રાજકોટ ખાતે નવનિર્મિત સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને સ્પોર્ટસ હોસ્ટેલનું મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ. - At This Time

રાજકોટ ખાતે નવનિર્મિત સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને સ્પોર્ટસ હોસ્ટેલનું મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ.


રાજકોટ શહેર તા.૨૩/૯/૨૦૨૨ ના રોજ રાજ્યના ગૃહ અને રમત-ગમત મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે રાજકોટના યુનિવર્સિટી રોડ પર અંદાજિત રૂ.૧૮ કરોડથી વધુના ખર્ચે બનેલા નવનિર્મિત સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને રેસકોર્સ પાસે નિર્મિત સ્પોર્ટસ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમણે સિવિલ હોસ્પિટલ પરિસર ખાતે નિર્મિત નવા વન સ્ટોપ સખી સેન્ટરનું પણ ઈ-ઉદઘાટન કર્યું હતું. યુનિવર્સિટી રોડ પર સ્પોર્ટસ કોમ્પ્લેકસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મેદનીને સંબોધતા ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે રાજકોટમાં આજે લોકર્પિત કરાયેલા સ્પોર્ટ્સ સંકુલમાં મહિનામાં માત્ર ૨૦૦ રૂપિયામાં સ્પોર્ટ્સની તાલીમ મળશે. ખેલકૂદને પ્રોત્સાહન આપવા નવી સ્પોર્ટ્સ પોલિસી થકી રાજયના યુવાનો મેડિકલ, એન્જીનીયરીંગ, કોમર્સ વગેરે ક્ષેત્રોની જેમ જ ખેલકૂદ ક્ષેત્રે પણ કારકિર્દી બનાવી શકે તેવો સરકારનો પ્રયાસ છે. મંત્રીશ્રી સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રમતો-૨૦૨૨નું માત્ર ૯૦ દિવસના ટૂકા ગાળામાં આયોજન કરીને ગુજરાત એક ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. જેના સાક્ષી બનવાનો આપણને સૌને અવસર મળશે. ભૂતકાળમાં અન્ય રાજ્યોએ રાષ્ટ્રીય રમતોના આયોજન માટે લીધેલા દોઢ, બે, ત્રણ અને સાત સાત વર્ષની સરખામણીએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સૌ નાગરિકોએ મળીને ૯૦ દિવસના ટૂંકા ગાળામાં આ રમતો યોજવાની તૈયારી બતાવી, જે ખૂબ સરાહનીય બાબત છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની ટીમે પ્રાથમિક પરીક્ષણ બાદ ગુજરાતની આ કામગીરીની ખૂબ સરાહના કરી હતી. મંત્રીશ્રીએ કહ્યું હતું કે રાષ્ટ્રીય રમતોના સ્વાગત માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટમાં એક જ દિવસમાં બે લાખથી વધુ લોકોની સામેલગીરી સહિત ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો જોડાયા હતા. ૨૯મી સપ્ટેમ્બરે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રીય રમતોને ખુલ્લી મૂકશે, જેમાં પધારનારા દેશભરના ખેલાડીઓ ગુજરાતના ગરબા માણે તે માટેના પ્રયત્નો કરવા તેમણે ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો. આમંત્રિતોના હસ્તે દીપ પ્રાગટયથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ જીલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુએ સ્વાગત પ્રવચનમાં આજના કાર્યક્રમની રૂપરેખા આપી હતી. મહાનુભાવોનુ પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. આ લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ અને મેયરશ્રી પ્રદીપ ડવએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. રાજ્યસભાના સાંસદશ્રી રામભાઈ મોકરીયા, શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સ્પેશિયલ પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, નગરપાલિકાના પ્રાદેશિક નિયામકશ્રી ધીમંત વ્યાસ, જીલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનરશ્રી અમિત અરોરા, નિવાસી અધિક કલેકટરશ્રી કે.બી.ઠક્કર, નાયબ પોલીસ કમિશ્નરશ્રી સુધીર દેસાઇ અને પાર્થરાજસિંહ ગોહિલ, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.અર્જુનસિંહ રાણા, પ્રાંત અધિકારીશ્રી ડૉ.સંદીપ વર્મા, શ્રી વિવેક ટાંક, અને શ્રી કે.જી.ચૌધરી, જીલ્લા રમત અધિકારીશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા અને શ્રી રમા મદ્રા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નવનિર્મિત સ્પોર્ટસ્ કો્મ્પ્લેક્સમાં મંત્રીશ્રી સંઘવી સહિતના મહાનુભાવોએ વિવિધ રમતો રમી બાળપણ તાજું કર્યું. રાજકોટના યુનિવર્સિટી રોડ પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યા બાદ નવા બેડમિન્ટન કોર્ટ પર રમત-ગમત મંત્રીશ્રી હર્ષ સંઘવી સૌથી પહેલા સાંસદશ્રી રામભાઈ મોકરિયા સાથે બેડમિન્ટન રમ્યા હતા. સિંગલ અને ડબલ્સ ગેઇમમાં મંત્રીશ્રી સંઘવીએ શ્રી રામભાઈ તેમજ શહેર ભાજપ અધ્યક્ષશ્રી કમલેશ મિરાણી સામે રમત રમી બાસ્કેટ બોલમાં ગોલ પણ કર્યા હતા. આ તકે સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા તેમજ શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવે પણ બાસ્કેટ બોલ પર હાથ અજમાવી ગોલ કર્યા હતા. મંત્રીશ્રીએ નવા સંકુલની સુવિધાઓ તેમજ પ્રેક્ટિસ કરતા ખેલાડીઓનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ સંકુલના પહેલા માળે ટેબલ ટેનિસની રમતમાં મંત્રીશ્રી સંઘવી અનુભવી ખેલાડીની જેમ રમ્યા હતા અને ચેમ્પિયન ખેલાડીને માત આપી હતી. સ્પોર્ટસ્ હોસ્ટેલના ઉદઘાટનમાં પણ મંત્રીશ્રીએ વિવિધ સુવિધાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon