ખાણી પીણીના શોખીન સુરતીઓને ગુણવત્તાવાળો ખોરાક મળે છે ખરો?
સુરત, તા. 31 જુલાઈ 2022 રવિવારસુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ફુડ અને ગુમાસ્તા વિભાગના લાયસન્સ લીધા બાદ પણ દુકાનદારો દ્વારા તેનો અમલ કરવામા આવતો નથી અને નિયમ મુજબ દુકાનો ચાલતી નથી તેવી ફરિયાદ ખુદ શાસક પક્ષના કોર્પોરટર દ્વારા જ કરવામાં આવી છે. આ ઉપરાંત ફુડ ઈન્સ્પેક્ટરની ઘટ હોવાથી વિભાગની કામગીરી સામે પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે. ખાણી પીણીની શોખીન સુરતીઓને ગુણવત્તાવાળું ભોજન મળે તે માટે પાલિકાના ફૂડ વિભાગ દ્વારા સમયાંતરે ચેકીંગ કરવામાં આવે છે પરંતુ સુરત મ્યુનિ.માં ફુડ ઇન્સપેક્ટરનો દુકાળ હોવાથી ફૂડ વિભાગની કામગીરી સામે પ્રશ્ન થઈ રહ્યાં છે. ગત સામાન્ય સભામાં સક પક્ષના નગર સેવક ગેમર દેસાઈએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં ખાણી પીણી ની દુકાન અને સંસ્થા માટે 44 હજારથી વધુ ફુડ લાયસન્સ આપવામા આવ્યા છે અને એનાથી પણ વધુ દુકાન, સ્ટોલ પર ખાણી પીણીની ચીજ વસ્તુઓનું વેચાણ થાય છે. આ બધી દુકાનો પર ફુડ ક્વોલીટી સારી છે કે નહીં તે જાણવા માટે ફુડ વિભાગ દ્વારા સમયાંતરે ચેકીંગ કરવામા આવે છે અને સેમ્પલ પણ લેવામાં આવે છે પરંતુ આ દુકાન સામે કામગીરી કરવા માટે ફૂડ વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટર ની સંખ્યા પૂરતી નથી. 44 હજારથી વધુ લાયસન્સ સામે ફૂડ ઇન્સ્પેકટર માત્ર 26 જ છે. જેના કારણે તેનું ચેકિંગ યોગ્ય રીતે થાય છે કે કેમ તે પમ એક પ્રશ્ન છે.આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં ગુમાસ્તા ધારાનું લાયસન્સ લીધી હોય તેવી બે લાખ કરતાં વધુ દુકાનો છે. આ દુકાનોએ ગુમાસ્તા ધારાના નિયમ મુજબ દુકાન ખોલવાની બંધ કરવાની અને રજા રાખવાની હોય છે. પરંતુ મોટા ભાગની દુકાનોમાં આ નિયમોનો ભંગ થઈ રહ્યો છે. નિયમોનો ભંગ થાય છે તેના કારણે કારીગર વર્ગને શોષણ થતું હોવાની ફરિયાદ પણ ઉઠી રહી છે તેથી નિયમોનું પાલન કરાવવા માટે માગણી પણ તેઓએ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.