બોટાદ વર્ષાઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી - At This Time

બોટાદ વર્ષાઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી


બોટાદ વર્ષાઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી

વર્ષાઋતુમાં બોટાદ જિલ્લામાં અનેક સ્થળોની નૈસર્ગિક સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી છે. વરસાદનાં અમીછાંટણાથી જાણે ધરતીએ લીલી ચાદર ઓઢી હોય તેવું લાગે છે ત્યારે, ગઢડા તાલુકાના આ સ્થળનો રમણીય નજારો કંઇક અલગ જ છે, ખાસ કરીને ચોમાસામાં લોકોનાં આકર્ષણનું કેન્દ્ર બનતું આ સ્થળ છે સહસ્ત્રધરા ખોડીયાર માતાનું મંદિર... અહીંના લોકોના જણાવ્યા મુજબ આ પૌરાણીક મંદિર આશરે એક હજાર વર્ષ જૂનું છે.
અહીંની પ્રાકૃતિક નયનરમ્ય સુંદરતાને વર્ષાઋતુમાં તો જાણે ચાર ચાંદ લાગી જાય છે અને દૂર દૂરથી લોકો અહીં ખળખળ વહેતા ધોધને જોવા માટે આવે છે. બોટાદ જિલ્લામાં પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે, જે હાલ સહેલાણીઓને આકર્ષી રહ્યા છે માનવીનું મન નાવિન્યને નિરખવા-પારખવા અને પ્રકૃતિને મનભરી માણવા હંમેશા થનગનતું હોય છે. આ જ હેતુસર રાજ્ય સરકારશ્રીએ નયનરમ્ય વિહારધામો, પુરાણ પ્રસિદ્ધ તિર્થધામો, પ્રાકૃતિક સૌંદર્યથી શોભતી વનસૃષ્ટિ, રમણીય સાગરતટ અને મહેકતું તથા ધબકતું લોકજીવન ધરાવતા ગુજરાત રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિની અનહદ ક્ષમતાને વિશેષ મહત્વ આપ્યું છે. અહીંની ગિરિકંદરાઓમાં પ્રકૃતિએ મન મુકીને સૌંદર્ય વેર્યું છે ઊંચા ઊંચા ડુંગરો પરથી નીચે વહેતા શ્વેત દૂગ્ધધારા જેવા જળધોધ પ્રવાસીઓનું મન મોહી લે છે. ત્યારે આ રમણીય અને આહલાદક સહસ્ત્રધરા ધોધને માણવા ચોમાસામાં માનવ મહેરામણ ઉભરાતું હોય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.