ઈસ્લામિક સંગઠનની નુપુર શર્માને માફી, હિંસા માટે ઓવૈસી-મદની વિરુદ્ધ ફતવો - At This Time

ઈસ્લામિક સંગઠનની નુપુર શર્માને માફી, હિંસા માટે ઓવૈસી-મદની વિરુદ્ધ ફતવો


નવી દિલ્હી, તા.૧૨મુસ્લિમ સંગઠન જમાત ઉલેમા-એ-હિંદે જ્ઞાનવાપી મસ્જિદમાંથી શિવલિંગ મળવા અંગેની ટીવી ડિબેટમાં કથિત રીતે પયગંબર મોહમ્મદ સાહેબ વિરુદ્ધ વિવાદાસ્પદ ટીપ્પણી કરવાની બાબતમાં ભાજપનાં હાંકી કઢાયેલા પ્રવક્તા નુપુર શર્માને માફ કરવાની ભલામણ કરી છે જ્યારે દેશભરમાં શુક્રવારની નમાઝ પછી હિંસાની ટીકા કરતા અસદુદ્દીન ઓવૈસી અને મોહમ્મદ મદની વિરુદ્ધ ફતવો જાહેર કરવાનું કહ્યું છે.બુદ્ધિજીવી મુસ્લિમ સંગઠન જમાત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ સુહૈબ કાસમીએ રવિવારે કહ્યું કે, પયગંબર સાહેબ પર વિવાદાસ્પદ ટીપ્પણી કરનાર ભાજપનાં ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્માને ઈસ્લામ મુજબ માફ કરવા જોઈએ. મુસ્લિમ વિદ્વાનોનું સંગઠન તેમની ટીપ્પણીના પગલે દેશભરમાં ફેલાયેલી હિંસાની ટીકા કરે છે. આ સિવાય જમાત ઉલેમા-એ-હિંદે નુપુર શર્માને પક્ષમાંથી હાંકી કાઢળાના ભાજપના નિર્ણયનું પણ સ્વાગત કર્યું છે.કાસમીએ ઉમેર્યું કે, જમાત ઉલેમા-એ-હિંદે એક 'ફતવો' જાહેર કરવાનો નિર્ણય કર્યો છે, જેના માધ્યમથી તે લોકોને નુપુર શર્મા અને તેમની ટીપ્પણીના સંબંધમાં કોઈપણ પ્રકારની હિંસાનું સમર્થન નહીં કરવાનો આગ્રહ કરશે. જમાતે કહ્યું કે, અસદુદ્દીન ઓવૈસી અને મોહમ્મદ મદની વિરુદ્ધ પણ એક ફતવો આવશે. સાથે જ જમાતે સરકારને અનેક મુસ્લિમ સંગઠનો અને તેમના ફન્ડિંગની તપાસ કરવાની પણ અપીલ કરી છે. તેમણે કહ્યું કે તે અન્ય મુસ્લિમ સંગઠનોને પણ હિંસા ફેલાવવાની મંજૂરી નહીં આપે.દરમિયાન આરએસએસ સાથે સંકળાયેલા મુસ્લિમ રાષ્ટ્રીય મંચ (એમઆરએમ)એ રવિવારે શુક્રવારની નમાઝ પછી દેશમાં ફેલાયેલી હિંસાની આકરી ટીકા કરી હતી અને હિંસામાં સંડોવાયેલા લોકોને ઈસ્લામમાંથી હાંકી કાઢવાની માગણી કરી હતી. સંગઠને કહ્યું કે, નમાઝ પછી પથ્થરમારો, આગજની અને રમખાણોથી માત્ર ઈસ્લામ ધર્મ જ બદનામ નથી થયો, પરંતુ મુસ્લિમો પણ શરમજનક સ્થિતિમાં મુકાયા છે.આ સંગઠનના સ્થાપક અને આરએસએસના રાષ્ટ્રીય કારોબારી સભ્ય ઈન્દ્રેશ કુમારે હિંસાની ઘટનાઓને ભારતમાં અશાંતિ ફેલાવવાનું અને વિદેશમાં દેશની છબી ખરડવાનું કાવતરું ગણાવી હતી. વધુમાં તેમણે મુસ્લિમો શાંત રહેવા અને ગેરમાર્ગે નહીં દોરાવા અપીલ કરી હતી. સંગઠને બધા જ રાજ્યોની સરકારોને તોફાની તત્વો સામે ત્વરિત પગલાં લેવા પણ માગ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon