સાબરકાંઠા.... સહકારમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં હિંમતનગર ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ - At This Time

સાબરકાંઠા…. સહકારમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં હિંમતનગર ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ


*સહકારમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં હિંમતનગર ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ*
--- *સહકારી સંસ્થાઓના બેંક ખાતા આગામી ૧૫ દિવસોમાં સહકારી બેંકોમાં ખુલી જવા જોઈએ – રાજ્યમંત્રીશ્રી*
--- *પંચમહાલ અને બનાસકાંઠામાં પાયલટ પ્રોજેક્ટ હેઠળ ખુબ સારી સુવિધાઓ મળી રહી છે – રાજ્યમંત્રીશ્રી*

સહકાર, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયનના રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં હિંમતનગર ખાતે સહકારથી સમૂદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકારી સંસ્થાઓ સાથે સહકાર સમીક્ષા બેઠક યોજાઇ હતી.
આ બેઠકનો મુખ્ય હેતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેબિનેટ મંત્રીશ્રી અમિતભાઈ શાહના ગામડાઓ અને ખેડૂતોને સહકારી સંસ્થાઓ સાથે સાંકળી મજબૂત બનાવવાના ધ્યેયને પૂર્ણ કરવાનો છે એમ જણાવતા રાજ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આગામી ૧૫ દિવસમાં દરેક સહકારી સંસ્થાઓના અને તેમના સભ્યોના ખાતાઓ પેક્સ (પ્રાઈમરી એગ્રિકલ્ચર ક્રેડિટ સોસાયટી) અંતર્ગત કાર્ય કરી ખોલવામાં આવે અને માત્ર ખાતા ખોલવાના જ નહી પરંતુ સંપૂર્ણ પણે ઓપરેટિવ પણ રહેવા જોઈએ. એક પણ સહકારી સંસ્થાનું ખાતું અને ફિક્સ ડિપોઝિટ ખાનગી બેંકમાં ના હોવું જોઈએ એની ચિંતા કરવી. પેક્સ અંતર્ગત દૂધ મંડળીઓમાંથી દૂધ એકત્ર કરવું અને સભ્યોને બેંકમાં પૈસા જમા કરાવવા. પંચમહાલ અને બનાસકાંઠામાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ખુબ જ સારી રીતે કાર્યો થયા છે. માઈક્રો એટીએમ, બેંક ખાતા કે કેશલેશ પેમેન્ટ પણ થઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખુબ જ સારી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
વધુમાં મંત્રીશ્રીએ સહકારી ઓડિટરોને સૂચના આપી હતી કે, જિલ્લાની દરેક સહકારી મંડળીઓની છેલ્લા પાંચ વર્ષની પાયાની તપાસ કરી ત્રણ દિવસમાં રિપોર્ટ તૈયાર કરી મોકલવો. તેમજ આ પાંચ વર્ષના ઓડિટમાં સહકારી મંડળીઓમાં જે ક્ષતિઓ રહી છે તેની યાદી, દરેક ગેરરીતી સહિત પાંચ વર્ષની યાદી ગાંધીનગર મોક્લવાની રહેશે. જેની ચકાસણી ગાંધીનગર ખાતે થઈ આગળના પગલાં ભરવામાં આવશે. જિલ્લાના મૃત સભાસદોની યાદી બનાવી નામ સભાસદમાંથી કમી કરવું. દર વર્ષે આ પ્રક્રિયા ચાલું રાખવી. માત્ર પેપર પર ચાલતી મંડળીઓની યાદી બનાવી મોકલવી. જિલ્લા કક્ષાએથી રદ્દ કરવી નહી આ બાબતે ગાંધીનગરથી સીધા પગલા લેવામાં આવશે. નવી મંડળીઓની નોંધણી અંગેની જાણ ગાંધીનગર કરવી ચકાસણી બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ગામમાં એકથી વધુ મંડળી ચાલતી હોય તો તેની જાણ પણ કરવી.દરેક મંડળીના સભાસદોની યાદી મોકલવી.
સહકારથી સમૃદ્ધિના કાર્યક્રમો જિલ્લાના દરેક તાલુકાઓમાં આગામી ૧૫ દિનમાં તાલુકા કક્ષાના કાર્યક્રમો કરવા. દરેક સહકારી ખાતાઓ ખુલી જઈ ઓપરેટિવ સ્ટેજ પર આવી જવા જોઈએ એવી મંત્રીશ્રીએ સૂચના આપી હતી.
ખેડૂતો અને પશુપાલકોને RuPay કિસાન ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ કરાવી ૦% ના વ્યાજદરે ધિરાણ ઉપલબ્ધ કરાવવું, ખેડૂતો/દૂધ ઉત્પાદકો અને તેમના પરિવારના સભ્યો સહકારી બેંકમાં ખાતા ખોલાવી સહકારી બેંકોની સેવાઓ અને લોન મેળવે તેમજ ખેડૂતો /દૂધ ઉત્પાદકો ગામની મંડળી ખાતેથી જ બેન્કિંગ સેવાઓ મેળવી શકે એવી વ્યવસ્થા ઊભી કરવી, એટીએમ, માઈક્રો એટીએમ, RuPay ડેબિટ કાર્ડની સુવિધા આપવી એ આ પાયલટ પ્રોજેક્ટના મુખ્ય ઉદ્દેશ્યો છે.
આ બેઠકમાં હિંમતનગર ધારાસભ્ય વી.ડી ઝાલા, પ્રાંતિજ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, ભિલોડા ધારાસભ્ય શ્રી પી. સી. બરંડા,સહકાર મંત્રાલયના સચિવશ્રી સંદીપ કુમાર (IAS), ધી ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંક લિ.ના ચેરમેન અજયભાઈ પટેલ, ગુજ.કો.મા.સો. ચેરમેન શ્રી મહેશભાઈ પટેલ, સાબર ડેરી ચેરમેન શ્રી શામળભાઈ પટેલ, જિલ્લા અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, જેઠાલાલ પટેલ સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો.ઓ.બેંક લિ.ના અધિકારી – કર્મચારીઓ, જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓના ડાયરેક્ટરો અને ચેરમેનો તેમજ સહકારી સંસ્થાના ઓડિટરો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર અલ્પેશ પટેલ.વડાલી


9409160651
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.