ઉપલેટા શહેરના આવેલ વિવિધ વોકળાની ૨૦૨૪ ના ચોમાસા અંતર્ગતની સફાઈ માટે ઉપલેટા નગરપાલિકાએ ૧૭ લાખ ઉપરાંતની રકમ ચુકવી છતાં યોગ્ય સફાઈ તો થઈ જ નહિ - At This Time

ઉપલેટા શહેરના આવેલ વિવિધ વોકળાની ૨૦૨૪ ના ચોમાસા અંતર્ગતની સફાઈ માટે ઉપલેટા નગરપાલિકાએ ૧૭ લાખ ઉપરાંતની રકમ ચુકવી છતાં યોગ્ય સફાઈ તો થઈ જ નહિ


સરકારે ફાળવેલ રકમ માંથી લાખો રૂપિયા ચૂકવ્યા છતાં પણ યોગ્ય સફાઈ તો થય જ નથી તેના અનેકો પુરાવા

યોગ્ય સફાઈ ન થતી હોવાની બાબતે અગાઉ પણ પાલિકાના મુખ્ય અધિકારીને જાગૃત નાગરિકોએ પુરાવા સાથે જાણ પણ કરી હતી

કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સહિતનાઓ દ્વારા સાથે મળી કામની પટાવટ કરી દેવાઈ હોવાની પણ ભારે ચર્ચાઓ

(આશિષ લાલકીયા દ્વારા)
ઉપલેટા તા. ૧૮ ડિસેમ્બર ૨૦૨૪, ઉપલેટા શહેરમાં આવેલા વિવિધ વોકળાની સાફ-સફાઈ માટે સરકાર દ્વારા ઉપલેટા નગરપાલિકાને રૂપિયા ૨૦/- લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જેમાં આ ગ્રાન્ટ માંથી ઉપલેટા નગરપાલિકાએ ૧૭/- લાખ ઉપરાંતની રકમની ચુકવણી કરી છે ત્યારે ઉપલેટા નગરપાલિકાને ફાળવવામાં આવેલી ગ્રાન્ટના કામમાં ભરપૂર ભ્રષ્ટાચાર, ગોલમાલ કરાઈ હોવાનું માહિતીઓ સામે આવી છે અને યોગ્ય સાફ સફાઈ ન થઈ હોવાની બાબતો સામે આવી છે.

આ અંગે કરેલા થયેલ, મંજૂર થયેલ કામ અને ચૂકવવામાં આવેલા બિલો અને કામ સહિતની તમામ વિગતો મેળવવા માટે એક અરજદાર દ્વારા આ અંગેની કરવામાં આવેલી આર.ટી.આઈ. માં ઉપલેટા નગરપાલિકા દ્વારા વોકળાની સફાઈના કામ માટે ૧૭/- લાખ ઉપરાંતની રકમના બીલો ચૂકવ્યા છે ત્યારે આ સાફ-સફાઈના બિલો અને સફાઈ અંગેની થયેલી કામગીરી અંગેના દસ્તાવેજોની ચકાસણી કરતા ઉપલેટા નગરપાલિકાની કામગીરી શંકાના દાયરામાં આવી રહી છે.

વોકળાની ચાલી રહેલી સાફ-સફાઈની કામગીરી દરમિયાન માહિતી માંગનાર અરજદાર દ્વારા અગાઉ પણ ઉપલેટાના મુખ્ય અધિકારીને આ અંગે મૌખિક ફરિયાદ અને રજૂઆત કરી સફાઈ યોગ્ય ન થતી હોય તેમજ યોગ્ય રીતે કામ ન થતું હોય તેમજ નગરપાલિકાના કોઈપણ જવાબદાર કર્મચારી હાજર ન હોય તે અંગે રજૂઆત કરી હતી ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય કામ ન કરેલ હોવા છતાં ઉપલેટા નગરપાલિકાએ લાખો રૂપિયાના બિલ ચૂકવી દીધા છે જેથી હવે કયા આધાર ઉપર આ બિલ ચૂકવ્યું તેમાં પણ ઉપલેટા નગરપાલિકાની શંકાસ્પદ ભૂમિકાઓ અને કંઈક રંધાઈ ચૂક્યું હોય તેવી ગંધ સામે આવી છે કારણ કે, આ પુર્ણ થયેલ કામની પહોંચમાં ગાડીનો સમય અને સ્થળમાં વિસંગતતા છે તેમની સાથે વાહનોના નંબર પણ નથી લખવામાં આવ્યા કે, કોન્ટ્રાક્ટર અથવા તો મશીન ઓપરેટરની સહી પહોંચમાં સામેલ નથી જેથી આ પહોંચ કામ પૂર્ણ થયા બાદ તાબડતોબ રીતે બનાવાયેલ હોવાનું જણાઈ રહ્યું છે.

