ઈલેક્ટ્રોનિક- સોશિયલ મીડિયાની કાંગારુ કોર્ટો લોકશાહી માટે ઘાતક : રમણ
રાંચી, તા.૨૩દેશના મુખ્ય ન્યાયાધીશ એનવી રમણે ફરી એક વખત મીડિયાની ઝાટકણી કાઢી છે. રાંચી સ્થિત જ્યુડિશિયલ એકેડમીના એક કાર્યક્રમમાં શનિવારે એનવી રમણે કહ્યું કે, ઈલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયાની કાંગારુ કોર્ટો દેશના લોકતંત્ર માટે ઘાતક છે. મીડિયા ટ્રાયલ કોર્ટ કોઈપણ સ્થિતિમાં લોકતંત્ર માટે સારી બાબત નથી. તેમણે કહ્યું કે પ્રીન્ટ મીડિયામાં આજે પણ જવાબદારી દેખાય છે, પરંતુ ઈલેક્ટ્રોનિક મીડિયા શૂન્ય જવાબદારીથી કામ કરે છે અને સોશિયલ મીડિયાની સ્થિતિ તો અત્યંત ખરાબ છે.સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એનવી રમણે શનિવારે ઝારખંડના સરાયકેલાના ચાંડિલ તથા ગઢવાના ઉંટારી શહેરની નવી સબ ડિવિઝન કોર્ટનું ઓનલાઈન ઉદ્ધાટન કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન રાંચીના ધુર્વા સ્થિત જ્યુડિશિયલ એકેડમીમાં કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય ન્યાયાધીશે લોકતંત્ર, મીડિયા, ન્યાયતંત્ર, ન્યાયાધીશો, નેતાઓ અને અમલદારોનો ઉલ્લેખ કરતાં તેમના મનની પીડા જાહેર કરી હતી. તેમણે કહ્યું કે, અનેક કેસોમાં મીડિયા કાંગારુ કોર્ટ ચલાવે છે. આ પ્રકારની મીડિયા ટ્રાયલ કોઈપણ સ્થિતિમાં લોકતંત્ર માટે સારી બાબત નથી. ન્યાયતંત્ર જેટલું મજબૂત હશે, લોકતંત્ર તેટલું જ મજબૂત હશે, કારણ કે પહેલાના સમયમાં ન્યાયાધીશે માત્ર વિવાદનો ઉકેલ લાવવાનો હતો, પરંતુ વર્તમાન સમયમાં સમાજનો દરેક વર્ગ તેની સમસ્યા માટે ન્યાયાધીશો તરફ નજર દોડાવે છે. જ્યુડિશિયલ એકેડમીમાં 'ન્યાયાધીશોનું જીવન' વિષય પર બોલતા એનવી રમણે કહ્યું કે, મીડિયા મોટાભાગે કેસોને એવી રીતે ઉછાળે છે, જેનાથી ન્યાયતંત્રની છબી પર તો અસર થાય જ છે, પરંતુ અનુભવી ન્યાયાધીશોને પણ ચૂકાદો આપવામાં મુશ્કેલી થઈ જાય છે. ન્યાય આપવા સંબંધિત મુદ્દાઓ પર ખોટી સૂચના અને એજન્ડા આધારિત ડીબેટ લોકતંત્રના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહી છે. મીડિયા દ્વારા ફેલાવાઈ રહેલા પક્ષપાતપૂર્ણ વિચારો લોકતંત્રને નબળું કરી રહ્યા છે અને સિસ્ટમને નુકસાન પહોંચાડી રહ્યા છે. મીડિયાના સેલ્ફ રેગ્યુલેશનનો આગ્રહ કરતાં તેમણે કહ્યું મીડિયાએ સેલ્ફ રેગ્યુલેશન પર ધ્યાન આપવું જોઈએ. સોશિયલ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાએ તેમના અવાજનો ઉપયોગ લોકોને શિક્ષિત કરવા, તેમને દિશા બતાવવા માટે કરવો જોઈએ.