મોડાસાના ભામાશા હોલ ખાતેથી માનનીય શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે યાત્રાનો પ્રારંભ
ગુજરાતના 20 વર્ષના પુરૂષાર્થને, 20 વર્ષના વિશ્વાસને, 20 વર્ષના વિકાસને વંદન કરવા અને જન જનને ગુજરાતની વિકાસયાત્રાથી માહિતગાર કરવા સમગ્ર ગુજરાતમાં 'વંદે ગુજરાત વિકાસયાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં તા. 5 થી 19 જુલાઇ દરમ્યાન વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે. જેનો પ્રારંભ માનનીય શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના વરદહસ્તે તા. 5 મી જુલાઈએ સાંજે 5.00 કલાકે મોડાસાના ભામાશા હોલ ખાતેથી કરવામાં આવ્યો.કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર અને વિવિધ કામગીરીમાં સારા કામ કરનાર લોકોને પ્રોત્સાહન પ્રમાણપત્ર આપવામાં આવ્યા.
અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં યોજાનાર વંદે ગુજરાત વિકાસ યાત્રા પ્રસંગે વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ વિકાસ કામોનું ખાતમૂર્હત, લોકાર્પણ અને લાભાર્થીઓને યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવશે. વંદે ગુજરાતનો રથ તાલુકાઓના ગામોમાં પરિભ્રમણ કરીને છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતમાં થયેલા વિકાસથી લોકોને વાકેફ કરશે.આજથી શરૂ થતી આ વિકાસ યાત્રા દરમિયાન 15માં નાણાપંચ, વાસ્મો, આયોજન મંડળ, વિકાસશીલ તાલુકા જોગવાઈ, મનરેગા, ડૉ. આંબેડકર આવાસ યોજના, પીએમજેએવાય કાર્ડ, મફત પ્લોટ સનદ, ખેતીવાડી શાખાની વિવિધ યોજનાઓ હેઠળ રૂપિયા 14 કરોડથી વધુનાં ખર્ચે 920 જેટલા વિકાસનાં કામોનું લોકાર્પણ કરવામાં આવશે. યાત્રા દરમિયાન રૂ. 16 કરોડથી વધુનાં ખર્ચે 1100 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ સાથે જિલ્લાને વેગવંતુ બનાવતી રૂ.37 કરોડના લોકહિતના કામોની જાહેરાત કરવામાં આવશે.વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમ્યાન મહેસૂલ વિભાગ દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજી લાભાર્થીઓને એક જ સ્થળે સેવાઓ અને લાભો અપાશે. વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ, પશુપાલન વિભાગ દ્વારા પશુ સારવાર કેમ્પ, નગરપાલિકાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લોકડાયરો અને ભવાઇના કાર્યક્રમો યોજાશે. જેના માધ્યમથી સરકારશ્રીની પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર- પ્રસાર કરવામાં આવશે. છેલ્લા 20 વર્ષ, એટલે કે બે દાયકામાં ગુજરાતે તમામ ક્ષેત્રોમાં સિધ્ધિઓના સોપાનો સર કરીને નવી ઉંચાઇઓ હાંસલ કરી છે. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલી વિકાસ યાત્રાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર ખુબ તેજ ગતિથી આગળ ધપાવી રહી છે ત્યારે આ વિકાસયાત્રાની જન જનને પ્રતિતિ થાય તે માટે ગામે ગામે જઇને લાભાર્થીઓને લાભો પણ આપવામાં આવશે. આજના પ્રસંગે લોકોને સંબોધતા માનનીય શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતુ કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપ સૌના આશીર્વાદથી ગુજરાતની વિકાસ યાત્રા શરૂ કરી છે. 20 વર્ષ પહેલાં ગુજરાતમાં વિકાસની વાત કરવી એ સપના જેવું હતું. વિકાસ કરી તે વિકાસ માટે લોકો પાસે મતરૂપી આશીર્વાદ મેળવવાની શરૂઆત મોદી સાહેબે કરી હતી આજે સમગ્ર વિશ્વમાં આ રીત ફેલાઈ છે. અરવલ્લીના નાના ગામમાં બ્લોક રોડ એ વિકાસ દર્શાવે છે. ફકત મહાનગરોમાં જ વિકાસ હોય અને સુવિધાઓ ગામડામાં ન મળે આ પરિભાષા સરકાર દ્વારા બદલી નાખવામાં આવી છે. વર્ષોથી આપણી વચ્ચે રહેલ નર્મદાના પાણી ઘર ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા અમારા દ્વારા કરાઈ છે. પીએમ મોદીએ શરૂ કરેલી વિકાસયાત્રા આજે આપના મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગળ ધપાવ્યો છે.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી લાલસિંહ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી શ્વેતા તિવેટિયા, અધિક નિવાસી કલેક્ટરશ્રી એન. ડી. પરમાર,પૂર્વ ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલા, નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર, DRDO ના ડિરેક્ટરશ્રી બી. ડી. દાવેરા, ભાજપ જિલ્લા પ્રમુખશ્રી રાજુભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.