ચકરડી-ચકડોળમાં ભાવનો ‘ડખ્ખો’! હરરાજી મોકુફ - At This Time

ચકરડી-ચકડોળમાં ભાવનો ‘ડખ્ખો’! હરરાજી મોકુફ


રાજકોટ,તા. 29
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તા. 17 થી 21 ઓગસ્ટ દરમિયાન શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલા ભાતીગળ લોકમેળાના વિવિધ સ્ટોલ-પ્લોટની હરરાજીનો ગઇકાલથી પ્રારંભ થવા પામેલ હતો. જેમાં આજે ચકરડી-ચકડોળ (યાંત્રિક રાઈડ્સ)ના ભાવમાં ડખ્ખો થતાં આજની 44 પ્લોટોની આજની હરરાજી તાબડતોબ મોકૂફ રાખી દેવામાં આવી હતી. આ હરરાજી હવે આગામી તા. 2જી ઓગસ્ટના રોજ સવારનાં 11.30 કલાકે યોજવામાં આવશે તેમ વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ છે.
યાંત્રિક રાઈડ્સનાં વેપારીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભારેખમ વધારો થતાં મોંઘવારી હાલ ભડકે બળી રહી હોય યાંત્રિક રાઈડ્સનાં ભાવ વર્તમાન સંજોગોમાં વહીવટી તંત્ર દ્વારા જે રૂા. 20 અને 30 નિયત કરવામાં આવેલ છે જે કોઇ પણ સંજોગોમાં પરવડે તેમ ન હોય યાંત્રિક રાઈડ્સના ભાવમાં ભાવવધારી રૂા. 50 કરવા માંગ ઉઠાવી આ મુદ્દે જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર સુપરત કરી ઉગ્ર રજૂઆત કરી હતી.
વેપારીઓ ભાવવધારાના મુદ્દે અડગ રહેતા યાંત્રિક રાઈડ્સનાં ઇ, એફ, જી, એચ કેટેગરીના 44 પ્લોટોની હરરાજી વહીવટી તંત્ર દ્વારા તત્કાલ મોકુફ રાખી દેવામાં આવી હતી. વેપારીઓએ જણાવ્યું હતું કે ભડકે બળતી હાલની મોંઘવારીમાં આવશ્યક ચીજવસ્તુઓ સહિત તમામ ક્ષેત્રે ભાવવધારો થયો હોય વહીવટી તંત્ર દ્વારા જે નાની રાઈડના 20 અને મોટી રાઈડના 30ના દર નક્કી કરાયો છે જે હાલના સંજોગોમાં પરવડે તેમ ન હોય રાઈડ્સની ટીકીટનો ભાવવધારો કરી રૂા. 50 અને તેથી વધુની ટીકીટના દર રાખવા માંગ ઉઠાવી હતી.
વેપારીઓની આ માંગણી સંદર્ભે વહીવટી તંત્રે જણાવ્યું હતું કે આગામી લોકમેળા સમિતિની મીટીંગમાં રાઈડ્સના ભાવવધારાના મુદ્દે યોગ્ય નિર્ણય લેવાશે. હવે પછી યાંત્રિક રાઈડ્સની હરરાજી તા. 2નાં સવારના 11.30 કલાકે આયોજીત કરાશે.
અહીં એ ઉલ્લેખનીય છે કે, વહીવટી તંત્ર દ્વારા ગઇકાલે સાંજે લોકમેળાનાં રમકડાનાં 32 સ્ટોલની હરરાજી કરાતા આ સ્ટોલની રૂા. 24.54 લાખમાં ફાળવણી કરવામાં આવી હતી.આવતીકાલે તા. 30નાં આઇસ્ક્રીમના ચોગઠા (કેટેગરી એક્સ)ની સવારના 11.30 કલાકે હરરાજી યોજાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.