TRP અગ્નિકાંડ : મનપાના ત્રણ ઈજનેર જામીન મુક્ત : સાગઠીયા સહિતના ચારની બેઈલ ફગાવાઈ
ચકચારી ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં 9 માસ બાદ મનપાના ત્રણ ઈજનેર જામીન મુક્ત થયાં છે. જ્યારે સાગઠીયા સહિતના ચારની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટે એટીપીઓ રાજેશ મકવાણા, ગૌતમ જોષી, આસી. એન્જીનીયર જયદીપ ચૌધરીની જામીન અરજી મંજુર કરી છે. ટીપીઓ મનસુખ સાગઠીયા અને ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, ગેમઝોન જગ્યાના માલિક અશોકસિંહ અને કિરીટસિંહ જાડેજાની જામીન અરજી નામંજૂર કરી છે.
સમગ્ર વિગત જોઈએ તો તા.25 મે 2024ની સાંજે રાજકોટના નાના મવા રોડ નજીક સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમઝોનમાં આગ લાગતા 27 લોકોના મોત થયા હતા અને ત્રણેક લોકોને ઇજા થઇ હતી. જે અંગે પોલીસે ફરિયાદી બની ફરિયાદ નોંધી હતી. આ બનાવમાં 16 આરોપી સામે ગુનો દાખલ થયો છે.
જેમાં ટીઆરપી ગેમઝોનના સંચાલકો (1) ધવલ ભરત ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો (2) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, (3) કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, (4) પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરન, (5) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, (6) રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર (7) નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન, રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર (8) મનસુખભાઇ ધનજીભાઇ સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ (9) ગૌતમ દેવશંકરભાઇ જોષી, આસિસ્ટન્ટ ટીપીઓ (10) મુકેશભાઇ રામજીભાઇ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર (11) રોહીતભાઇ આસમલભાઇ વિગોરા, ટીપી શાખાના એન્જીનીયર અને એટીપીઓ (12) જયદીપ બાલુભાઈ ચૌધરી (13) રાજેશભાઇ નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર (14) ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર (15) ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર (16) મહેશ અમૃત રાઠોડ સામે ગુનો નોંધાયો છે.
જેમાં અગ્નિકાંડના બનાવમાં પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરનનું મોત થયું હતું. જેથી બાકીના 15 આરોપીની ધરપકડ કરી રિમાન્ડ બાદ જેલ હવાલે છે. દરમિયાન આ કેસમાં ચાર્જશીટ થયા બાદ જમીન માલિક અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, ફાયર ઓફિસર ઇલેશ ખેર, ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા, આસી. ટાઉન પ્લાનિંગ ઓફિસર રાજેશ મકવાણા, ગૌતમ જોષી, આસી. એન્જીનીયર જયદિપ ચૌધરીએ સેશન્સ કોર્ટમાં કરેલી જામીન અરજી નામંજૂર થતાં ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતી.
જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ એટીપી રાજેશ મકવાણા, ગૌતમ જોષી અને એન્જીનીયર જયદીપ ચૌધરીના વકીલ વિશાલ આણંદજીવાલા, એસ.બી. ટોળીયા અને મજમુદાર દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ હાઇકોર્ટે જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો છે.
જ્યારે સ્પે.પીપી વિરાટ પોપટની રજૂઆતને ગ્રાહ્ય રાખી પૂર્વ ટીપીઓ એમ.ડી. સાગઠિયા, ફાયર ઓફિસર ઇલેશ ખેર, જમીન માલિક અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની રેગ્યુલર જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે.
આ કેસમાં હાઇકોર્ટમાં આરોપીઓ તરફે નિરૂપમ નાણાવટી, યશ નાણાવટી, વિશાલ આણંદજીવાલા, એસ.બી. ટોળીયા, ધ્રુવ ટોળીયા, રાહુલ ધોળકિયા, પંથિલ મજમુદાર, સાર્વિલ મજમુદાર, સત્યમ છાયા અને હાઇકોર્ટમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તરીકે વિરાટ પોપટ, રાજકોટ સેશન્સ કોર્ટમાં સ્પેશિયલ પીપી તુષાર ગોકાણી, એડિશનલ સ્પે. પીપી નિતેશ કથીરીયા, હતભાગી પતિવાર વતી બાર એસો.ના પૂર્વ ઉપપ્રમુખ સુરેશ ફળદુ અને હાઇકોર્ટમાં ભોગ બનનાર વતી ડિસ્ટ્રીકટ બાર એસો.ના પ્રમુખ નરેન્દ્રસિંહ આર. જાડેજા, ભાવેશ હજારે, કીર્તિ હડિયા, રમેશ જાદવ અને પદ્મિની પરમાર રોકાયા હતા.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
