IPLના મીડિયા રાઈટ્સથી BCCIને જેકપોટ : રૂા. 48,390 કરોડની કમાણી - At This Time

IPLના મીડિયા રાઈટ્સથી BCCIને જેકપોટ : રૂા. 48,390 કરોડની કમાણી


- આગામી પાંચ વર્ષ આઇપીએલની એક મેચથી રૂા.118 કરોડની આવક થશે- રિયાલન્સ-વાયકોમે ભારતના ડિજિટલ રાઈટ્સ કુલ રૂા. 23,758 કરોડમા અને ડિઝની-સ્ટારે ટીવી રાઈટ્સ રૂા.23,575 કરોડમાં ખરીદ્યાનવી દિલ્હી : આઇપીએલમાં આગામી પાંચ વર્ષમાં રમાનારી પ્રત્યેક મેચથી ભારતીય ક્રિકેટ બોર્ડને ૧૧૮ કરોડ રૂપિયાથી વધુની કમાણી થશે. આઇપીએલના મીડિયા રાઈટ્સના વેચાણથી ભારતીય ક્રિકેટ બોર્ડને અધધધ કહી શકાય તેવી રૂપિયા ૪૮,૩૯૦ કરોડની આવક થઈ હતી. ભારત જ નહી વિશ્વના સ્પોર્ટસ બ્રોડકાસ્ટિંગના ઈતિહાસમાં આઇપીએલના રાઈટ્સથી નવો કીર્તિમાન સર્જાયો હતો. આ સાથે આઇપીએલ પ્રતિ મેચ સૌથી વધુ બ્રોડકાસ્ટિંગ ફીની રીતે વિશ્વની સૌથી ધનાઢ્ય લીગમાં બીજા સ્થાને આવી ગઈ હતી. જ્યારે રિલાયન્સ-વાયકોમ૧૮એ ડિજિટલ રાઈટ્સમાં મેદાન મારીને ડિઝની-સ્ટારની મોનોપોલીને તોડી નાંખી હતી. ડિજિટલ રાઈટ્સે ટીવી રાઈટ્સને પાછળ રાખી દીધા હતા. વર્ષ ૨૦૨૩થી ૨૦૨૭ સુધીના આઇપીએલના ભારતના ટીવી રાઈટ્સ ડિઝની-સ્ટારે રૂપિયા ૨૩,૫૭૫ કરોડ (પ્રતિ મેચ ૫૭.૫ કરોડ રૂા.)માં ખરીદ્યા હતા. જ્યારે રિલાયન્સ-વાયકોમ૧૮એ ભારતના ડિજિટલ રાઈટ્સ રૂપિયા ૨૦,૫૦૦ કરોડ (પ્રતિ મેચ રૂા. ૫૦ કરોડ)માં હાંસલ કર્યા હતા. હરાજીના ત્રીજા દિવસે રિલાયન્સ-વાયકોમ-૧૮એ પ્રતિ સિઝન પસંદગીની ૧૮ મેચના નોન એક્સલુઝિવ ડિજિટલ રાઈટ્સ ૨૯૯૧.૬ કરોડ (પ્રતિ મેચ ૩૩.૨૪)માં સૌથી ઊંચી બોલી લગાવીને ખરીદી લીધા હતા. જ્યારે વિદેશમાં ટીવી અને ડિજિટલ રાઈટ્સ પણ રિલાયન્સ-વાયકોમ૧૮ અને ટાઈમ્સ ઈન્ટરનેટે રૂપિયા ૧૩૨૪ કરોડમાં હાંસલ કરી લીધા હતા. રિલાયન્સ-વાયકોમ૧૮એ ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને યુકેના એ ટાઈમ્સ ઈન્ટરનેટે મીડલ ઈસ્ટ એન્ડ નોર્થ આફ્રિકા તેમજ યુએસના રાઈટ્સ મેળવ્યા હતા.ત્રણ દિવસ ચાલેલી ઈ-હરાજીનો આ સાથે અંત આવી ગયો હતો. પાંચ વર્ષના ગાળામાં આઇપીએલમાં કુલ ૪૧૦ મેચ રમાશે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે ટ્વીટ કરીને કહ્યું હતુ કે, મીડિયા રાઈટ્સના ઈ-હરાજીમાં રૂપિયા ૪૮,૩૯૦ કરોડ ઉપજતા બ્રાડ આઈપીએલે નવી ઊંચાઈને સ્પર્શ કર્યો છે. હું એ જાહેરાત કરતાં રોમાંચ અનુભવી રહ્યો છું કે, સ્ટાર ઈન્ડિયાએ ભારતના ટીવી રાઈટ્સ રૂપિયા ૨૩,૫૭૫ કરોડમાં ખરીદ્યા છે. આ રકમ મહામારી દરમિયાન પણ બીસીસીઆઇની સંચાલન ક્ષમતાનું પ્રત્યક્ષ પ્રમાણ છે. વાયકોમ૧૮એ ડિજિટલ રાઈટ્સ રૂપિયા ૨૩,૭૫૮ કરોડમાં મેળવ્યા હતા. ભારતમાં ડિજિટલ ક્રાંતિ થઈ રહી છે અને આ સેક્ટરમાં અનંત સંભાવના છે. ડિજિટલ લેન્ડસ્કેપના કારણે ક્રિકેટ જોવાની દ્રષ્ટી બદલાઈ રહી છે. વર્ષ ૨૦૦૮માં આઇપીએલ રાઈટ્સમાં ૯૦ ટકા ટીવીના અને માત્ર ૧૦ ટકા જ ડિજિટલ પ્લેટ ફોર્મ માટેના હતા.જે ૨૦૧૮માં વધીને ૭૫ઃ૨૫ થયા હતા. જ્યારે આ વખતની હરાજીમાં ડિઝની-સ્ટારે ડિજિટલ રાઈટ્સ ગુમાવ્યા હતા અને રિલાયન્સ-વાયકોમ૧૮એ તે હાંસલ કર્યા હતા. વાયકોમ૧૮ના કન્સોર્ટિયમમાં સ્ટાર ઈન્ડિયાના ભૂતપૂર્વ વડા ઉદય શંકર (બોધી ટ્રી) અને જેમ્સ મર્ડોક (લુપા સિસ્ટમ્સ) પણ સામેલ હતા. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon