EDITOR'S VIEW: ભાજપ માટે 'ઈમરજન્સી':કંગનાના બેફામ નિવેદનોથી કેન્દ્ર સરકાર સંકટમાં, ખેડૂતોનો રોષ જોઈ ભાજપે છેડો ફાડ્યો, ખેડૂત આંદોલન છંછેડવા પાછળ એક્ટ્રેસની શું છે સ્ટ્રેટેજી? - At This Time

EDITOR’S VIEW: ભાજપ માટે ‘ઈમરજન્સી’:કંગનાના બેફામ નિવેદનોથી કેન્દ્ર સરકાર સંકટમાં, ખેડૂતોનો રોષ જોઈ ભાજપે છેડો ફાડ્યો, ખેડૂત આંદોલન છંછેડવા પાછળ એક્ટ્રેસની શું છે સ્ટ્રેટેજી?


'ખેડૂત આંદોલન એ ભારતમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ કરવાનું ષડયંત્ર છે' 'સરકારે પાછા ખેંચેલા ત્રણેય કૃષિ કાયદા ખેડૂતો માટે ફાયદાકારક છે, તેને ફરીથી લાગુ કરવા જોઈએ' આ નિવેદનો ભાજપની સાંસદ અને એક્ટ્રેસ કંગના રનૌતના છે. હરિયાણાની ચૂંટણી આડે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે આખાબોલી કંગના રનૌતે એક મહિનામાં વિવાદિત બે નિવેદનો આપ્યાં. આનો જવાબ આપવો ભાજપને ભારે પડી રહ્યો છે. કંગનાના સતત વિવાદિત નિવેદનોથી ભાજપ અકળાયો છે. નમસ્કાર, હરિયાણાની ચૂંટણી આડે અઠવાડિયું માંડ છે. 5 ઓક્ટોબરે 90 સીટ પર મતદાન છે. ખેડૂત આંદોલનનો સીધો સંબંધ હરિયાણા સાથે છે. આવા સમયમાં હિમાચલ પ્રદેશની મંડી સીટથી ભાજપની સાંસદ કંગના રનૌતે ખેડૂત આંદોલન વિશે એક જ મહિનામાં બે વખત વિવાદિત નિવેદન આપતાં હરિયાણા અને પંજાબના લોકોમાં રોષ ફેલાયો છે. બીજી બાજુ ભાજપ માટે આ ડેમેજ કંટ્રોલ મુશ્કેલ બની રહ્યું છે. કંગનાના નિવેદન વિશે જાણીએ તે પહેલાં બે પ્રકારના ખેડૂત આંદોલન વિશે જાણી લો... ખેડૂતોનું આંદોલન-1
2018માં પંજાબ, હરિયાણા અને ચંદીગઢના ખેડૂતો ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાની માગણી સાથે આંદોલન પર ઉતર્યા હતા. દોઢ વર્ષ સુધી ચાલેલા આ આંદોલનમાં 700થી વધારે ખેડૂતોનાં મોત થયાં હતા. અંતે 19 નવેમ્બર, 2021ના દિવસે નરેન્દ્ર મોદીએ ટીવી પર આવીને કહ્યું કે, અમારી તપસ્યામાં જ કોઈ કમી રહી હશે. દીવાના પ્રકાશ જેવું સત્ય અને કિસાનોને સમજાવી નથી શક્યા. અમે ત્રણ કૃષિ કાયદાઓને પાછા લેવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતોનું આંદોલન-2
2024ની 12 ફેબ્રુઆરીથી MSPમાં એટલે કે ટેકાના ભાવના ભાવમાં ગેરંટીની માગણી સાથે ખેડૂતોનું આંદોલન શંભુ બોર્ડર પર ચાલી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આંદોલન શાંતિપૂર્ણ ચાલી રહ્યું છે. શરૂઆતનો એક મહિનો હિંસાત્મક પ્રદર્શનો થયા હતા પણ હજી આંદોલન ચાલુ જ છે. એનો અર્થ એ કે, ખેડૂતોમાં નારાજગી હજી પણ છે. કંગનાએ વિવાદિત નિવેદન આપ્યું તે શું છે?
