કલેક્ટર ક્રિકેટ રમ્યા : મહેસૂલી પરિવાર વચ્ચે રોમાંચક ખેલ
કલેક્ટર ક્રિકેટ રમ્યા : મહેસૂલી પરિવાર વચ્ચે રોમાંચક ખેલ
પોરબંદર જિલ્લા કલેકટર, અધિક કલેકટર, મામલતદાર સહિતનાં અધિકારીઓએ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આનંદ માણ્યો
પોરબંદર જિલ્લામાં વહીવટી તંત્રમાં અધિકારીઓ, કર્મચારીઓ, સતત કામગીરીમાં વ્યસ્ત હોય છે. તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. જેમાં સતત કર્મચારી ઉપર ભારણ રહ્યું હતું. ચૂંટણી પૂર્ણ થઇ છે. અને હવે કર્મચારીઓની કામગીરીના ભારણમાં મહંદ અંશે ઘટાડો થયો છે. કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચે એકતા, ભાઇચારો વધે અને કર્મચારીઓ ખેલદીલીથી રમતનો આનંદ માણી શકે તે માટે મહેસુલી પરિવાર પોરબંદર ટેનીસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. આ ટૂર્નામેન્ટમાં જિલ્લા કલેકટર અશોક શર્મા તેમજ રેવન્યુ અધિકારી, કર્મચારીઓ તથા આઉટસ સોર્સનાં કર્મચારીઓનો સમાવેશ થયો હતો. આ ટૂર્નામેન્ટમાં કુલ ચાર ટીમોએ ભાગ લીધો હતો. જેમાં કલેકટર કચેરી, પ્રાંત કચેરી પોરબંદર, પ્રાંત કચેરી કુતિયાણા, મામલતદાર કચેરી રાણાવાવ એમ ચાર ટીમો વચ્ચે ક્રિકેટ જંગ જોવા મળ્યો હતો. આ ચાર ટીમોમાં પોરબંદર અને ગ્રામ્ય વિસ્તારનાં રેવન્યુ અધિકારીઓ અને કર્મચારીઓનું સમાવેશ થાય છે. માધવાણી કોલેજનાં ગ્રાઉન્ડમાં યોજાયેલ ક્રિકેટ ટૂર્નામેન્ટનાં ફાઇનલમાં ડે.કલેકટર પોરબંદરની સામે કલેકટર પોરબંદરની ટીમ વચ્ચે ક્રિકેટ જંગ જોવા મળ્યો હતો. પ્રથમ બલ્લેબાજીમાં ડે.કલેકટર પોરબંદરની ટીમે ૧૨ ઓવરમાં ૧૨૩ રન બનાવ્યાં હતાં. જેમાં અધિકારી વિપુલ પુરોહીતે ૩૦ બોલમાં ૫૧ રન ફટકાર્યા હતાં. જયારે અધિકારી જયેશ રબારીએ ૧૫ બોલમાં ૨૭ રન બનાવ્યાં હતાં. તો બીજી ઇનીંગમાં કલેકટર પોરબંદરની ટીમ ૭૫ રનમાં જ ઓલઆઉટ થઇ હતી. જેમાં જિલ્લા કલેકટર અશોક શર્માએ ૧૭ બોલમાં ૨૧ રન તેમજ આર.એલ. રામે ૯ બોલમાં ૧૫ રન બનાવ્યાં હતાં. તો ફાઇનલ મેચમાં ડે.કલેકટરની ટીમની બોલીંગ દરમિયાન ડે.કલેકટરે બે ઓવરમાં ૪ વિકેટ ઝડપી લીધી હતી. તો જયેશ રબારી, વિપુલ પુરોહીત, ભરત ઓડેદરાએ બબ્બે વિકેટો ઝડપી કલેકટરની ટીમને ઓલઆઉટ કરી વિજય મેળવ્યો હતો. આ રીતે રેવન્યુ કર્મચારીઓ વચ્ચે રોમાંચક ક્રિકેટ ટૂર્નામેન્ટ રહી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.