ગાઝાની વધુ એક સ્કૂલ પર એરસ્ટ્રાઇક, 100નાં મોત:સવારની નમાઝ દરમિયાન 3 રોકેટ ઝીંક્યા; ઇઝરાયલે કહ્યું- ત્યાં આતંકીઓ છુપાયેલાં હતા
ગાઝાના દરાજ જિલ્લામાં એક સ્કૂલ પર શનિવારે સવારે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. આ સ્કૂલમાં ઘણા લોકોએ આશરો લીધો હતો. અલ જઝીરાના અહેવાલ મુજબ સવારની નમાજ અદા કરતી વખતે મિસાઈલ હુમલો થયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સ્કૂલ પર એક પછી એક 3 રોકેટ ઝીંક્યા હતા. હુમલા બાદ સ્કૂલમાં આગ લાગી હતી, તેને ઓલવવાના પ્રયાસો ચાલુ છે. ઇઝરાયલના સૈન્યનો દાવો છે કે અલ-તાબિન દ્વારા સ્કૂલનો ઉપયોગ હમાસની ઓફિસ તરીકે કરવામાં આવી રહ્યો હતો. હમાસના ઘણા આતંકવાદીઓ ત્યાં હાજર હતા. સેનાએ દાવો કર્યો હતો કે તેમણે નાગરિકો પર હુમલો કર્યો નથી. હમાસે આ હુમલાને ભયાનક ગણાવ્યો હતો
હમાસના પ્રવક્તા મહમૂદ બસ્સલે ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું કે હુમલામાં લગભગ 100 લોકો માર્યા ગયા છે. ડઝનેક લોકો ઘાયલ થયા છે. પેલેસ્ટિનિયોએ સ્કૂલમાં આશરો લીધો હતો. આ એક ભયાનક હુમલો છે. આ પહેલા ગુરુવારે પણ ગાઝાની બે સ્કૂલો પર ઇઝરાયલની સેનાએ હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા હતા. ત્યારબાદ ઇઝરાયલની સેનાએ કહ્યું કે તેણે હમાસના કમાન્ડ સેન્ટર પર હુમલો કર્યો છે. પેલેસ્ટિનિયન પત્રકાર હોસામ શબાતે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે ગાઝા શહેરમાં બોમ્બ વિસ્ફોટ કરાયેલ સ્કૂલમાં પેલેસ્ટિનિયનો ફસાયેલા છે. ઇઝરાયલની સેનાએ પાણીનો પુરવઠો પણ બંધ કરી દીધો હોવાથી આગ ઓલવવામાં મુશ્કેલી પડી રહી છે. ઇઝરાયલ આ પહેલા પણ ગાઝાની સ્કૂલો પર હુમલો કરી ચૂક્યું છે
ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ ઈઝરાયલે ગાઝાની બે સ્કૂલો પર એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં 50 લોકોના મોત થયા હતા, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા હતા. 7 ઓક્ટોબરથી, ઇઝરાયલે 430 વખત UNRWAના પરિસર પર હુમલો કર્યો છે. ઇઝરાયલ હુમલાના યુદ્ધને 10 મહિના વીતી ગયા છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં 41,000થી વધુ લોકો માર્યા ગયા છે. ગાઝામાં અત્યાર સુધીમાં લગભગ 40,000 લોકોના મોત થયા છે. તેમાં 16 હજારથી વધુ બાળકો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.