ભૂગર્ભ ગટરમાં કામદાર-કોન્ટ્રાક્ટરના મોતના ઘેરા પડઘા:પરિવારના કોર્પો.માં ધામા - At This Time

ભૂગર્ભ ગટરમાં કામદાર-કોન્ટ્રાક્ટરના મોતના ઘેરા પડઘા:પરિવારના કોર્પો.માં ધામા


રાજકોટ શહેરમાં ગઈકાલે સાંજના ગેસ ગળતરના કારણે કોન્ટ્રાક્ટર સહિત બે લોકોના મોત નિપજ્યા હતા.સાંજના સમયે સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયાના મેઈન રોડ ગોકુલધામ પાસે ભૂગર્ભ ગટરમાં ગેસ ગળતરના કારણે કોન્ટ્રાક્ટર સહિત બે લોકોના મોત નિપજ્યા હતા.આ બનાવની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફ દ્વારા સ્થળ પર પહોંચી કોન્ટ્રાક્ટર અને મજૂરને ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ સમગ્ર મામલામાં અંગે મૃતકના પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા ત્યાં સૌ પ્રથમ મૃતદેહ સ્વીકારવા ઇનકાર કરી દીધો હતો.બાદમાં કોન્ટ્રાકટરનો મૃતદેહ સ્વીકારી લીધા બાદ કર્મચારીના પરિવારે મૃતદેહ સ્વીકારવા ઇનકાર કરી સરકાર પાસે મૃતકના પરિવારે નોકરી અને મકાનની માંગણી કરી હતી.તેમજ પરિવારે મૃતદેહને લઈ મહાનગર પાલિકાની કોર્પોરેશનમાં એકઠા થયા હતાં.સિવિલ હોસ્પિટલમાં તેમજ મનપામાં પણ ચુસ્ત પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
વધુ વિગતો મુજબ ગોકુલધામ મેઈન રોડ પર ભૂગર્ભ ગટર ચોકઅપ થઇ ગયાની ફરિયાદ નોંધાતા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર અફઝલભાઇ ઇસ્માઇલભાઈ ફુફર(ઉ.વ.42)(રહે.સીદીકી મસ્જિદ પાછળ,દૂધ સાગર રોડ) અને તેમના માણસો સાંજે સાડા પાંચેક વાગ્યે જેટિંગ મશીન સાથે સફાઈ કામ માટે ત્યાં દોડી ગયા હતા કોન્ટ્રાક્ટમાં સફાઇ કામદાર તરીકે કામ કરતો નાનામવા સર્કલ પાસે રહેતો મેહુલ કાલીદાસ મહિડા (ઉ.વ.24) ગટરના મેનહોલ પાસે અન્ય બે શ્રમિકો સાથે કામ કરી રહ્યો હતો
ત્યારે મેનહોલનું ઢાંકણ ખોલતાં જ ભૂગર્ભ ગટરમાંથી ગેસ ગળતર થતાં મેહુલ ગૂંગળાઇ ગયો હતો અને તે ભૂગર્ભ ગટરમાં બેભાન થઈ ગયો હતો અને મેહુલ મેનહોલથી ગટરમાં પડતાં જોયા બાદ અન્ય શ્રમિકોમાં દોડધામ મચી ગઇ હતી અને નજીકમાં જ કામ કરી રહેલા કોન્ટ્રાક્ટર અફઝલભાઈ ને જાણ કરતા તે શ્રમિક મેહુલને બચાવવા દોરી લઈને દોડ્યા હતા અને ગટરના મેનહોલથી તેમણે ગટરમાં ઝંપલાવી દીધું હતું.જોકે ભૂગર્ભ ગટરમાં ભારે પ્રમાણમાં ગેસ ગળતર થતું હોવાથી મેહુલ અને કોન્ટ્રાક્ટર અફઝલભાઈ ગટરમાં ગૂંગળાઇને તેમાં જ બેભાન થઇ ગયા હતા.