આ અંગે આર.ટી.આઈ. માંથી મળેલા દસ્તાવેજોની ચકાસણી કરતા સફાઈ માટે એક કલાકના રૂપિયા ૩૫૭૦/- લેખે ચૂકવાયેલ રકમ અને સાફ-સફાઈ માટે બનેલી પહોંચ અને સાફ-સફાઈના વિસ્તાર અને સમયની અંદર પણ ઘણી વિસંગતતાઓ જોવા મળી રહી છે કારણ કે, સફાઈ અંગેની બનેલી પહોંચની અંદર સમય અને સ્થળમાં ઘણો ફેરફાર છે જ્યારે આ સફાઈ કામગીરી ચાલ રહી હતી ત્યારે જાગૃત નાગરિકે કામગીરી અંગેના પુરાવાઓ પણ એકત્રિત કર્યા છે ત્યારે આ મામલે પુરાવાઓ સાથે રાજ્ય સરકારમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ભાડેથી રાખવામાં આવેલ વાહનના કોઈપણ પ્રકારના નંબર કે કલાકનું રેકોર્ડિંગ કોઈ જગ્યાએ નોંધાયેલ નથી અને બનાવવામાં આવેલી પહોંચની અંદર પણ ઓપરેટર કે પછી કોન્ટ્રાક્ટરની સહી પણ નથી જોવા મળી રહ્યું ત્યારે અહીંયા સૌ કોઈએ સાથે મળી સેટલમેન્ટ કર્યું હોવાની ભારે ચર્ચાઓ શરૂ થઈ છે.

આ તમામ બાબતોમાં જોવાનું એ રહ્યું કે, ઉપલેટા નગરપાલિકા દ્વારા ચૂકવેલ બિલમાં મિલી ભગત હોવાની સંપૂર્ણ ગંધ ફેલાઈ રહી છે અને આવતા દિવસોમાં કોની કેટલી મિલીભગત અને કોનો કેટલો ભાગ છે તેની પણ માહિતીઓ અને વિગતો આગળના દિવસોમાં વિગતો સામે આવશે. આ અંગે કોન્ટ્રાક્ટરની કંપનીનો સંપર્ક કરતા કામ ચાલુ છે કે, પૂર્ણ થઈ ગયું છે તેમની પણ તેમને માહિતી નથી અને તેમને આ કામ અંગે ખ્યાલ નથી તેવી પણ માહિતી સામે આવી છે ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે આ કામ ખરેખર ઉપજાવી કાઢી કરવામાં આવ્યું છે કે, કેમ તેને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. જોકે તાજેતરની અંદર મિલીભગત કરી ભ્રષ્ટાચાર આચરનાર અને લોકોના હિત માટે વાપરવામાં આવતા પૈસાનો વ્યય કરનાર ધોરાજી નગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે ધોરાજી કોર્ટમાં ફરિયાદ દાખલ કરવા માટે આવેલો હુકમ જેવો હુકમ આગામી દિવસોની અંદર ઉપલેટા નગરપાલિકાના જવાબદારો અને મીલીભગત કરી લોકોના હિત માટે વાપરવામાં આવતા પૈસાનો ભ્રષ્ટાચાર કરનાર સામે કોર્ટ કાર્યવાહી થયા બાદ ચોક્કસ પણે આવતા દિવસોમાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે લાખો કરોડો રૂપિયાના કામની અંદર ગોલમાલ કરનાર અને મિલીભગત કરીને ઘર ભરનારા અને લોકોના હિત માટે વાપરવામાં આવતા નાણાંનો વેડફાટ કરનાર અને ભ્રષ્ટાચાર કરનાર ભ્રષ્ટાચારીઓ હવે અહીંયાથી બદલીઓ માટેની તૈયારીઓ, ભલામણો અને ધમપછાડા કરી અન્ય જગ્યાએ સ્થળાંતરિત થવા માટેની તૈયારીઓ કરી રહ્યા હોવાની પણ સૂત્ર પાસેથી માહિતીઓ પ્રાપ્ત થઈ છે.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.