ગાંધીભૂમિમાં વિશાળ તિરંગા યાત્રા: પોરબંદરમાં જન જન સુધી પહોંચ્યું હરઘર તિરંગા અભિયાન - At This Time

ગાંધીભૂમિમાં વિશાળ તિરંગા યાત્રા: પોરબંદરમાં જન જન સુધી પહોંચ્યું હરઘર તિરંગા અભિયાન


વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારની સાથે ગુજરાત સરકાર દ્વારા પણ તા. ૮ થી  ૧૫ ઓગસ્ટ દરમ્યાન સમગ્ર રાજ્યમાં ૭૮માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાન સહિત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

 

               પોરબંદર જિલ્લાવાસીઓ પણ આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે, ત્યારે પોરબંદરમાં આજે સવારે ૯ કલાકે ગાંધી સ્મૃતિ ભવનથી હાર્મની ફૂવારા સુધી ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોને ઘરે-ઘરે તથા દુકાનો-ઓફિસ સહિતના સ્થળો પર તિરંગો લહેરાવવા માટે જાગૃતિ આપવામાં આવી હતી.પોરબંદરમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર શહેરમાં આવેલા ગાંધી સ્મૃતિ ભવન, કનકાઈ માતાજીના મંદિર ખાતે આજે મંગળવારે તા. ૧૩ ઓગષ્ટના રોજ સવારે ૯ કલાકે ‘તિરંગા યાત્રા’નું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કર અને જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ યુ. જાડેજા, નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી, પ્રદીપભાઈ ખીમાણી, કિરીટભાઈ મોઢવાડિયા અશોકભાઈ મોઢા સહિતના મહાનુભાવોએ આ તિરંગા યાત્રા પરેડનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સશસ્ત્ર દળોનું બેન્ડ, પોલીસ બેન્ડ, સ્કૂલ બેન્ડ અને અન્ય  બેન્ડ પાર્ટી દ્વારા દેશ ભક્તિ આધારીત ધૂન અને ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. તો શહેરના વિવિધ સાંસ્કૃતિક વૃંદો અને વિદ્યાર્થીઓ દ્વારા પરંપરાગત પહેરવેશમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરી પોરબંદરની ભાતીગળ લોકસંસ્કૃતિની ઝાંખી કરાવી હતી.

               આ ‘તિરંગા યાત્રા’ પરેડમાં પોલીસ, સાંસ્કૃતિક કાર્યક્રમ ગૃપ, હોમ ગાર્ડ, એસ.પી.સી., એન.સી.સી. કેડે્સ, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજના છાત્રો, યોગ બોર્ડ, યુવા બોર્ડ, ખેલાડીઓ, કોચ, ટ્રેનર, જીમ સેન્ટરના કર્મચારીઓ, એન.જી.ઓ. તેમજ અધિકારીઓ, કર્મયોગીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ‘તિરંગા યાત્રા’નું શહેરના રાજમાર્ગો પરથી પસાર થઈ ત્યારે રાહદારીઓ અને વાહનચાલકોમાં પણ દેશભક્તિની ભાવના જોવા મળી હતી અને શહેર તિરંગામય બની ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.  ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગો ઘરે-ઘરે, દુકાનો, ઓફિસો સહિત સ્થળો પર ગૌરવપૂર્વક લહેરાવવા સહુ નાગરિકોએ સંકલ્પ લીધો હતો. પોરબંદર જિલ્લાવાસીઓએ અદભુત ઉત્સાહ થકી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની અતૂટ ભાવના વ્યક્ત કરી હતી ત્યારે પોરબંદરમાં રાષ્ટ્રભક્તિના માહૌલમાં યોજાયેલી આ તિરંગા યાત્રામાં ‘હર ઘર તિરંગા’ અભિયાન સાર્થક થયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.