ચુડા તાલુકાનાં ચોકડી ખાતે કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાનાં વરદહસ્તે રૂ.૭.૪૩ કરોડની પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત - At This Time

ચુડા તાલુકાનાં ચોકડી ખાતે કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાનાં વરદહસ્તે રૂ.૭.૪૩ કરોડની પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત


બોટાદ બ્રાન્ચ કેનાલ આધારિત વડોદ ડેમથી ચોકડી સબ હેડ વર્કસ સુધી પીવીસી લાઇન તથા પપિંગ મશીનનાં કામની યોજનાથી ૧૬ ગામો લાભાન્વિત થશે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાનાં ચોકડી ખાતે કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે રૂપિયા ૭.૪૩ કરોડના ખર્ચે બોટાદ બ્રાન્ચ કેનાલ આધારિત વડોદ ડેમથી ચોકડી સબ હેડ વર્કસ સુધી ૩૧૫ મીમી વ્યાસની પીવીસી લાઇન તથા પપિંગ મશીનનાં કામની યોજનાનું ખાતમુહૂર્ત કરાયું હતું. ચૂડા તાલુકાનાં ૧૬ ગામો આ યોજનાથી લાભાન્વિત થશે. પ્રાસંગિક ઉદબોધન કરતા કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, છેવાડાનાં દરેક ઘર સુધી પીવાનું પાણી નળ દ્વારા મળી રહે તેવા ઉમદા હેતુથી 'નલ સે જલ' અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત સુંદર કામગીરી કરતા આજે રાજ્યનાં ઘણા જિલ્લાઓમાં 'નલ સે જલ' યોજના અંતર્ગત ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, પાણી પુરવઠાની આ યોજના થકી ચૂડા તાલુકાનાં આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી અંત આવશે. આગામી દિવસોમાં પાણી પુરવઠાની આવી અનેક યોજનાઓનાં માધ્યમથી રાજ્યના બાકી રહેતા વિસ્તારોમાં પણ પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવશે.ખેડૂતો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે, તેમ જણાવતા મંત્રીએ ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રૂપિયા ૬,૦૦૦ ની વાર્ષિક સહાય ખેડૂતોનાં ખાતામાં સીધી જમા કરાવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, ચુડા તાલુકાના ૧૬ ગામોની હાલની વસ્તી ૫૬ હજારથી વધારે છે. આ ગામોની પીવાના પાણીની જરૂરિયાત ૫.૬૮ એમ.એલ.ડી. છે. આ ગામોને એસ-2 અને એસ-3 યોજના હેઠળ બોટાદ બ્રાન્ચ કેનાલ આધારિત ચોકડી હેડ વર્કસથી પાણી પંપિંગ કરી પૂરું પાડવામાં આવે છે. દર વર્ષે ઉનાળામાં બોટાદ બ્રાન્ચ કેનાલમાં પાણી પુરવઠો બંધ કરાતા અને આજુબાજુના ગામોમાં પીવાના પાણી માટે અન્ય કોઈ સોર્સ ન હોવાના કારણે આ સમયે ૧૬ ગામોને ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવે છે.આજે ખાતમુહૂર્ત થનાર આ યોજનાનું કામ પૂર્ણ થયેથી ચુડા તાલુકાના કોરડા, જેપર, ચોકડી, વેળાવદર, કુડલા, ભાણેજડા, ચાચકા, ભેંસજાળ, નવી મોરવાડ, જૂની મોરવાડ, સમઢીયાળા, નાના મઢાદ, મોટા મઢાદ, ચુડા, ઝીંઝાવદર અને રામદેવગઢ સહિતના ૧૬ ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે અને આ ગામોની પીવાના પાણીની સમસ્યાનો કાયમી અંત આવશે.આ પ્રસંગે અગ્રણી રાજભા ઝાલા અને ધીરુભાઈ સિંધવએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા તેમજ પાણી પુરવઠા મુખ્ય ઇજનેર મહેરીયાએ આ વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા ચાલતી વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી.આ પ્રસંગે અગ્રણી સર્વ તનકસિંહ રાણા, અલ્પેશભાઈ શેખ, લગધીરસિંહ જાદવ, ભરતભાઈ ખાચર, ઘનશ્યામભાઈ રોજાસરા અને રમેશભાઈ મીઠાપરા તેમજ પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર એસ.જી.દેસાઈ, ચુડા મામલતદાર તથા પાણી પુરવઠા વિભાગનાં અધિકારી/કર્મચારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

AT THIS TIME NEWS
UMESHBHAI BAVALIYA SURENDRANAGAR


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon