શ્રીબાઇ માતા ધર્મસ્થાનનો ઈતિહાસ ———– શ્રીબાઈ માતા પ્રજાપતિ સમાજના આરાધ્ય દેવી છે
શ્રીબાઇ માતા ધર્મસ્થાનનો ઈતિહાસ
-----------
શ્રીબાઈ માતા પ્રજાપતિ સમાજના આરાધ્ય દેવી છે
-----------
શ્રીબાઈ માતાનું સ્થાનક ભક્ત પ્રહલાદની કથા સાથે જોડાયેલું પૌરાણિક સ્થાન છે
-----------
ગીર સોમનાથ, તા.૨૧: સૌરાષ્ટ્ર સંત, શુરા, ભક્ત અને સતીઓની ભૂમિ છે. પ્રભાસ ક્ષેત્રમાં આવેલ તાલાલા સતયુગમાં હિરણ્યખંડના નામથી જાણીતું હતું. જેના રાજા દાનવ રાજ હિરણ્યકશીપુ હતાં. જંગલની વનરાઈથી ઘેરાયેલા પહાડોમાંથી વહેતી અને સોમનાથથી ત્રિવેણી સંગમમાં મળતી હિરણાવતી (હિરણ) નદીના પાવન તટ પર તાલાલામાં ધર્મને બચાવવા માટે પ્રજાપતિ શ્રીબાઇ માતા (સેજુબાઇ) અને પિતા રિધ્ધેશ્વરના ઘરે મહાસુદ બીજને દિવસે તેમનું પ્રાગટ્ય થયું હતું.
એક કથા અનુસાર સતયુગમાં રાજા હિરણ્યકશીપુને બ્રહ્માજીની તપસ્યાને કારણે અમર થવાનું વરદાન મળ્યું હતું. અમર થવાનું વરદાન મેળવી તેણે રાજ્યની જનતા પર અત્યાચાર શરૂ કર્યા અને ધર્મ કાર્ય અને ભગવાનના નામ પર પ્રતિબંધ લગાવ્યો.
એ સમયે શ્રીબાઈ માતાજીએ અને સિદ્ધેશ્વર (હરિદાસ) દંપતિએ ધર્મની રક્ષા કરવા જમીનમાં ભોંયરૂ ખોદાવી ધીમે-ધીમે ભક્તિ સાથે સત્સંગ અને ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો અને સતત સનાતન ધર્મની જ્યોતિને પ્રજ્જવલિત રાખી. એવું પણ કહેવાય છે કે, નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય આ વિસ્તારમાં થયું હતું.
દંતકથા અનુસાર શ્રીબાઈ માતાજીએ સળગતા નિંભાડામાંથી બિલાડીના બચ્ચાને જીવનદાન અપાવી ભક્ત પ્રહલાદને શ્રી હરિની પ્રતિતિ કરાવી હરિનામનો મહામંત્ર આપ્યો હતો. ભક્ત પ્રહલાદના ગુરુ શ્રીબાઈ માતાજી સમસ્ત પ્રજાપતિ સમાજના આરાધ્ય ઇષ્ટ દેવી છે.
શ્રીબાઈ માતાનું મંદિર એ સમસ્ત પ્રજાપતિ સમાજનું શ્રદ્ધા કેન્દ્ર અને પૌરાણિક પાવન આસ્થા સ્થાન અને યાત્રાધામ છે. આ પવિત્ર યાત્રાધામ સમગ્ર વિશ્વ માટે શ્રદ્ધા સમર્પણ અને ભક્તિનું ધામ માનવામાં આવે છે. દેશ-વિદેશના પ્રજાપતિ બંધુઓ પોતાના પરિવાર સાથે શ્રદ્ધાથી દર્શન કરી પોતે ધન્યતા અનુભવે છે. આ સ્થાનની બાજુમાં જ હિરણેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર છે. જ્યાં નિંભાડાનું સ્થાન (શ્રીબાઈ કુંડ) છે. અહીં પાતાળમાંથી પાણીનો પ્રવાહ નીકળી આ પ્રવાહ શ્રીબાઇ કુંડ સ્વરૂપમાં આજે પણ ગૌમુખી ઘાટ સુધી અવિરત ચાલુ છે.
પ્રજાપતિ સમાજ વિરાટ જનસંખ્યા ધરાવતો દેશ વિદેશમાં વસવાટ કરતો સોરઠીયા, ગુર્જર, કડિયા, વરિયા, વાટલીયા, પરજીયા, સાડલિયા, વગેરે નામે વિવિધ શાખાથી ઓળખાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.