કંગનાએ 23 સપ્ટેમ્બરે મંડીમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે, ખેડૂતો માટે જે કાયદા રદ કરવામાં આવ્યા છે તે પાછા લાવવા જોઈએ. બની શકે કે આનાથી વિવાદ થઈ જાય, પણ મને લાગે છે કે ખેડૂતો માટે ફાયદાકારક કાયદાઓ પાછા આવવા જોઈએ. ખેડૂતોએ પોતે જ તેની માંગ કરવી જોઈએ. જેથી આપણા ખેડૂતોની સમૃદ્ધિમાં કોઈ બ્રેક ન લાગે. કંગનાના નિવેદન પછી કોંગ્રેસે દાવ લઈ લીધો
​​​​​​​કંગનાના આ નિવેદન પર કોંગ્રેસે નિશાન સાધ્યું છે. X હેન્ડલ પર કંગનાનો વીડિયો શેર કરીને કોંગ્રેસે લખ્યું, ખેડૂતો પર લાદવામાં આવેલા ત્રણ કાળા કાયદા પાછા લાવવા જોઈએ. ભાજપની જ સાંસદ કંગના રનૌતે આ વાત કહી. દેશના 750 થી વધુ ખેડૂતો શહીદ થયા, ત્યારે જ મોદી સરકાર જાગી અને આ કાળા કાયદા પાછા ખેંચી લેવાયા. હવે ભાજપના સાંસદ ફરીથી આ કાયદાઓને પાછા લાવવાની યોજના બનાવી રહ્યા છે. કોંગ્રેસ ખેડૂતોની સાથે છે. નરેન્દ્ર મોદી અને તેમના સાંસદો ગમે તેટલી કોશિશ કરે તો પણ આ કાળા કાયદાઓ ક્યારેય પરત નહીં આવે. કંગનાના નિવેદન પછી પંજાબ ભાજપના નેતા ભડક્યા
​​​​​​​કંગનાના વિવાદિત નિવેદન પછી પંજાબ ભાજપના નેતા જયવીર શેરગીલે ટ્વિટર પર લખ્યું, એક પંજાબી તરીકે મારે કહેવું જ જોઇએ કે પંજાબના ખેડૂતો અને શીખ સમુદાય વિરુદ્ધ કંગના રનૌતના સતત, પાયાવિહોણા, અતાર્કિક નિવેદનોની અસર વડાપ્રધાન દ્વારા પંજાબ અને પંજાબિયતના કલ્યાણ માટે કરવામાં આવેલા કાર્યો પર પાણી ફરી રહ્યું છે. ભાજપના નેતા ગૌરવ ભાટિયાએ તાબડતોબ ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું
​​​​​​​ભાજપના નેતા-પ્રવક્તા ગૌરવ ભાટિયાએ વીડિયો શેર કરીને સ્પષ્ટતા કરવી પડી. ગૌરવ ભાટિયાએ કહ્યું કે, તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભાજપની સાંસદ કંગના રનૌતનું નિવેદન આવ્યું છે. આ નિવેદન ત્રણ કૃષિ કાયદાઓ પરનું નિવેદન છે જે સરકારે પાછા ખેંચી લીધા હતા. આ નિવેદન વિશે પાર્ટી વતી હું સ્પષ્ટ રીતે કહેવા માગું છું કે, આ નિવેદન કંગના રનૌતનું વ્યક્તિગત નિવેદન છે. ભારતીય જનતા પાર્ટી તરફથી કંગના રનૌત આવું કોઈ નિવેદન આપવા અધિકૃત નથી. ત્રણ કૃષિ કાયદાને લઈને પાર્ટીની વિચારધારા છે તે અંગેનું કંગનાના નિવેદનને પાર્ટીનું નિવેદન માની ન લેવું. એટલે અમે કંગનાના નિવેદનનું અમે ખંડન કરીએ છીએ. નિવેદન પર વિવાદ થયા પછી કંગનાએ શું કહ્યું?
