અમેરિકા ચૂંટણી:10 દિવસમાં કમલાએ બાજી પલટી, મુખ્ય 7 રાજ્યોમાંથી 4માં લીડ, ટ્રમ્પ 2માં આગળ - At This Time

અમેરિકા ચૂંટણી:10 દિવસમાં કમલાએ બાજી પલટી, મુખ્ય 7 રાજ્યોમાંથી 4માં લીડ, ટ્રમ્પ 2માં આગળ


અમેરિકાની ચૂંટણીમાં લીડમાં વધારો અને ઘટાડો જારી છે. અમેરિકી પ્રમુખ જો બાઈડેનની ચૂંટણી મેદનમાંથી ખસી જવાની જાહેરાતના 10 દિવસ બાદ કમલા હેરિસે બાજી પલટી નાંખી છે. અમેરિકાનાં 7 મુખ્ય રાજ્યોમાંથી કમલા 4માં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પથી આગળ છે. ટ્રમ્પ માત્ર 2 રાજ્યમાં આગળ છે. જ્યારે બાઈડેન ચૂંટણીના મેદાનમાં હતા ત્યારે તેઓ ટ્રમ્પથી પાછળ હતા. આ સાથે કમલાએ ડેમોક્રેટિક પાર્ટીમાં પોતાનો સ્વીકૃતિ ગ્રાફ નોંધપાત્ર રીતે વધાર્યો છે. જ્યારે બાઈડેનને ઉમેદવાર તરીકે માત્ર 35% ડેમોક્રેટ્સનું સમર્થન હતું, ત્યારે કમલાને હવે 80% ડેમોક્રેટ્સનું સમર્થન પ્રાપ્ત થયું છે. નિષ્ણાતોના મતે કમલા હેરિસને 19 ઓગસ્ટથી યોજાનાર ડેમોક્રેટિક સંમેલનમાં તમામ 3900 પ્રતિનિધિઓનું સમર્થન મળી ચૂક્યું છે. ટ્રમ્પ ડીબેટમાં સામે આવીને બોલે : કમલા હેરિસ
એટલાન્ટામાં ડેમોક્રેટિક પાર્ટીની બેઠકમાં કમલા હેરિસે ખૂબ જ જુસ્સાદાર ભાષણ આપ્યું હતું. કમલાએ પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને 10 સપ્ટેમ્બરે યોજાનારી બીજી ડીબેટમાં આવવા માટે પડકાર ફેંક્યો અને કહ્યું કે, ટ્રમ્પે મારી પીઠ પાછળ મારા પર આરોપ ન લગાવવો જોઈએ. ડીબેટમાં સામે આવીને બોલો, પછી હું તેમને જવાબ આપીશ. કમલાએ કહ્યું કે ટ્રમ્પનું સમગ્ર ચૂંટણી અભિયાન જુઠ્ઠાણાંનું પોટલું છે. હું તેનો પર્દાફાશ કરીશ. ‘કમલાના પતિ યહૂદી, છતાં તે યહૂદીવિરોધી’
ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક ઉમેદવાર કમલા પર તેમની પારિવારિક પૃષ્ઠભૂમિને ટાંકીને મોટો હુમલો કર્યો છે. ટ્રમ્પે એક રેડિયો ઈન્ટરવ્યૂમાં કહ્યું કે કમલા હેરિસના પતિ ડગ્લાસ એમહોક યહૂદી છે, પરંતુ તે યહૂદીવિરોધી છે. કમલાને યહૂદીઓ પસંદ નથી. ટ્રમ્પનું આ નિવેદન યહૂદી વોટબેન્કને આકર્ષવાના ઈરાદાથી આપવામાં આવ્યું છે. કમલાએ હાલમાં જ ઈઝરાયલને હમાસ સાથે યુદ્ધ ખતમ કરવાનું નિવેદન આપ્યું હતું. કમલાના નિવેદનથી અમેરિકન યહૂદીઓ નારાજ છે. હવે દેશ અને બંધારણના ભવિષ્યને બચાવવાની લડાઈ
કમલાએ મિશિગનમાં રેલીમાં કહ્યું કે હવે લડાઈ દેશના ભવિષ્યને બચાવવાની છે. અમે સખત મહેનતથી આઝાદી મેળવી છે અને તેને કોઈ પણ કિંમતે ગુમાવી શકીએ નહીં. દેશને તોડવાની કોશિશ કરી રહેલી શક્તિઓ સક્રિય છે, તેઓ બંધારણને નષ્ટ કરવા માગે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.