ભારત પાસે પરમાણુ હથિયારોની સંખ્યા ૧૫૬થી વધીને ૧૬૦ થઈઃ સિપરીનો અહેવાલ - At This Time

ભારત પાસે પરમાણુ હથિયારોની સંખ્યા ૧૫૬થી વધીને ૧૬૦ થઈઃ સિપરીનો અહેવાલ


સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રીસર્ચ ઈન્સ્ટિટયૂટના અહેવાલ પ્રમાણે ભારતે પરમાણુ હથિયારોની ક્ષમતા વધારી છે. ભારતના પરમાણુ હથિયારોની સંખ્યા ૧૫૬માંથી વધીને એક વર્ષમાં ૧૬૦ થઈ ગઈ છે. જોકે, પાકિસ્તાન કરતાં ઓછા ન્યૂક્લિયર બોમ્બ ભારત પાસે છે. પાકિસ્તાન પાસે ૧૬૫ પરમાણુ હથિયારો છે.સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રીસર્ચ ઈન્સ્ટિટયૂટ (સિપરી)ના અહેવાલમાં દાવો થયો હતો કે દુનિયામાં પરમાણુ હથિયારોની ક્ષમતા વધારવા દોડ શરૃ થઈ છે. પરમાણુ હોડમાં ભારત પણ પાછળ નથી. ભારતના પરમાણુ હથિયારોની સંખ્યામાં એક વર્ષમાં નોંધપાત્ર વધારો થયો છે. સિપરીના કહેવા પ્રમાણે ભારત પાસે ૨૦૨૧માં ૧૫૬ પરમાણુ હથિયારો હતા, ૨૦૨૨માં એ આંકડો વધીને ૧૬૦ થઈ ગયો છે. જોકે, ભારત હજુય સત્તાવાર આંકડાંમાં  પાકિસ્તાનથી પાછળ છે. પાકિસ્તાન આમ તો આર્થિક રીતે બદહાલ થઈ ગયું છે એટલે નવા પરમાણુ હથિયારો વિકસાવી શકવાની સ્થિતિમાં નથી, છતાં પાકિસ્તાન ૧૬૫ પરમાણુ બોમ્બ ધરાવે છે.ચીને સૈન્યને આધુનિક બનાવવાનું શરૃ કર્યું છે. એ જ રીતે પરમાણુ હથિયારો પણ વધાર્યા છે. સિપરીના અહેવાલ મુજબ ચીન પાસે ૩૫૦ પરમાણુ બોમ્બ છે. હજુય ચીન પરમાણુ હથિયારોનો જથ્થો વધારવા માટે સતત ફંડ ફાળવી રહ્યું છે. સેટેલાઈટ ઈમેજના આધારે સિપરીએ કહ્યું હતું કે ચીને છેલ્લાં એક વર્ષમાં પરમાણુ શક્તિ માટે સતત ગતિવિધિ કરી હતી.સિપરી દર વર્ષે પરમાણુ હથિયારોનો અહેવાલ તૈયાર કરે છે. સત્તાવાર રીતે ભાગ્યે જ કોઈ દેશ ચોક્કસ આંકડો જારી કરે છે, પરંતુ સેટેલાઈટ ડેટા અને ગતિવિધિના આધારે સિપરી આ અહેવાલ રજૂ કરે છે.  દુનિયામાં નવ દેશો પાસે પરમાણુ હથિયારો છે. અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન, ફ્રાન્સ, ભારત, પાકિસ્તાન, ઈઝરાયેલ, ઉત્તર કોરિયા પરમાણુ શક્તિથી સજ્જ દેશો છે. સિપરીએ દુનિયાને પરમાણુ હથિયારોનું ઉત્પાદન વિશ્વશાંતિ માટે ઘટાડવાની અપીલ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon