અરજીની તપાસમાં ગયેલ પોલીસ પર પથ્થરમારો: બે પોલીસમેન ઘવાયા - At This Time

અરજીની તપાસમાં ગયેલ પોલીસ પર પથ્થરમારો: બે પોલીસમેન ઘવાયા


કોઠારીયા રોડ પર આવેલ લોઠડામાં અરજીની તપાસમાં ગયેલ આજીડેમ પોલીસ મથકના સ્ટાફ પર ગેરેજ સંચાલક અને તેના પરિવારે પથ્થરમારો કરી ધમકી આપી હતી. બનાવમાં બે પોલીસમેન ઘવાયા હતાં. બનાવ અંગે જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો અને ચારેય શખ્સોની ધરપકડ કરી ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે રામનાથપરા પોલીસ લાઈનમાં રહેતાં કોન્સ્ટેબલ જગદીશસીહ પરમારએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મુન્ના બાબુ મકવાણા, જયેશ મુન્ના મકવાણા, શાંતાબેન બાબુ મકવાણા અને ભાનુબેન મકવાણાનું નામ આપતાં આજીડેમ પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ આજીડેમ પોલીસ સ્ટેશનમા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.
ગઈકાલે તા.31/07/2024 ના તેઓ ફરજ ઉપર હતા ત્યારે તેમની સાથે એએસઆઈ રવિ વાંક સહિતનો સ્ટાફ પોલીસ મથકે હાજર હતો. પોલીસ મથકમાં તા.8/7/2024 ના અરજદાર ફીરોજભાઇ સલીમભાઈ સોલંકી (રહે.કોઠારીયા સોલાવન્ટ, નુરાનીપરા)ની અરજી તપાસ એ.એસ. આઈ. રવીભાઇ વાંક પાસે હતી.
જે અરજીમાં અરજદારની લોઠડા ગામમા વડાલીયા કંપનીની બાજુમા નોનવેજની કેબીન આવેલ હોય જે કેબીનની બાજુમા ગેરેજ ધરાવતા અને બાજુમા રહેતા બાબુ મકવાણા તથા તેમના પત્ની અને દીકરો અરજદારની કેબીને આવી અવાર-નવાર અહીં કેબીન રાખવી નહી તેમ કહી ઝઘડો કરતા હોય.
જે અરજી અંગે બાબુને તેમના મોબાઇલ નંબર ઉપર પોલીસ મથકના રાઇટર કોન્સ્ટેબલ ભોજભાઇએ સંપર્ક કરતા બાબુ અને તેના પત્ની શાન્તુબેને પોલીસ સ્ટેશન પર અરજીના કામે નીવેદન લખાવવા માટે આવવાની સ્પષ્ટ ના પડેલ હતી.જે અંગે એ.એસ.આઈ. રવી વાંક અરજીની તપાસમા લોઠડા ગામમા વડાલીયા કંપની પાસે જવા ડ્રાઇવર મહાવીરસીહ જાડેજા સાથે ગયેલ અને વડાલીયા કંપની પાસે પહોચતા કેબીન પાસે એક શખ્સ હાજર હોય.
જેથી ગાડીમાથી પોલીસ સ્ટાફ નીચે ઉતરેલ અને તેનું નામ પૂછતાં મુન્ના બાબુ મકવાણા જણાવેલ અને તેને અરજીના કામે બાબુ મકવાણા વીષે પુછતા તે પોતાના પિતા થતાં હોવાનુ જણાવેલ અને તે બહાર ગયેલ છે, કહેતા તેના પિતાને ફોન કરવા કહેતા મુન્નાભાઈ પોતાનો મોબાઇલ ફોન લઇ કેબીન પાછળ જતો રહેલ અને તેણે કોઇને ફોન કરી કહેલ કે, આપણા ગેરેજ પાસે પોલીસ વાળા આવેલ છે અને તે મારા પિતાને બોલાવે છે તમે બધા તૈયારીમા આવજો તેમ વાત કરેલ હતી.
થોડીવારમા બે મહિલા અને એક ભાઇ હાથમા પાવડો, લોખંડનો પાઇપ લઈ આવેલ ત્યારે મુન્નો કહેવા લાગેલ કે, આ મારો દીકરો જયેશ, બા શાંતાબેન અને ભાભી ભાનુબેન આવી ગયા છે તમે હવે અમારી સાથે વાત કરો, તમે પોલીસવાળા ફીરોજભાઈ સોલંકી સાથે મળેલા છો અને અમને તમે ખોટી રીતે હેરાન કરો છો તેમ કહી ઝગડો કરવા લાગેલ જેથી તે લોકોને કહેલ કે, અમે અરજી તપાસમા સરકારી કામે આવેલ છે, તેમ કહેતાં ઉશ્કેરાટભર્યું વાતાવરણ કરી બીજા લોકોને બોલાવવા લાગેલ.
જેથી આરોપી સાથે બે મહિલા હોવાથી પોલીસ સ્ટેશને ફોન કરી મહિલા કોન્સ્ટેબલ ધારાબેન અને વસંતબેનને તાત્કાલીક લોઠડા ગામે આવી જવા માટે ફોનથી જાણ કરેલ બાદ ચારેય શખ્સો સાથેના પોલીસ સ્ટાફને ગાળો આપવા લાગેલ અને ગાળો આપવાની ના પાડતા ચારેય નજીકમા પડેલ પથ્થરો ઉપાડી પોલીસ સ્ટાફ સામે આડેધડ છુટ્ટા ઘા કરવા લાગેલ.
જેમા કોન્સ્ટેબલ મહાવીરસિંહને ભાગે મુંઢ ઇજા થયેલ હતી. તેમજ મુન્નાએ લોખંડના પાઇપથી આંગળી ઉપર ઘા કરતા લોહી નીકળવા લાગેલ અને બાદ જયેશ પણ પાવડાથી મારવા જતા તેઓ દુર ખસી ગયેલ અને પોલીસ સ્ટાફ લોકોને સમજાવતા હતા ત્યારે તેઓ ઉશ્કેરાઇ ગયેલ અને કહેવા લાગેલ કે, હવે અમારા ગામે તપાસમા આવશો તો જીવતા જવા દઈશુ નહી કહી ફરજમાં રૂકાવટ કરી હતી.
દરમિયાન મહિલા કોન્સ્ટેબલ ધારાબેન અને વસંતબેન લોઠડા ગામે આવી ગયેલ બાદ સાથેના પોલીસ સ્ટાફના માણસોએ સામાન્ય બળપ્રયોગ કરી મુન્ના બાબુ મકવાણા અને તેના દીકરા જયેશને પકડી ગાડીમા બેસાડી દીધેલ અને આ વખતે માણસો ભેગા થવા લાગતા તેની સાથેના તેની માતા શાંતાબેન અને ભાભી ભાનુબેન ભીડનો લાભ લઈ ત્યાંથી નાસી છૂટ્યા હતાં. બાદમાં નાસી છુટેલ બંને મહિલાઓને પણ પોલીસે પકડી ચારેય વિરુદ્ધ ગુનો દાખલ કરી પીએસઆઈ અમરદીપસિંહ પરમારે તપાસ હાથ ધરી હતી


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.