નેટ બેન્કિંગનો પાસવર્ડ મેળવી ગઠિયાએ રાજકોટના વેપારીના ખાતામાંથી રૂ.39.75 લાખ ઉપાડી લીધા! - At This Time

નેટ બેન્કિંગનો પાસવર્ડ મેળવી ગઠિયાએ રાજકોટના વેપારીના ખાતામાંથી રૂ.39.75 લાખ ઉપાડી લીધા!


શહેરના પેલેસ રોડ પર વર્ધમાનનગર શેરી નં-4/7 ના ખુણે રહેતા અને પેડક રોડ પરના ચંપકનગરમાં શાહ રાયચંદ એન્ડ કંપની મારફત સોના-ચાંદીના દાગીનાનું ઉત્પાદન અને હોલસેલનું કામ કરતા હિતેષભાઈ અરવિંદભાઈ શાહ (ઉ.વ.47) ના નેટ બેન્કીંગના આઈડી પાસવર્ડ મેળવી ગઠીયાએ તેમની જાણ બહાર તેમના બેંક ખાતામાંથી રૂા.39.75 લાખ ઉપાડી લીધાની રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
હિતેષભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે,તેની કંપનીના નામનું એચડીએફસીની પેલેસ રોડ શાખામાં અને બેન્ક ઓફ બરોડાની રણછોડનગર શાખામાં એકાઉન્ટ છે.આ બંને ખાતામાં નેટ બેન્કીંગનો ઉપયોગ કરે છે.ગઈ તા.29 ના રોજ સાંજે તેના મોબાઈલમાં કોલ આવ્યો હતો. સામા છેડેથી કહ્યું કે હું જીયો કંપનીમાંથી બોલુ છું.તમારે ફાઈવજી અપડેટ કરવાનું છે.જેથી તેણે ના પાડતા થોડીવાર પછી સીમકાર્ડ બંધ થઈ ગયાનું લાગ્યું હતું. તેમાંથી કોલ પણ લાગતા ન હતા.કંપનીમાં પણ ફોન લાગતા ન હતા.
ત્યારબાદ બે દિવસ મિત્રની બર્થડે પાર્ટીમાં મુંબઈ ગયા હતા.ગઈ તા.1 ના રોજ પરત આવી સીમકાર્ડ ચાલુ કરાવવા તેની પંચનાથ મંદિર પાસે આવેલી ઓફિસે ગયા હતા.તે વખતે સીમકાર્ડ ચાલુ થઈ ગયું હતું. થોડીવાર પછી પિતાએ કોલ કરી કહ્યું કે તે આપણા એચડીએફસી બેન્ક ખાતામાંથી આપણા બેન્ક ઓફ બરોડાના ખાતામાં બધા રૂપીયા કેમ ટ્રાન્સફર કર્યા છે.જેથી તેણે રૂપીયા ટ્રાન્સફર કર્યાનો ઈન્કાર કર્યો હતો. આ પછી બેંક ઓફ બરોડાની શાખામાં તપાસ કરતા બેંક મેનેજરે કહ્યું
કે તમારા ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેકશનથી કુલ રૂા.39.75 લાખ અલગ-અલગ બેંકમાં ટ્રાન્સફર થયા છે.જેથી તુરંત બેન્ક સ્ટેટમેન્ટ કઢાવી સાયબર ક્રાઈમમાં ઓનલાઈન અરજી કરી હતી.જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે આઈટી એકટ અને ચોરી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી ગઠીયાની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.આ મામલે સાયબર પોલીસે જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિને નેટ બેન્કિંગનો પાસવર્ડ કે એટીએમની માહિતી આપવી નહીં બેન્ક દ્વારા માહિતી માટે કોઈ પણ ખાતાધારકને કોલ કરવામાં આવતો નથી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.