કંગના રનૌતે 25 સપ્ટેમ્બરે એક્સ હેન્ડલ પર વીડિયો શેર કર્યો અને કહ્યું, ''છેલ્લા કેટલાક દિવસોમાં મીડિયાએ ખેડૂત કાયદાને લગતા કેટલાક પ્રશ્નો પૂછ્યા અને મેં સૂચન કર્યું કે ખેડૂતોએ ત્રણેય કિસાન કાયદા પાછા લાવવા માટે વડાપ્રધાનને વિનંતી કરવી જોઈએ. મારા આ નિવેદનથી ઘણા લોકો નિરાશ થયા છે. જ્યારે આ કાયદા લાવવામાં આવ્યો ત્યારે ઘણા લોકોએ તેનું સમર્થન કર્યું હતું, પરંતુ વડાપ્રધાને ખૂબ જ સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે તેને પાછા ખેંચી લીધા હતા. મારે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે હું હવે કલાકાર નથી પણ ભારતીય જનતા પાર્ટીની કાર્યકર છું. મારા વિચાર મારા મારા અંગત નહીં હોય પણ એ મારી પાર્ટીનું સ્ટેન્ડ ગણાશે. મારા શબ્દોથી કે મારા વિચારોથી કોઈને નિરાશ કર્યા હોય તો મને માફ કરશો. હું મારા શબ્દો પાછા લઉં છું. કંગના તો ગજબ છે, કેન્દ્ર સરકારના હિમાચલના પ્રોજેક્ટનો વિરોધ કરીને કહ્યું, દેવતાનો આદેશ મહત્વનો છે
હિમાચલ પ્રદેશની મંડી સીટથી ભાજપ સાંસદ કંગના રનૌત હવે કેન્દ્ર સરકારના એક પ્રોજેક્ટના વિરોધમાં ઉતરી છે. છ મહિના પહેલાં નીતિન ગડકરીએ હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ખરાહાલ ઘાટીમાં બિજલી મહાદેવ રોપ-વેની જાહેરાત કરી હતી. પરંતુ હવે કંગના રનૌતે 272 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટનો વિરોધ શરૂ કરી દીધો છે. બિજલી મહાદેવ મંદિર માટે રોપ-વેને લઈને ખારાહાલ અને કશાવરી ઘાટીના લોકો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. બિજલી મહાદેવ રોપ-વેના વિરોધમાં ગ્રામજનો ઘણી વખત રસ્તા પર ઉતરી ચુક્યા છે. તેઓ કહે છે કે રોપ-વેના નિર્માણથી ભગવાન ખુશ નથી થતા. રોપ-વેના નિર્માણને કારણે તેમના રોજગાર પર ખરાબ અસર પડશે. આ સાથે પર્યાવરણને પણ નુકસાન થશે કારણ કે રોપ-વેના નિર્માણમાં અનેક વૃક્ષો કપાશે. કંગના રનૌતે કહ્યું કે હું આ પ્રોજેક્ટને લઈને નીતિન ગડકરીને મળી હતી. તેમને આ બાબતે જાણ કરવામાં આવી છે. જો આપણા દેવતા ન ઇચ્છતા હોય તો આ પ્રોજેક્ટ અહીં જ અટકાવવો જોઈએ. હું નીતિન ગડકરીને ફરી મળીશ. આપણા માટે આપણા દેવતાનો આદેશ વધારે મહત્વનો છે. કંગનાની મુશ્કેલી વધી, અગાઉના નિવેદન બદલ આગ્રાની MP-MLA કોર્ટમાં કેસ દાખલ
23 સપ્ટેમ્બર, 2024ના દિવસે મંડીમાં કંગનાએ કૃષિકાયદાનું નિવેદન આપ્યું તે પહેલાં ગયા મહિને 26 ઓગસ્ટ, 2024ના દિવસે કંગનાએ વિવાદિત નિવેદન આપ્યું હતું. કંગનાએ ત્યારે કહેલું કે, જ્યારે દિલ્હી બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું હતું, ત્યારે હત્યા અને બળાત્કાર થઈ રહ્યા હતા. જો મજબૂત સરકાર ન હોત તો દેશની સ્થિતિ બાંગ્લાદેશ જેવી