કોર્પોરેશનનું બજેટ મંગળવારે : પાણી વેરો વધવાની સંભાવના : નવા મોટા પ્રોજેકટ નહીં હોય

કોર્પોરેશનનું બજેટ મંગળવારે : પાણી વેરો વધવાની સંભાવના : નવા મોટા પ્રોજેકટ નહીં હોય


રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નવા નાણાંકીય વર્ષનું બજેટ તા. 31ને મંગળવારે રજુ થશે. જેમાં પાણી વેરામાં વધારાની દરખાસ્ત કરવામાં આવે તેવી શકયતા છે. મહાપાલિકાની આર્થિક હાલતને ધ્યાને લેતા નવા કોઇ પ્રોજેકટ જાહેર થવાની સંભાવના ધુંધળી છે.
કોર્પોરેશનના માહિતગાર સુત્રોએ જણાવ્યું હતું કે 2023-24ના નવા નાણાંકીય વર્ષનું બજેટ આગામી 31 જાન્યુઆરીને મંગળવારે રજુ કરવામાં આવશે. બજેટને આખરી સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. બજેટનું કદ 2500 કરોડ આસપાસનું રહેવાનો અંદાજ છે. કોર્પોરેશનને આવક-ખર્ચના બે છેડા ભેગા કરવાનું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે નવા અંદાજપત્રમાં લઇ નવા પ્રોજેકટની દરખાસ્ત થાય તેમ નથી જયારે આવકના નવા સ્ત્રોત ઉભા કરવા માટે પાણી વેરામાં વધારો કરવાની દરખાસ્ત થઇ શકે છે.
સુત્રોએ કહ્યું કે, 2009થી પાણીવેરામાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. આ 14 વર્ષ દરમ્યાન પાણી પાછળનો ખર્ચ ખુબ વધી ગયો છે. ખાસ કરીને દરરોજ પાણી વિતરણ માટે સૌની યોજના મારફત નર્મદાનું પાણી મેળવવું પડતું હોય છે. આ સ્થિતિને ધ્યાને રાખીને પાણીવેરામાં વધારાની દરખાસ્ત શકય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આવક-ખર્ચના હિસાબો સરભર કરવા માટે કોર્પોરેશનને ભારે દોડધામ કરવી પડે છે. ચાલુ વર્ષનો ટાર્ગેટ પૂર્ણ કરવા પણ કડક ઉઘરાણી કરવામાં આવી રહી છે. નવા વર્ષ માટે આગોતરા આયોજનરૂપે પાણીવેરામાં વધારો જાહેર થઇ શકે છે. સુત્રોએ કહ્યું કે રાજયમાં વિધાનસભા ચૂંટણી ખત્મ થઇ ગઇ છે. કોર્પોરેશનની ચૂંટણીને પણ વાર છે એટલે રાજકીય રીતે પણ કોઇ વાંધો પડી શકે તેમ નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »