જસદણમાં ઘેલા સોમનાથ મંદિરના 13 નવનિયુકત ટ્રસ્ટીઓનું બાવળીયાની ઉપસ્થિતિમાં સન્માન કરાયું.
જોષી પરિવાર દ્વારા તમામ ટ્રસ્ટીઓનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું
(નરેશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ નજીકના વિખ્યાત તીર્થધામ શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના 13 નવનિયુક્ત ટ્રસ્ટીઓનું જસદણના વિંછીયા રોડ પર આવેલ સોમનાથ કોટેક્ષ ખાતે જસદણના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય સરકારના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે અભૂતપૂર્વ અને ઐતિહાસિક સન્માન કરી આવકારવામાં આવ્યા હતા. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા જસદણ નજીકના શ્રી ઘેલા સોમનાથ મંદિરમાં ભાવિકોને વધું લાભ મળે તે હેતુથી સમાજના જુદાં-જુદાં સેવાભાવી શ્રેષ્ઠીઓની એક સમિતીની નિમણુંક કરવામાં આવી હતી. ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના ઈતિહાસને ધ્યાને લઈ દેશભરમાંથી આવનાર શ્રદ્ધાળુઓને પુરતી સુવિધા મળી રહે અને કોઈ હાલાકી ન વેઠવી પડે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. જેમાં પાણીથી લઈ આરોગ્ય સુધીની સુવિધા ભાવિકજનો માટે ઉપલબ્ધ બનાવવામાં આવી છે. ત્યારે આ સમિતિના ટ્રસ્ટી અને જસદણ રાજગોર બ્રાહ્મણ સમાજના અગ્રણી રાજુભાઈ જોષી અને ગૌરાંગભાઈ જોષી સહિતના જોષી પરિવારના આગેવાનો તેમજ રાજ્યના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના 13 નવનિયુક્ત ટ્રસ્ટીઓનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે વિંછીયા નજીકના ધારેશ્વર મહાદેવ મંદિરના મહંત કનૈયાગીરીબાપુ, જસદણ મારૂતિધામ આશ્રમના મહંત છાસીયાબાપુ સહિતના સંતો-મહંતો, જસદણ અને વિંછીયાના મામલતદાર, વિવિધ સમાજના આગેવાનો, વિવિધ ક્ષેત્રના આગેવાનો સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.