આર્થિક કટોકટી : રૂપિયો 80 નજીક, ભારતનું ફોરેક્સ રિઝર્વ 2 વર્ષના તળિયે
અમદાવાદ,તા.27 ઓગષ્ટ 2022,શનિવારફરી એક વખત દેશની ફોરેન કરન્સી એસેટમાં ઘટાડો થયો છે. ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં સતત ત્રીજા સપ્તાહે ઘટાડો નોંધાયો છે. 19 ઓગસ્ટ, 2022ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં 6.68 અબજ ડોલરનો જંગી ઘટાડો થયો છે. અગાઉ 12 ઓગસ્ટ, 2022ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન વિદેશી મુદ્રા ભંડારમાં 2.23 અબજ ડોલરનો ઘટાડો થયો હતો.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના સાપ્તાહિક રિપોર્ટ અનુસર 19 ઓગસ્ટ, 2022ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશનું વિદેશી મુદ્રા ભંડાર 6.687 અબજ ડોલર ઘટીને 564.053 અબજ ડોલર થયું છે. અગાઉ 12 ઓગસ્ટે તે 2.23 અબજ ડોલર ઘટીને 570.74 અબજ ડોલર પર આવી ગયું હતું. 5 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં પણ તેમાં ઘટાડો થયો હતો. જો કે 29 જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન વિદેશી મુદ્રા ભંડાર 2.4 અબજ ડોલર વધીને 573.875 અબજ ડોલર થયું હતુ. આ અગાઉના સતત ચાર સપ્તાહ સુધી દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો હતો.આ સાથે ભારતનું વિદેશી મુદ્રા ભંડાર બે વર્ષના તળિયે પહોંચ્યું છે અને રશિયાના યુક્રેન પરના અતિક્રમણના અત્યાર સુધીના 26 સપ્તાહમાંથી 20 સપ્તાહમાં ઘટાડો નોંધાયો છે.FCAમાં ઘટાડો : 19 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ ફોરેન કરન્સી એસેટમાં ઘટાડો છે. શુક્રવારે જાહેર કરાયેલા સાપ્તાહિક ડેટા અનુસાર ફોરેન કરન્સી એસેટ (FCA) 5.77 અબજ ડોલર ઘટીને 501.216 અબજ ડોલર થયું છે. ગોલ્ડ રિઝર્વમાં ઘટાડો :સમીક્ષા હેઠળના સપ્તાહમાં સોનાના ભંડારનું મૂલ્ય 70.4 કરોડ ડોલર ઘટીને 39.914 અબજ ડોલર થયું છે. અગાઉના સપ્તાહમાં તે 30.5 કરોડ ડોલર વધીને 40.61 અબજ ડોલર થયું હતું.ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસે રહેલ સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDR) 14.6 કરોડ ડોલર ઘટીને 17.98 અબજ ડોલર થયા છે. જ્યારે IMF પાસે રાખેલ દેશનું ચલણ ભંડાર પણ 5.8 કરોડ ડોલર ઘટીને 4.936 અબજ ડોલર થયું છે. અગાઉના સપ્તાહ દરમિયાન તેમાં 70 લાખ ડોલરનો વધારો થયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.