ગીર સોમનાથ જિલ્લામાં કુદરતી આપદાને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમ તૈનાત - At This Time

ગીર સોમનાથ જિલ્લામાં કુદરતી આપદાને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમ તૈનાત


ગીર સોમનાથ જિલ્લામાં કુદરતી આપદાને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમ તૈનાત
---------------
સંભવિત ભારે વરસાદ, પુરપ્રકોપ સહિતની કુદરતી આફતોને પહોંચી વળવા રેસ્ક્યુ સાધનો સાથે ટીમ સજજ
--------------
ગીર સોમનાથ,તા.૨૮: જિલ્લામાં ચોમાસા દરમિયાન સંભવિત ભારે વરસાદ, પુરપ્રકોપ સહિતની કુદરતી આફતોને પહોંચી વળવા માટે એનડીઆરએફ બટાલીયન કમાંડર શ્રી વી.વી.એન પ્રસન્નાકુમારનાં માર્ગદર્શન હેઠળ એનડીઆરએફની 30 જવાનો સાથેની ટીમને સાઈકલોન સેન્ટર ભાલપરા ખાતે તૈનાત કરવામાં આવી છે.

એનડીઆરએફ ટીમના ઈન્સ્પેકટર શ્રી કૈલાશ બાથમે જણાવ્યું હતું કે, કોઈપણ કુદરતી આફત સમયે એનડીઆરએફના જવાનો બચાવ અને રાહત માટે સજ્જ હોય છે. અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે વેરાવળ શહેરના પાણી ભરાતા વિસ્તારો જેવા કે, જાલેશ્વર, ભીડિયા, ખારવાવાડ વગેરે જગ્યાઓએ જઈને એનડીઆરએફની ટીમ લોકોને જાગૃત કરવા સાથે સ્થળ સ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું. જેથી આફત સમયે ત્વરિત પગલા લઈ શકાય.

આજે પ્રાંત અધિકારીશ્રી સહિત વહીવટીતંત્રના સ્ટાફ સાથે સાથે રેસ્ક્યૂ કરવાની સ્થિતિનું નિર્માણ થાય એવા લો લાઈન એરીયાની પ્રત્યક્ષ સ્થળ મુલાકાત લીધી હતી.

વેરાવળનાં જાલેશ્વર, ખારવાવાડ, ભીડિયા સહિતના સ્થાનિક લોકો સાથે સંવાદ કરીને કોઈ પણ મુશ્કેલીના સમયમાં બચાવ કરવા માટે કેવા પગલાઓ ભરવા જોઈએ તેમજ વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું સત્વરે પાલન કરવું જેવી જાણકારી સહિતનું માર્ગદર્શન આપ્યું હતું.

એનડીઆરએફની ટીમ રબ્બર બોટ, ઈલેક્ટ્રિક કટર, લાઈફ જેકેટ, વિવિધ પ્રકારના દોરડાઓ, લાઇફ સેવર રિંગ, ડીપ ડ્રાઇવ સ્યૂટ જેવા તમામ પ્રકારના સાધનોથી સજ્જ છે. જેથી કોઈપણ વિપરિત પરિસ્થિતિનું નિર્માણ થાય તો ઝડપથી લોકોને બચાવ કરી શકાય અને જાનમાલને થતું નુકસાન અટકાવવાના અસરકારક અને ઝડપી પગલાં લઈ શકાય.

00 000 00 000


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.