શિક્ષણ નીતિ પર કાર્યરત આવી સંસ્થાઓની રજૂઆત સરકારને પહોંચાડવા સંમત: સાસંદ વસાવા ગુજરાત શૈક્ષણિક મંચની ત્રિદિવસીય સંગોષ્ઠિ કેવડિયા કોલોનિ ખાતે યોજાઈ શાળા શિક્ષણમાં એકમ કસોટીની અમલીકરણ સમસ્યા હટાવી ચાલુ રાખો... - At This Time

શિક્ષણ નીતિ પર કાર્યરત આવી સંસ્થાઓની રજૂઆત સરકારને પહોંચાડવા સંમત: સાસંદ વસાવા ગુજરાત શૈક્ષણિક મંચની ત્રિદિવસીય સંગોષ્ઠિ કેવડિયા કોલોનિ ખાતે યોજાઈ શાળા શિક્ષણમાં એકમ કસોટીની અમલીકરણ સમસ્યા હટાવી ચાલુ રાખો…


શિક્ષણ નીતિ પર કાર્યરત આવી સંસ્થાઓની રજૂઆત સરકારને પહોંચાડવા સંમત: સાસંદ વસાવા

ગુજરાત શૈક્ષણિક મંચની ત્રિદિવસીય સંગોષ્ઠિ કેવડિયા કોલોનિ ખાતે યોજાઈ

શાળા શિક્ષણમાં એકમ કસોટીની અમલીકરણ સમસ્યા હટાવી ચાલુ રાખો...

