સાંસદ મનસુખ વસાવાએ કીર્તન વસાવાના આપઘાત મામલે નબીપુર પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપ-જાણો શું કહ્યું સાંસદ મનસુખ વસાવાએ.
કવિઠા ગામે યુવાને પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાના સાંસદના આક્ષેપ બાદ ખળભળાટ મચ્યો છે. સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદ અને ધારાસભ્યએ પહોંચી પરિવારજનોની મુલાકાત લીધી હતી. તો આ તરફ પોલીસે નબીપુર પોલીસ મથકના પી.આઇ. સહિત ત્રણ પોલીસ કર્મીઓ સામે આત્મહત્યા માટે દુષપ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
ભરૂચ તાલુકાના કવિઠા ગામ ખાતે રહેતા યુવાન કીર્તન વસાવાએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હોય જે અંગેની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો આ બધા જ વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ખળભળાટ મચ્યો છે સાંસદ મનસુખ વસાવાએ યુવાનની સ્યુસાઇડ નોટ સાથે કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે નબીપુર પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કર્યો છે ત્યારે સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસની માંગ સાંસદ મનસુખ વસાવાએ કરી હતી. સ્યુસાઈડ નોટમાં યુવાને નબીપુર પોલીસ દારૂના કેસમાં ખોટી રીતે હેરાન કરતી હોવાથી તે આ પગલું ભરતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
સાંસદ અને MLA એ લગાવ્યા ગંભીર આરોપ
આ તરફ ભરૂચ સિવિલ હોસ્પિટલ પર પરિવારજનોના ટોળા ભેગા થઈ ગયા હતા ત્યારે સાંસદ મનસુખ વસાવા તેમજ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી આ અંગે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે એક મહિના પહેલા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.પરમાર વિરુદ્ધ કરેલી રજૂઆત ધ્યાને ન લેવાતા આજે ગંભીર પરિણામ સામે આવ્યું છે. ત્યારે આવા પોલીસકર્મીઓ સામે કડક પગલાં ભરાવા જોઈએ તો વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ જણાવ્યું હતું કે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસ કર્મીઓને ડિસમિસ નહીં કરાય ત્યાં સુધી આ મામલો પડતો નહીં મુકાય.
પોલીસ ઇન્સ્પકટર સહિત અન્ય બે જમાદાર પર ગુનો દાખલ
મામલાની ગંભીરતા સમજી DYSP સી.કે.પટેલ સહિતનો પોલીસ કાફલો પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. પોલીસે આખરે નબીપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પકટર એમ. કે.પરમાર, પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અને સંદીપ સામે આત્મહત્યા માટે દૂષપ્રેરણા તેમજ એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે આ અંગે પોલીસે જણાવ્યું હતું કે આત્મહત્યા કરનાર કીર્તન વસાવા ભૂતકાળમાં દારૂના કેસમાં પકડાયો હતો. પોલીસે કીર્તનની કાર જમા કરી હતી જે છૂટતી ન હોવાના કારણે તે તણાવમાં હતો ત્યારે આ મામલે હવે પોલીસકર્મીઓ સામે ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવી રહી છે.
સોહેલ મન્સુરી, ભરૂચ
9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે
