બાંધકામ સાઈટ પર કામ કરતી વેળાએ વિજ-શોક લાગતા તરૂણનું મોત
રાજકોટ તા.3 : 80 ફૂટ રોડ પરના અજય વેબ્રીજ પાસે બાંધકામ સાઈટમાં કામ કરતી વેળાએ 15 વર્ષના યુવકને હાથમાં વિજ શોક લાગતા ફંગોળાઈ ગયો હતો અને બેભાન હાલતમાં સારવારમાં પહોંચે તે પહેલા જ મોત નિપજતા શ્રમીક પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર રામનગર-7માં રહેતા સુનારભાઈ બબેટીયાના 15 વર્ષના નિલેષ ગતરોજ 80 ફૂટ રોડ પર આવેલ બાંધકામ સાઈટ પર તેના પિતા સાથે કડીયાકામની મજુરી ગયેલ હતો. જયાં દિવાલમાં ગ્રાઈન્ડર મશીનથી ટોચા મારતો હતો ત્યારે વાયરમાંથી હાથમાં વિજ શોક લાગતા ફંગોળાઈને બેભાન થયો હતો. જયાં હાજર તેના પિતા અને અન્ય શ્રમીક એકઠા થઈ જતા તેને સારવારમાં સીવીલે ખસેડાયો હતો.
જયાં ફરજ પરના તબીબે તપાસીને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના થોરાળા પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડયો હતો. વધુમાં મૃતકના પિતાએ જણાવ્યું હતું કે નિલેષ મારી સાથે કામ પર હતો ત્યારે દુર્ઘટના ઘટી હતી. મૃતક બે ભાઈ બહેનમાં મોટો હતો. જેના મોતથી પરીવારમાં કલ્પાંત છવાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.