હાય રે મોંઘવારી! હવે વધુ એક ઝટકો, હીરો મોટોકોર્પના ટુ-વ્હીલર વધુ મોંઘા થશે - At This Time

હાય રે મોંઘવારી! હવે વધુ એક ઝટકો, હીરો મોટોકોર્પના ટુ-વ્હીલર વધુ મોંઘા થશે


દેશમાં એક તરફ મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા છે, પરંતુ બીજી તરફ જીવન જરૂરી સાધન બની ચૂકેલા દ્વીચક્રી વાહનોનું વેચાણ પણ ઝડપી ગતિએ વધી રહ્યું છે. જો કે દ્વીચક્રી વાહનોની કિંમતોમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. હવે ટુ-વ્હીલર ખરીદનારાઓને 1 જુલાઇ, 2022થી મોંઘવારીનો વધુ એક ઝટકો સહન કરવા તૈયાર રહેવું પડશે. વાસ્તવમાં, દેશની સૌથી મોટી ટુ-વ્હીલર નિર્માતા કંપની હીરો મોટોકોર્પે ટુ-વ્હીલર અને સ્કૂટરની કિંમતો વધારવાનો નિર્ણય કર્યો છે. 1 જુલાઇ, 2022થી નવી કિંમતો લાગૂ થશે. કોમોડિટીની કિંમતો વધવાને કારણે મોંઘવારી વધ્યા બાદ ઉત્પાદન ખર્ચ વધતા કંપનીઓએ ટુ-વ્હીલરની કિંમતો વધારવાની ફરજ પડી છે. કંપનીએ તેના ટુ-વ્હીલર અને સ્કૂટરની કિંમતોમાં 3,000 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ કિંમતમાં વૃદ્વિ માટે વધતી જતી ઇનપુટ કોસ્ટને જવાબદાર ગણાવી છે. નોંધનીય છે કે હીરો મોટોકોર્પ દ્વારા છેલ્લા એક વર્ષમાં ચોથી વખત ટુ-વ્હીલરની કિંમતોમાં વધારો કરાયો છે. આ પહેલા 1 જુલાઇ, 2021ના રોજ 3.000 રૂપિયા અને 30 સપ્ટેમ્બરે 3,000 રૂપિયા, 1 જાન્યુઆરી, 2022થી 2,000 રૂપિયા અને હવે 3,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ ટુ-વ્હીલરની કિંમતો વધી રહી છે ત્યારે બીજી તરફ સરકાર દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણને પ્રોત્સાહિત કરવા માટે વાહનચાલકોને સબસિડી પણ આપી રહી છે. તે ઉપરાંત સરકાર હવે ઇલેક્ટ્રિક વાહનોના વેચાણને વેગ મળે તે હેતુસર લિથિયમ-આયન બેટરી પરના 18% જીએસટીને પણ ઘટાડવાની વિચારણા કરી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon