વ્યાજખોરોનો આતંક: 7.50 લાખના બદલામાં 4.49 કરોડ માંગી વૃદ્ધને પગ ભાંગી નાખવાની ધમકી ! - At This Time

વ્યાજખોરોનો આતંક: 7.50 લાખના બદલામાં 4.49 કરોડ માંગી વૃદ્ધને પગ ભાંગી નાખવાની ધમકી !


રાજકોટમાંથી વ્યાજખોરી તેમજ વ્યાજખોરોને નાબૂદ કરી નાખવા માટે પોલીસ દ્વારા પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે છતાં વ્યાજખોરોને જાણે કે પોલીસનો કોઈ ખૌફ જ ન હોય તેવી રીતે બેફામ બનીને હજુ પણ લોકોને રંજાડી રહ્યા છે ત્યારે આવો જ વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. શહેરના પંચવટી રોડ પર રહેતાં વૃદ્ધે ચાર વ્યાજખોરો સામે માલવિયાનગર પોલીસ મથકમાં અરજી કરી તેમને ન્યાય આપવાની માંગણી કરી છે. કિરીટસિંહ ભૂપતસિંહ બારડે કરેલી અરજીમાં જણાવ્યું છે
કે તેમણે 3-9-1997ના રોજ વ્યાજનો ધંધો કરતાં અભેસિંહ અરજણજી ખેરડીયા પાસેથી પોકલેન્ડ મશીન (એક્સીવેટર)ની ખરીદી કરી હતી જેની અંદાજિત કિંમત 22 લાખ રૂપિયા નક્કી કરાઈ હતી. મશીનની ખરીદી પેટે 6 લાખ રૂપિયા ચૂકવી દેવાયા હતા જ્યારે બાકી રહેતી 16 લાખની રકમ પેટે અમે દર મહિને અભેસિંહને 50,000નો હપ્તો ભરી રહ્યા હતા. આ રીતે ત્રણ હપ્તા ભરપાઈ કરી દીધા હતા. ત્યારબાદ એવો ખુલાસો થયો કે અભેસિંહ દ્વારા મશીન ઉપર લોન લીધેલી છે અને જે રકમ અમે તેમને આપતા હતા તે રકમ તેઓ ફાયનાન્સમાં ભરવાના બદલામાં પોતાના અંગત ઉપયોગ માટે વાપરી રહ્યા હતા.
આ પછી ફાયનાન્સ કંપનીએ અમારી પાસેથી મશીનનો કબજો લઈ લીધો હતો. એકંદરે અભેસિંહને કોઈ પણ રકમ ચૂકવવાની થતી ન હોવા છતાં અભેસિંહ અરજણજી ખેરડીયા, તેમના ભાઈઓ વીમલસિંહ અભેસિંહ ખેરડીયા, દીપકસિંહ અભેસિંહ ખેરડીયાએ એકસંપ કરીને અવારનવાર રૂબરૂ તેમજ ફોન ઉપર કરીને બીભત્સ ગાળો આપી ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યો છે અને વારંવાર એમ કહેવાય છે કે અમારે આરોપીને કુલ વ્યાજ સહિતની રકમ રૂા.2,59,68,751 તેમજ રૂા.1,90,31,239 ચૂકવવાની થાય છે અને આ માટે આરોપીઓ દ્વારા સતત ઉઘરાણી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત અભેસિંહ ખેરડીયા દ્વારા અમારી માલિકીની જમીન કે જે વડીયા દેવડીની બાજુમાં ખાખરીયા ગામે રેલવે સ્ટેશનની સામેના ભાગે પાંચ વિઘા જમીન આવેલી છે તે જમીનને પણ પોતાના નામે કરાવી લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આવી જ રીતે તરઘડી ગામે આવેલી જમીનના કાગળોમાં અમારી પાસેથી બળજબરીપૂર્વક સહીઓ કરાવી જમીન અન્યને વેચાણથી આપી માતબર રકમ મેળવી લીધેલ છે તેનો હિસાબ માંગવામાં આવતાં અભેસિંહે જણાવ્યું કે આ જમીનનું વેચાણ કરી જે કાંઈ પણ રકમ આવેલ છે તે રકમનો વ્યાજમાં હિસાબ થઈ ગયો હોવાથી તેને ભૂલી જાવ તેમ કહેવામાં આવ્યું હતું !
જ્યારે અન્ય એક વ્યક્તિ યોગરાજસિંહ વિજયસિંહ તલાટીયા કે જેમને અમને ઓળખતાં પણ નથી તેના દ્વારા અમને વારંવાર ફોન કરી ઉઘરાણી કરવામાં આવી રહી છે અને જો પૈસા નહીં આપીએ તો પગ ભાંગી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. એકંદરે આ તમામ લોકો ખૂબ જ ઝનૂની સ્વભાવના હોવાથી તેમની સામે કાર્યવાહી કરવી જરૂરી બની ગયાની અરજી પોલીસમાં કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.