થઈ ગઈ હોત. વિવાદિત નિવેદન આપ્યા પછી કંગના રનૌતની મુશ્કેલી વધી છે. રમાશંકર શર્મા નામના વકીલે આગ્રાની MP MLA સ્પેશિયલ કોર્ટમાં કંગના રનૌત વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. જેમાં વકીલે કંગના પર ખેડૂતો, દેશભરના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. વકીલે કોર્ટમાં દાખલ કરેલા દાવામાં કહ્યું કે કંગનાએ પોતાના નિવેદનોથી દેશનું અપમાન કર્યું છે. કંગનાના નિવેદનથી હરિયાણામાં નુકસાન થઈ શકે છે
​​​​​​​હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં 90 સીટ માટે 5 ઓક્ટોબરે મતદાન છે, જેના પરિણામો 8 ઓક્ટોબરે આવશે. છેલ્લા એક દાયકાથી રાજ્યમાં ભાજપ સત્તા પર હોવાને કારણે પાર્ટીને પહેલેથી જ એન્ટિ-ઇન્કમ્બન્સીનો સામનો કરવો પડે છે. અગ્નિવીર, ખેડૂતોને લગતા પ્રશ્નો, બેરોજગારી વગેરેને લઈને રાજ્યના લોકોમાં ભાજપ સરકાર સામે ઘણી વખત રોષ જોવા મળ્યો છે. સાથે જ ટિકિટ કેન્સલ થવાના કારણે ભાજપને પણ અનેક નેતાઓના બળવાનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં કંગનાના ત્રણેય કૃષિ કાયદાઓને પાછા લાવવાની માંગણીવાળા નિવેદનથી હરિયાણામાં ભાજપને વધુ નુકસાન થઈ શકે છે. હરિયાણાના પ્રચારમાં કોંગ્રેસે કંગનાને હાથો બનાવી
કંગના રનૌતે કૃષિ કાયદાઓ પર નિવેદન આપતાંની સાથે જ કોંગ્રેસે તક ઝડપી લીધી છે. હરિયાણાની ચૂંટણીમાં તેનો ફાયદો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ વિવિધ સભાઓમાં કંગનાના નિવેદનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેઓ આ કૃષિ કાયદાઓને ફરી પાછા આવવા દેશે નહીં. દીપેન્દ્ર હુડ્ડાએ સભામાં કહ્યું, 750 ખેડૂતોએ શહાદત વહોરીને તાનાશાહ ભાજપ સરકારથી MSP અને મંડી સિસ્ટમને બચાવી છે. કાળા કૃષિ કાયદાઓ પાછા લાવવાનો ઇરાદો ધરાવતા ભાજપના તમામ સાંસદોને અમારો પડકાર છે કે હરિયાણામાં કોંગ્રેસની સરકાર બન્યા પછી દેશમાં એવી કોઈ તાકાત નથી કે જે આ કાયદા પાછા લાવી શકે. છેલ્લે, હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારના મંત્રી વિક્રમાદિત્ય સિંહે પણ વિવાદિત નિવેદન આપીને કોંગ્રેસ માટે સમસ્યા ઊભી કરી છે. વિક્રમાદિત્ય સિંહે ચાર દિવસ પહેલાં પાર્ટી લાઇનથી વિરૂદ્ધ વકફ બોર્ડમાં સુધારાની વાત કરી હતી. 3 દિવસ પહેલાં ઉત્તર પ્રદેશની યોગી સરકારની તર્જ પર તેમણે રેસ્ટોરાંમાં આઈ-કાર્ડ ફરજિયાત બનાવવાની વાત કરી હતી. આ નિવેદનથી કોંગ્રેસ પર માછલાં ધોવાયાં એટલે હિમાચલ પ્રદેશના કોંગ્રેસના પ્રભારી રાજીવ શુક્લા ડેમેજ કંટ્રોલ કરવા મેદાનમાં ઉતર્યા છે. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ... રિસર્ચ: (યશપાલ બક્ષી)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.