કારને ટક્કર મારી, AC બસ 50 ફૂટ નીચે ખાબકી:માતા-પુત્ર સહિત 6ના મોત, કાચ તોડી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા; લખનઉ એક્સપ્રેસ વે પર અકસ્માત સર્જાયો
યુપીના ઈટાવામાં લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર ડબલ ડેકર બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. જેમાં કારમાં સવાર 3 મુસાફરો અને 3 બસમાં સવાર મુસાફરોનો સમાવેશ થાય છે. આમાં માતા અને પુત્રનો પણ સમાવેશ થાય છે. બસે કારને ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બસ 3-4 વાર પલટી ગઈ અને એક્સપ્રેસ વેથી 50 ફૂટ નીચે ખાબકી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 45 મુસાફરો ઘાયલ થયા હતા. આ અકસ્માત ગઈ રાત્રે 1 વાગ્યે થયો હતો. સૈફઈમાં ઉસરાહર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર રોંગ સાઈડથી આવી રહી હતી, તેની સ્પીડ ધીમી હતી, પરંતુ બસ વધુ સ્પીડમાં હતી. એસએસપી સંજય કુમાર વર્માએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે બસ ડ્રાઈવરને ઝોકું આવી જવાને કારણે અકસ્માત થયો છે. તે સામેથી આવતી કારને જોઈ શક્યો ન હતો અને તેને ટક્કર મારી હતી. કાર રોંગ સાઈડથી આવી રહી હતી
કારમાં 6 લોકો સવાર હતા. રાજસ્થાનના બાલાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. તેને કન્નૌજ જવાનું હતું. કન્નૌજ માટે એક્સપ્રેસ વે પર એક સાઇડ કટ છે. આથી તેણે આગળ જવાને બદલે રોંગ સાઈડમાં કાર હંકારી હતી. બસ રાયબરેલીથી નવી દિલ્હી જઈ રહી હતી. તે પૂરપાટ ઝડપે આવી રહી હતી. ત્યારે અચાનક સામેથી એક કાર આવી જતાં ડ્રાઇવર બસ પર કાબૂ રાખી શક્યો નહીં અને અકસ્માત સર્જાયો. બસ નીચે ઝાડીઓમાં પડી હતી. કાચ તોડીને લોકોને બચાવી લેવાયા હતા
રાહદારીઓએ યુપેડા અને પોલીસને જાણ કરી હતી. થોડીવાર બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બસમાં લોકો ફસાઈ ગયા હતા. પોલીસે કાચ તોડીને લોકોને બહાર કાઢ્યા અને ઘાયલોને સૈફાઈ મેડિકલ કોલેજમાં દાખલ કર્યા. બસમાં સવાર 45 ઘાયલ મુસાફરોમાંથી 5ની હાલત ગંભીર છે. કારમાં સવાર મૃતકોમાં કન્નૌજ નિવાસી ચંદા (65), તેનો પુત્ર મોનુ સિંહ અને પુત્રનો મિત્ર સચિનનો સમાવેશ થાય છે. ઘાયલ પ્રતાપ સિંહે કહ્યું- હું લખનૌથી દિલ્હી જઈ રહ્યો હતો. અકસ્માત થયો ત્યારે અમે સૂતા હતા. કાર રોંગ સાઈડથી આવી રહી હતી. અકસ્માત બાદ અમે બસમાં ફસાઈ ગયા હતા. પોલીસે લોકોને બહાર કાઢ્યા. કારમાં મુસાફરી કરી રહેલા મૃતકના પરિવારના દેવ ગૌરનું કહેવું છે કે યુપેડાના લોકોએ ફોન કરીને અકસ્માતની જાણકારી આપી હતી. મારી કાકી અને ભાઈ અકસ્માતમાં મૃત્યુ પામ્યા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.