ભચાઉ તાલુકામાં આવેલા આધોઈ ગામ ખાતે કન્યા પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને આવકારીને શાળામાં નામાંકન કરાવ્યું હતું.
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમથી વિદ્યાર્થીઓના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે: અધિક કમિશનરશ્રી વાહોનીયા
૦૦૦૦
કન્યા પ્રાથમિક શાળા અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવતા અધિક કમિશનર અને ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના સીઈઓશ્રી બી.બી.વાહોનીયા
૦૦૦૦
ભુજ, ગુરૂવાર:
આજરોજ અધિક કમિશનર અને ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના સીઈઓશ્રી બી.બી.વાહોનીયા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલા આધોઈ ગામ ખાતે કન્યા પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને આવકારીને શાળામાં નામાંકન કરાવ્યું હતું. ભચાઉ મામલતદારશ્રી મોડસિંહ રાજપૂતે આ પ્રસંગે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રેરણા પુરી પાડી હતી. કન્યા શાળા આધોઈમાં ૧૫ બાલિકાઓ, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ધો. ૦૯ માં કુલ ૯૬ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
નાની નાની બાળકીઓને શાળામાં સ્નેહ સાથે આવકારીને અધિક કમિશનરશ્રી વાહોનીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલો કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ વિદ્યાર્થીઓના જીવનમાં આમૂલ પરિવર્તન લાવવાનું કામ કરી રહ્યો છે. આ કાર્યક્રમથી શાળા પ્રવેશ એક ઉજવણી સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણનું ઉદાહરણ બનીને ઊભરી આવ્યો છે. અધિક કમિશનરશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આંગણવાડીથી લઈને ઉચ્ચ અભ્યાસક્રમ સુધી વિદ્યાર્થીના તમામ શિક્ષણની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે.
વાલીઓને બાળકોને ખૂબ ભણાવવાના આગ્રહ સાથે અધિક કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, શાળામાંથી પ્રાપ્ત થયેલા શિક્ષણ થકી બાળકના જીવનને નવી દિશા અને ધ્યેય મળે છે. બાળકોના જીવન ઘડતરની જવાબદારી વાલીઓની છે તેમ ઉમેરીને તેઓએ દરેક બાળકને સમાન તક અને શિક્ષણ મળે એ બાબત ઉપર ભાર મૂક્યો હતો. શાળામાં સ્કૂલ મોનિટરિંગ કમિટીની બેઠક નિયમિત રીતે મળે અને વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલા શિક્ષણનું મૂલ્યાંકન થાય તે બાબતે કામગીરી કરવા સૌ ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો. અધિક કમિશનરશ્રી વાહોનીયાએ વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર વિશે સમજણ આપીને જીવનમાં એક લક્ષ્ય સાથે આગળ વધવાની પ્રેરણા પુરી પાડી હતી.
અધિક કમિશનરશ્રી સહિત ઉપસ્થિત તમામ મહાનુભાવોએ બાળકોને શૈક્ષણિક કિટ આપીને શાળામાં નામાંકન કરાવ્યું હતું. શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે મહાનુભાવોએ શુભેચ્છાઓ આપી હતી. દરેક વિદ્યાર્થી ઓછામાં ઓછું એક વૃક્ષ તો ઉછેરે જ એવા અનુરોધ સાથે શાળાના પ્રાંગણમાં સામૂહિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વોંધના સી.આર.સીશ્રી સંજયભાઈ પટેલ, બી.આર.સી કોર્ડિનેટરશ્રી વિજયભાઈ પંડ્યા, આરબીએસકે મેડિકલ ઓફિસરશ્રી ડૉ.મીનાબેન, આઈસીડીએસના પ્રતિનિધિશ્રી પ્રીતિબેન પંડ્યા, દાતાશ્રી સમા રેશ્માબેન, સુશ્રી ચાર્મીબેન, કન્યા શાળાના આચાર્યશ્રી સુરજભાઈ પટેલ, ગ્રૂપ શાળાના આચાર્યશ્રી દક્ષાબેન ચૌહાણ, ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્યશ્રી રાહુલભાઈ પરમાર, સ્કૂલ મોનિટરિંગ કમિટીના સભ્યશ્રી કાસમભાઈ, પૂર્વ શિક્ષકશ્રી ડી.પી. ચાવડા સહિત ગ્રામજનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.