટે ખાસ વ્યવસ્થા કરીને આ સમુદાયને સમાજના મુખ્યપ્રવાહમાં જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.પાટડી ખાતે નવી કોમર્સ કોલેજ શરૂ કરવાની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી.આ તકે પાટડી જેવા અંતરિયાળ વિસ્તારમાં ૩.૬૪ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા હાઇસ્કુલના મકાનની ભેંટ આપવા બદલ અભિનંદન પાઠવતા રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, પાટડી સહિતના ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણક્ષેત્રે તમામ શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ગુણોત્સવ, પ્રવેશોત્સવ, કન્યા કેળવણીની પહેલથી નવી રાહ ચીંધી છે ત્યારે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર હતું અને રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે ઊર્જામંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દુરંદેશીના કારણે ઊર્જા વ્યવસ્થાનું એટલું સુદ્રઢ માળખુ ગોઠવાયું છે કે સમગ્ર વિશ્વમાં ઊર્જાની કટોકટી સર્જાઇ છે અને ગુજરાતમાં માથાદીઠ વીજ વપરાશ વધ્યો છે તેમ છતાં રાજ્ય સતત અને સાતત્યપૂર્ણ વીજ પૂરવઠો પૂરો પાડી રહ્યું છે.સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૯ નવા સબસ્ટેશનો કાર્યાન્વિત કરવામાં આવ્યા છે અને જિલ્લામાં કાર્યરત કુલ સબસ્ટેશનોની સંખ્યા ૯૩ થઈ છે. જિલ્લામાં આગામી બે નાણાકીય વર્ષમાં અન્ય ૧૧ સબસ્ટેશન કાર્યરત કરવાનું આયોજન છે. જે પૈકી ૬૬ કે.વી.નાં ધ્રાંગધ્રા તાલુકા ખાતે ૦૩ સબસ્ટેશન, મૂળી તાલુકા ખાતે ૦૩ સબસ્ટેશન, વઢવાણ તાલુકા ખાતે ૦૨ સબસ્ટેશન, ચોટીલા અને લખતર તાલુકામાં ૧-૧ સબસ્ટેશન તેમજ પાટડી તાલુકામાં ધામા ખાતે ૨૨૦ કેવીનું સબસ્ટેશન સ્થાપવાનું આયોજન છે.મુખ્યમંત્રીએ આ તકે સુરેન્દ્રનગર જિલ્લાના ૪, જુનાગઢ જિલ્લાના ર, બોટાદ જિલ્લાના ર, ભાવનગર અને કચ્છ જિલ્લાના એક-એક, મોરબી જિલ્લાના ૩ મળી કુલ ૧૩ સબ સ્ટેશન્સ અને સમી પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કર્યું હતું અને મહેસાણા જિલ્લામાં નવા બનનારા ૬૬ કે.વી ના બે સબ સ્ટેશનના ખાતમૂર્હત પણ કર્યા હતા. ઉપરાંત મુખ્યમંત્રીએ પાટડીની સુરજમલજી હાઇસ્કુલના રૂ. ૩.૬૪ કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત થયેલા નવા બિલ્ડીંગનું પણ લોકાર્પણ કર્યું હતું.આ પ્રસંગે ઉપેન્દ્ર પાંડે મેનેજીંગ ડિરેક્ટર જેટકો દ્વારા સ્વાગત પ્રવચન તેમજ જેટકોના મુખ્ય ઇજનેરશ્રી કે. આર.સોલંકી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પાટડી ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજી, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી, પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમાને પુષ્પાહાર અર્પણ કર્યા હતા.આ અવસરે મુખ્યમંત્રીએ મિશન મંગલમ યોજના હેઠળના ગ્રામ્ય સખી સંઘોને તેમજ પ્રોડ્યુસર ગ્રુપ સંઘોને સહાયના ચેક તેમજ નગરપાલિકા વિસ્તારમાં નલ સે જલ યોજનાના મંજૂરી હુકમ અને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના ચેકોનું વિતરણ કર્યું હતું.આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરા, કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઇ માલમ, જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી બબુબેન પાંચાણી, વઢવાણ ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરીયા, પાટડી તાલુકા પ્રમુખ પ્રકાશ ડોડીયા, પાટડી નગરપાલિકાના પ્રમુખ મૌલેષ પરીખ તથા જિલ્લા અગ્રણી જગદીશભાઈ મકવાણા, અનિરુદ્ધસિંહ પઢિયાર, પૂનમભાઇ મકવાણા, દિલીપભાઈ પટેલ,હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના અગ્રણીઓ તેમજ જિલ્લા કલેકટર કે.સી. સંપટ, જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત, અધિક નિવાસી કલેક્ટર એન. ડી. ઝાલા, જેટકો સહિતના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

એટ ધીસ ટાઈમ ન્યૂઝ
ઉમેશભાઈ બાવળિયા સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon