કટરા બંધ:હોટલોએ ભોજન પીરસવાનું બંધ કર્યું, 14 કિમી પગપાળા ચઢવું પડે એમ હોવાથી અનેક બુકિંગ રદ થઈ ગયાં - At This Time

કટરા બંધ:હોટલોએ ભોજન પીરસવાનું બંધ કર્યું, 14 કિમી પગપાળા ચઢવું પડે એમ હોવાથી અનેક બુકિંગ રદ થઈ ગયાં


દિલ્હીનાં 33 વર્ષનાં પૂજા ચૌધરીને 29 ડિસેમ્બરે પતિ અને બે સંતાન સાથે માતા વૈષ્ણોદેવીનાં દર્શન માટે કટરા જવું હતું પણ ટેક્સી ડ્રાઇવરે 4 કિલોમીટર આગળ ઉતારી દીધાં. પૂજાએ કારણ પૂછ્યું તો કહ્યું કે આગળ બધું બંધ છે. એમને પગપાળા જ કટરા જવું પડ્યું. અહીંયા હોટલમાં બુકિંગ હતું એટલે રહેવા દેવાયા. પછી 14 કિલોમીટર પગપાળા ચડીને મંદિર સુધી પહોંચ્યાં. કારણ કે ઘોડા, ખચ્ચર અને પાલખીવાળાઓ 25 ડિસેમ્બરથી હડતાળ પર છે. તેમના સમર્થનમાં હોટલ, રેસ્ટોરાં, દુકાનો પણ બંધ છે. 25 ડિસેમ્બર પહેલાં હોટલ બુકિંગ કરાવનારા યાત્રીઓને જ રોકાવા દેવામાં આવે છે. એટલે શહેરની નાની-મોટી 300 હોટલના 6 હજાર રૂમમાંથી માત્ર 20% જ ભરેલા છે. બાકીના શ્રદ્ધાળુ 25 કિમી દૂર ઉધમપુર કે જમ્મુમાં રોકાયા છે. માતા વૈષ્ણોદેવીના યાત્રાસ્થળ કટરામાં પહેરી વાર આવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક લોકો અહીં બની રહેલા રોપ-વેનો વિરોધ કરી રહ્યા છે. 250 કરોડના આ પ્રોજેક્ટમાં કટરા બેઝકેમ્પને સાંજી છત સાથે જોડવામાં આવશે. અત્યારે આ બંને વચ્ચે 11.5 કિલોમીટરનું અંતર છે. પછી સાંજી છતથી મંદિરનું અંતર માત્ર 2.5 કિમી થઈ જશે. કુલ 14 કિમીની યાત્રામાં 5થી 7 કલાક લાગે છે. રોપ-વે બન્યા પછી આ યાત્રા દોઢ કલાકમાં થશે. પરંતુ દેખાવકારોનું કહેવું છે કે એવું થશે તો અમે ભૂખે મરીશું. હવે ભાજપ, કોંગ્રેસ સહિત તમામ પક્ષો દેખાવમાં જોડાયા છે. 30 હજાર લોકોનું જીવન શ્રદ્ધાળુઓ પર નિર્ભર
કટરાના કરિયાણાના વેપારી મહેશ કિશોરે કહ્યું કે અહીં 30 હજાર લોકોનું જીવન શ્રદ્ધાળુઓ પર જ નિર્ભર છે. રોપ-વે પ્રોજેક્ટ બની જશે તો ઘોડા, ખચ્ચરવાળાનું શું થશે? યાત્રાના માર્ગમાં આવતી દુકાનોનો સામાન કેવી રીતે વેચાશે? અમે ભૂખ્યા મરીએ તેવી સ્થિતિમાં મુકાઈ ગયા છીએ. એટલે અમે સંઘર્ષ સમિતિને સાથ આપીએ છીએ. દેખાવોનું નેતૃત્વ કરી રહેલા રામ રાણાએ કહ્યું કે રોપ-વે શરૂ થવાથી શ્રદ્ધાળુ અમારાથી દૂર થઈ જશે. ભવિષ્યમાં અમારે ભોગવવું પડે, એવું અમે નથી ઇચ્છતા એટલે આજે વિરોધ કરીએ છીએ.
સેવા સમિતિઓએ લંગર શરૂ કર્યા પણ પૂરતું નથી કેટલીક સેવા સમિતિઓએ યાત્રા માર્ગ અને કટરા બેઝકેમ્પ પર લંગર શરૂ કર્યાં છે પણ તેની સંખ્યા ઘણી ઓછી છે. શ્રાઇન બોર્ડે પણ કટરા રેલવે સ્ટેશન, બાણગંગા, તારાકોટમાં લંગર શરૂ કર્યાં છે. બરીદર સેવા સમિતિના પૂર્વ અધ્યક્ષ શેરસિંહ બરીદરમે કહ્યું કે શ્રાઇન બોર્ડ પહેલાંથી અમે સેવા આપીએ છીએ. આવી સ્થિતિ પહેલી વાર જોઈ. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ગૃહમંત્રી અમિત શાહને વિરોધ અંગે માહિતી આપી છે. આ મુદ્દે બે-ત્રણ દિવસમાં નિર્ણય આવે તેવી શક્યતા છે. ‘ઘણું નુકસાન થાય છે, પણ લાચાર છીએ, 31 ડિસેમ્બર પછી કોઈ બુકિંગ નહીં’


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.