નર્મદા જિલ્લા ના એકતાનગર ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ નામની સંસ્થા દર છ માસે ગુજરાતના વિવિધ સ્થળો પર સંગોષ્ઠિના નામાભિધાનથી શૈક્ષણિક પરીસંવાદનું સુંદર આયોજન કરે છે.આ કાર્યક્રમમાં ગુજરાત ભરમાંથી પ્રાથમિક, માધ્યમિક શિક્ષણના ક્ષેત્રમાં સમર્પણ ભાવથી કાર્યરત એવા શિક્ષકો જોડાતા હોય છે. તાજેતરમાં આવી સંગોષ્ઠિનો સાતમો મણકો કેવડિયા કોલોની, એકતાનગર જિ.નર્મદા ખાતે તારીખ ૨૯/૩૦/૩૧ માર્ચ દરમિયાન "શિક્ષણમાં મૂલ્યાંકન" વિષય પર સંપન્ન થયો.
તા.૨૯ રાત્રી પ્રથમ બેઠકમાં 'એકમ કસોટી મારા અનુભવો' પર ઉપસ્થિતોએ મંથન કર્યું હતું.સવારની બેઠકનું આયોજન વિપશ્યના ધ્યાનનું હતું જેનું સંચાલન ઉપાચાર્ય શ્રી મનહરભાઈ શાહે કર્યું.બીજા દિવસે યોગ સેશન શ્રી સોલંકી અને પઢારિયાએ સંચાલન કર્યું. તા.૩૦ માર્ચના ઉદ્ઘાટન સત્રમાં દર વર્ષે ઉત્તમ શિક્ષણ કાર્ય કરતાં શિક્ષકોને સંસ્થા દ્વારા ફોરમ એવોર્ડ અર્પણ કરીને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે તે ઉપક્રમ સંપન્ન થયો.આ એવોર્ડમાં રૂપિયા ૨૧૦૦, પ્રશસ્તિપત્ર અને શાલ અર્પણ કરવામાં આવે છે. સ્વ.ઉષાબેન બંસીલાલ ચાહવાલાના સૌજન્યથી ચાલુ વર્ષે શિક્ષક એવોર્ડ અર્પણ થયા. લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ સ્વ.પારસબેન જીતુભાઈ જોશીના સૌજન્યથી શ્રી ભગવતદાન ગઢવીને એનાયત થયો.સુશ્રી દયાબેન સોજીત્રા-અમરેલી, શ્રી વિમલભાઈ પટેલ -અમદાવાદ,શ્રી દુધાભાઈ પરમાર બનાસકાંઠા,શ્રી સંજયભાઈ પટેલ-મહેસાણાને ફોરમ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરવામાં આવ્યા.આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા અને બિરસા મુંડા યુનિવર્સિટીના કુલપતિ શ્રી મધુકરભાઈ પાડવી એ આવા સુંદર મજાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ધન્યતાનો અનુભવ કર્યો.માંગરોળ કોલેજના પ્રા.પ્રશાંત ચાહવાલાએ પોતાના તરફથી આવી પારમાર્થિક પ્રવૃત્તિઓને હંમેશા યોગદાન આપવાના આશ્ર્વાસન સાથે શિક્ષક ભાઈ -બહેનોને શુભેચ્છાઓ અર્પણ કરી હતી. સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ પ્રાસંગિક ઉદબોધનમાં નરેન્દ્રભાઈ મોદીએ આ વિસ્તારમાં જે રીતે શિક્ષણની ગુણવત્તા અને પ્રચાર, પ્રસાર માટે પ્રયત્નો કર્યા છે તેને ભૂલી શકાય તેમ નથી તેમ જણાવ્યું.તો તેમણે એમ પણ કહ્યું કે આવી સંસ્થાઓ શિક્ષણની નીતિ ઉપર કામ કરી રહી છે તેમને હું અંગત રીતે સમર્થન કરું છું.જ્યારે જરૂર પડે ત્યારે આ પ્રકારની નીતિઓના નિર્ધારણમાં આપણે સરકારનું પણ ધ્યાન કેન્દ્રિત કરી શકીએ તે માટે જરૂરથી મને યાદ કરજો. કુલપતિ શ્રી મધુકરભાઈ પાડવી એ સમગ્ર શિક્ષણ જગતના ફેરફારોને સ્વીકારીને અંતિમ માણસને મદદ કરવા માટે સૌને વધુ સજજ બનવા અનુરોધ કર્યો. આ સત્ર દરમિયાન સંસ્થાની પરિચય પુસ્તિકા અંક" ચરરૈવેતી, ચરૈવૈતિ"નું લોકાર્પણ કરવામાં આવ્યું.જેમાં છેલ્લાં ત્રણ વર્ષથી કાર્યરત આ સંસ્થાનો અહેવાલ પ્રગટ થયો છે.સંસ્થાનો પરિચય સંયોજક શ્રી તખુભાઈ સાંડસુરે કરાવ્યો હતો. આભાર દર્શન ડો.મહેશભાઈ ઠાકરે કર્યું. 'શિક્ષણમાં સર્વગ્રાહી મૂલ્યાંકન અને તેની ઉપયોગીતા' પર શ્રી નૈષધભાઈ મકવાણાએ પોતાની અભ્યાસપૂર્ણ રજૂઆત કરી હતી.'એકમ કસોટી :ઉપયોગીતા,ઉણપ અને સુધારણા' તે વિષય પર ભરૂચ ડાયટના પ્રા. વી.એમ. બલદાણિયાએ બહુ સ્પષ્ટ રીતે પ્રકાશ પાડીને વૈજ્ઞાનિક અને તાર્કિક તથ્યો રજૂ કર્યા હતા.બપોર પછીનું બીજું સત્ર મુલાકાત સત્ર હતું.જેમાં તમામ સાધક ભાઈ- બહેનો સરદાર સરોવર ડેમ યોજના અને તેનાથી નિર્મિત પાવર હાઉસની મુલાકાત લીધી હતી.પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓ માટે સરદારનું જીવન કેટલું ઉપયોગી અને મહત્વ ધરાવે છે તે માટેનો લેસર શો પણ નિહાળ્યો હતો.સાંજના સત્રના અંતિમ ભાગમાં શુરપાણેશ્વર મંદિર ખાતે યોજાતી નર્મદા આરતીનો પણ સૌએ લાભ લીધો હતો. અંતિમ દિવસે તા.૩૧ માર્ચના રોજ સમાપન બેઠકમાં પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન થયું હતું.સૌ સાધક ભાઈ બહેનોએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.નવા સાધક અને ઓછી દષ્ટિ ધરાવતા શ્રી પીનાકીન પરમારે એક બેઠકનું સંચાલન કરી એમ જણાવ્યું હતું કે હું આ મંગલ યાત્રામાં પાછળથી જોડાયો છું તે મારા માટે દુઃખદ છે.કારણકે અગાઉના આવા કાર્યક્રમોમાં હું અળગો રહી ગયો.અમદાવાદની એન.જી.ઓ.મા કાર્યરત સુશ્રી શિલ્પાબેન ગોહિલે કહ્યું આ એક નવા પરિવાર સાથે જોડાવાનો આનંદ છે.અંતે શાળા શિક્ષણમાં એકમ કસોટીઓ એક પ્રાણવાન પગથિયું છે શિક્ષકગણને સાથે રાખી તેના અમલીકરણના પ્રશ્ર્નો ઉકેલીને તે ચાલું રાખવા ઠરાવ પસાર કરાયો હતો, સૌએ તેનું સમર્થન કર્યું.સંચાલન શ્રી ભગવતદાન ગઢવી અને દિપ્તીબેન જોશીએ કર્યું હતું.સંયોજન અને સંકલન શ્રી શ્યામજીભાઈ દેસાઈએ સંભાળ્યુ હતું.સમગ્ર ગોષ્ઠિનું આભાર દર્શન શ્રી જીતુભાઈ જોશીએ કર્યું હતું.સ્થાનિક અગ્રણીઓ શાંતિભાઈ ભોઈ,ડો.મહેશ ઠાકર ,ડો જે.એમ જાદવ વગેરેએ નોંધનીય યોગદાન આપ્યું હતું.
‌‌

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image