નુપુર શર્માના કેસનો ઉલ્લેખ કરતાં એનવી રમણે કહ્યું કે, ન્યાયાધીશો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અભિયાન ચાલી રહ્યા છે. કોઈપણ કેસમાં ન્યાયાધીશ તુરંત પ્રતિક્રિયા આપી શકે નહીં, પરંતુ તેને તેની નબળાઈ અથવા લાચારી સમજવાની ભૂલ કરવી જોઈએ નહીં. ન્યાયતંત્રના પડકારોનો ઉલ્લેખ કરતાં મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, કોર્ટમાં વ્યાપક સંખ્યામાં પેન્ડિંગ કેસો અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે. જોકે, પેન્ડિંગ કેસો માટે ન્યાયતંત્ર જવાબદાર નથી. ન્યાયાધીશોના ખાલી પદ ભરી દેવામાં આવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવે તો આ સમસ્યા દૂર થઈ શકે છે. આ પડકારનો સામનો કરવા માટે આપણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવું પડશે, જેથી ન્યાયાધીશ પૂર્ણ ક્ષમતાથી કામ કરી શકે. તેમણે ઉમેર્યું કે ન્યાયાધીશો સામાજિક જવાબદારીથી ભાગી શકે નહીં. જ્યુડિશરીએ ભવિષ્યના પડકારો માટે લાંબા સમયની યોજના બનાવવી પડશે. જજ અને જ્યુડિશરીએ એક યુનિફોર્મ સિસ્ટમ વિકસાવવી પડશે. મલ્ટી ડિસિપ્લીનરી એક્શન મોડમાં કામ કરવું પડશે.તેમણે ન્યાયાધીશો પર વધતા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે નિવૃત્તિ પછી જજોએ પણ સમાજમાં જવું પડે છે. નિવૃત્તિ પછી તેમણે એવા લોકોનો સામનો કરવો પડે છે, જેમના વિરુદ્ધ એક જજ તરીકે તેમણે અનેક આદેશ આપ્યા હોય. જે રીતે પોલીસ અને નેતાઓને નિવૃત્તિ પછી પણ સુરક્ષા અપાય છે તે રીતે ન્યાયાધીશોને પણ સુરક્ષા મળવી જોઈએ.જજોનું જીવન સરળ નથી : ચૂકાદા પહેલા ઘણી તૈયારી કરવી પડે છેએનવી રમણે કહ્યું કે, આપણે સસ્ટેનેબલ મેથડ ઓફ જસ્ટિસનો સિદ્ધાંત લાગુ કરવાની દિશામાં આગળ વધવું જોઈએ. જજોએ પણ સિસ્ટમને ટાળવા યોગ્ય સંઘર્ષો અને બોજથી બચવા માટે પ્રાથમિક્તાના આધારે કેસોની સુનાવણી કરવી જોઈએ. તેમણે ઉમેર્યું કે, લોકોને લાગે છે કે ન્યાયાધીશનું જીવન ઘણું જ આરામદાયક હોય છે. જોકે, એવું બિલકુલ નથી, કારણ કે ન્યાયાધીશે દિવસ-રાત મહેનત કરીને લોકોને ન્યાય આપવો પડે છે. દર સપ્તાહે ૧૦૦થી વધુ કેસની તૈયારી કરવી સરળ નથી. નિર્ણય લખતી વખતે સ્વતંત્ર સંશોધન કરવું જરૂરી હોય છે. દિવસના સમયમાં કોર્ટ ઊઠવાના સમયથી જ બીજા દિવસની તૈયારી શરૂ થઈ જાય છે. અનેક વખત ચૂકાદાઓ પર પુનર્વિચાર કરવા માટે રાતોની ઊંઘ ઊડી જાય છે.નેતા બનવા માગતો હતો, પરંતુ નસીબને કંઈક બીજું મંજૂર હતું : સીજેઆઈભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમણે રાંચીમાં એક કાર્યક્રમ દરમિયાન તેમના જીવનના અનેક રહસ્યો ઊજાગર કર્યા હતા. ૨૬મી ઑગસ્ટે નિવૃત્ત થઈ રહેલા એનવી રમણે કહ્યું કે તેઓ નેતા બનવા માગતા હતા, પરંતુ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. જોકે, તેઓ આ બાબતે જરા પણ હતાશ નથી. મુખ્ય ન્યાયાધીશે કહ્યું એક ગામમાં ખેડૂત પરિવારમાં તેમનો જન્મ થયો હતો. પીતાએ ઉત્સાહ વધારતા તેમણે બીએસસી પાસ કર્યું. તેમના સમયમાં ૧૦મુ પાસ કરવું પણ મોટી સિદ્ધિ ગણાતી હતી. પિતાના પ્રોત્સાહનના પગલે તેમણે હૈદરાબાદમાં હાઈકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેઓ સક્રિય રાજકારણમાં આવવા માગતા હતા. પરંતુ તેમ થઈ શક્યું નહીં. જોકે તેમને તેનો કોઈ અફસોસ નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.