અમરનાથની ગુફા નજીક આભ ફાટયું : ૧૫ યાત્રાળુનાં મોત, ૪૦ ગુમ - At This Time

અમરનાથની ગુફા નજીક આભ ફાટયું : ૧૫ યાત્રાળુનાં મોત, ૪૦ ગુમ


જમ્મુ-કાશ્મીરમાં શ્રીઅમરનાથની ગુફા નજીક આભ ફાટયું હતું, જેમાં ૧૫ યાત્રાળુઓનાં મોત થયા હતા. ૪૦ યાત્રાળુઓ ગુમ થયા હતા. જેમની શોધખોળ શરૃ કરવામાં આવી હતી. એનડીઆરએફ, આઈટીબીપીના જવાનોએ રાહત અને ેબચાવ કામગીરી શરૃ કરી હતી. અચાનક વાતાવરણ પલટાયું હોવાથી યાત્રાળુઓના ૪૦ જેટલા ટેન્ટ તણાઈ ગયા હતા.જમ્મુ-કાશ્મીરમાં શ્રીઅમરનાથની ગુફા નજીક આભ ફાટતા અસંખ્ય તંબુ તણાઈ ગયા હતા. આઈટીબીપીના પીઆરઓ વિવેક પાંડેયને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં કહેવાયું હતું કે લોઅર હોલી કેવ નજીક જ્યાં આ ઘટના બની છે ત્યાં ૮૦થી ૧૦૦ તંબુ હતા. આભ ફાટતા પાણીની ઝપટમાં લગભગ ૪૦થી ૫૦ તંબુ તણાઈ ગયા હોવાની શક્યતા વ્યક્ત થઈ છે. સીઆરપીએફ, આઈટીબીપી અને એનડીઆરએફના જવાનોએ રેસ્ક્યૂ ઓપરેશન શરૃ કર્યું છે. યાત્રાળુઓના પરિવારજનોને માહિતી મળે તે માટે ટૂંક સમયમાં જમ્મુ-કાશ્મીર પોલીસ હેલ્પલાઈન શરૃ કરશે. એનડીઆરએફના ડીજીએ કહ્યું હતું કે મૃત્યુઆંક વિશે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ શકે તેમ નથી. બચાવ કામગીરી શરૃ થઈ ગઈ છે, પરંતુ વાતાવરણ હજુ પણ ખરાબ હોવાથી બચાવ કામગીરી બંધ રાખવી પડી રહી છે. આઈટીબીપીના નિવેદનમાં કહેવાયું હતું કે વાતાવરણ અચાનક પલટાઈ જતાં યાત્રાળુઓને એ સ્થળ છોડીને અન્ય સતામત સ્થળે જવાની સૂચના અપાઈ હતી, પરંતુ યાત્રાળુઓ જગ્યા છોડે તે પહેલાં જ ભયાનક સ્થિતિ સર્જાઈ ગઈ હતી.બીજી તરફ ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર બની ગઈ છે. નૈનિતાલમાં ઢેલવા નદીમાં ભારે પૂર આવ્યું હતું. બ્રિજ પરથી પાણી જતું હતું એ વખતે જ બ્રિજ પરથી પસાર થતી એક કાર તણાઈ ગઈ હતી, જેમાં ૯ મુસાફરોનાં મોત થયા હતા. એક યુવતીનો ચમત્કારિક બચાવ થયો હતો. કારમાં કુલ ૧૦ પેસેન્જર્સ હતા. પુલ ઉપર અચાનક પાણી વધી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.કર્ણાટક, રાજસ્થાન જેવા રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી. તે ઉપરાંત ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, પંજાબ, દિલ્હી, ઝારખંડ, બિહાર જેવા રાજ્યોમાં વરસાદ સતત ચાલુ રહેતા એલર્ટ જારી કર્યો છે. દિલ્હીમાં જનજીવન ભારે વરસાદના કારણે પ્રભાવિત થયું હતું અને ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયું હતું. દેશના તમામ રાજ્યોમાં આગામી ચાર-પાંચ દિવસથી હળવાથી ભારે વરસાદની શક્યતા છે. કેરળ, આંધ્રપ્રદેશ, ઓડિશા, તેલંગણા, છત્તીસગઢમાં ભારે વરસાદ ઉપરાંત વીજળી પડવાની શક્યતા હોવાથી લોકોને બહાર ન નીકળવાની તાકીદ કરવામાં આવી છે. દેશભરમાં વરસાદી વાતાવરણ રહેતાં તાપમાનનો પારો નીચે આવ્યો હતો અને વાતાવરણમાં ઠંડકનો અનુભવ થયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.