આ સમગ્ર ઘટનાને લઈ ફાયર બ્રિગેડના સ્ટાફે ગટરમાં ઝંપલાવી બંનેના મૃતદેહ હેમખેમ બહાર કાઢ્યા હતા બંનેના મૃતદેહો બહાર કાઢતા બહોળી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઇ ગયા હતા અને તે બન્નેના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે સિવિલમાં ખસેડ્યા હતા.તે બંનેને જોઈ તપાસી તબીબે મૃત જાહેર કર્યા હતાં.મૃતકના પરિવારજનો,સફાઇ કામદારો,મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ તુરંત હોસ્પિટલે દોડી ગયા હતા.આ અંગે માલવીયા નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ ગંભીર ઘટના કેવી રીતે બની એ અંગે મનપા દ્વારા પણ ઘટના શા માટે અને કેવી રીતે બની તે અંગે યોગ્ય ચોક્કસ તપાસ કરવામાં આવશે.આ બનાવમાં ગઇકાલે બંનેના પરિવારે મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કરી દીધો હતો બાદમાં અધિકારીઓની સમજાવટ બાદ કોન્ટ્રાકટરનો મૃતદેહ પરિવારે સ્વીકારી લીધો હતો.જ્યારે મેહુલના પરિવારે જણાવ્યું હતું કે પરિવારને મકાન અને એક નોકરી મળે અને આ ઘટનાની તટસ્થ તપાસ થયા બાદ જ તેઓ મૃતદેહ સ્વીકારશે તેમજ આજે તેઓ તેમની માંગણીઓ સાથે મૃતદેહ લઈ મનપામાં લઈ જવામાં આવવાનો હતો અને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમમાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
કોન્ટ્રાકટર અફઝલભાઈએ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
સફાઇ કામદાર મેહુલ મહિડા તે વિધવા માતાનો આધારસ્તંભ હતો અને ચારેક વર્ષથી કોન્ટ્રાક્ટર અફઝલભાઇ સાથે કામ કરતો હતો.મેહુલ એક વર્ષથી તેની પ્રેમિકા સાથે રહેતો હતો અને બંનેના મે મહિનામાં તેમના લગ્ન નક્કી થઈ ગયા હતાં.તે પહેલાં જ પ્રેમી મેહુલે કાયમ માટે આંખો મીંચી લેતા તેની પ્રેમિકાએ હોસ્પિટલમાં કરેલા આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી.મેહુલ બે બહેનનો એકનો એક ભાઈ હતો.જ્યારે અફઝલભાઇ ચાર ભાઈ અને એક બહેનમાં બીજા નંબરના હતા અને તેમના મૃત્યુથી તેમના એક પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.
મવડીના ફાયર સ્ટેશન ઓફિસર યોગેશ જાનીએ વાતચીતમાં જણાવ્યું કે,આ ઘટનાની જાણ થતાં તેઓ સ્થળ પર ધસી જઈને ભૂગર્ભગટરના ખુલ્લા મેનહોલ ઉપરથી નીચે જ બે માણસો નજરે પડ્યા હતા અને ફાયરમેનને દોરડુ બાંધી,ઓક્સીજન માસ્ક પહેરાવી સલામતીના સાધનો સાથે અંદર ઉતારવામાં આવ્યો હતો અને બન્નેને બેભાન હાલતમાં દોરડાંથી બહાર કાઢીને હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ત્યાં તપાસ કરતા બન્ને પાસે કોઈ ઓક્સીજન માસ્ક નહોતા કે સેફ્ટીના અન્ય સાધનો પણ ન્હોતા.આ બનાવમાં સેન્ટ્રલ ઝોનના સિટી ઈજનેર એચ.એમ.કોટકના જણાવ્યા મુજબ,મૃત્યુ પામનાર અફઝલ પોતે કોન્ટ્રાક્ટર છે અને ભૂગર્ભગટરની ફરિયાદ નિકાલ કરવા સ્થળ પર રિક્ષા અને જેટીંગ મશીન પણ હતું.આ મશીન એટલે હોય છે કે ભૂગર્ભગટરની સફાઈ માટે માણસે અંદર ઉતરવું પડે નહીં છતાં બન્ને કેમ અંદર ઉતર્યા?એ અંગે હાલ તપાસ કરવામાં આવશે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon