વરસાદી આફતને કારણે ગાડીઓને ડેમેજના ક્લેઈમમાં ૨૦ ટકા વધારો
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવારછેલ્લા ત્રણ દિવસ દરમિયાન અમદાવાદમાં જોરદાર વરસાદ પડતા પાણીમાં ફસાઈ ગયેલા વાહનોના ક્લેઈમમાં ૨૦ ટકાથી પણ વધુનો વધારો આવી જવાની શક્યતા છે. ફાયર પોલીસી હેઠળ ઘરમાં પાણી ભરાઈ જવાને કારણે ઘરની વસ્તુઓને નુકસાન થવાના ક્લેઈમમાં પણ ૧૦થી ૧૨ ટકાનો વધારો થઈ જવાની સંભાવના વીમા કંપનીઓના એજન્ટો દર્શાવી રહ્યા છે. રસ્તા પર ભૂવાઓ પડી જવાને કારણે કે મકાનની સાઈડની દિવાલ કે જમીન ધસી પડવાના કિસ્સાઓને કારણે પણ મોટર વાહનોને નુકસાન થવાના ક્લેઈમ વધવા માંડયા છે. આ ક્લેઈમનો ખરો વધારો આગામી પાંચથી સાત દિવસમાં જોવા મળશે એમ વીમા કંપનીઓના એજન્ટોનું કહેવું છે.મોટરની પોલીસી હેઠળ ડેમેજના ક્લેઈમ મેળવવા માટેના કેસો આગામી દિવસોમાં વધી જવાની સંભાવના દર્શાવતા એજન્ટ્સ કહે છે કે વાહનો બંધ પડયા પછી ગેરેજમાં મૂકવામાં આવે છે, ત્યારબાદ તેમને એસ્ટીમેટ મળે તે પછી તેઓ ક્લેઈમ મૂકતા હોવાથી આગામી દિવસોમાં મોટર વાહનના ડેમેજને કારણે થનારા ક્લેઈમમાં વધારો થાય છે.તેમાં સૌથી વધુ નુકસાન પાણીમાં વાહન ફસાઈ જાય અને બંધ પડી જાય તેવા વાહન માલિકોને થાય છે. કારણે કે ઓનલાઈન કે ઓફલાઈન ખરીદવામાં આવતી પોલીસીમાં પોલીસી ખરીદનારને પાણીમાં ફસાઈ ગયેલી મોટરને સેલ ન મારવાની શરત અંગે સમજણ આપવામાં આવતી નથી. પાણીમાં ફસાઈ ગયેલી મોટરને સેલ મારવામાં આવે તો તેનું એન્જિન લૉક થઈ જાય છે. આ એન્જિન લૉક થઈ જાય એટલે તે વાહન માલિકે પાણીમાં ફસાઈ ગયેલી મોટરને સેલ માર્યો હોવાનું પ્રસ્થાપિત થઈ જાય છે. તેમ કરવાથી મોટરનું એન્જિન ઓપન કરવું પડે છે. તે માટે રૃ. ૫૦,૦૦૦થી માંડીને ગાડી પ્રમાણે રૃ. ૧.૫થી ૨ લાખ સુધીનો ખર્ચ આવી જાય છે. તે ખર્ચ વીમા કંપનીઓ ધરાર ચૂકવતી નથી.પાણીમાં ફસાયેલી મોટરને સેલ મારવાની બાબતને તેઓ મોટર ચાલકની બેદરકારી ગણે છે. તેથી તેમને ક્લેઈમ આપતા જ નથી. આમ વરસાદને કારણે બંધ પડી ગયેલા ગાડીને ચાલુ કરવાનો પ્રયાસ કરનારાઓના પોલીસીની શરત અંગેના અજ્ઞાાનને કારણે વીમા ક્લેઈમ અમાન્ય થઈ જવાના અને મોટા ખર્ચના ખાડામાં ફસાઈ જવાના કિસ્સાઓ પણ બની રહ્યા છે. ક્લબ ઓ સેવન પાસેના મકાનની જમીન ધસી પડતાં ગાડી પણ ખાડામાં ફસડાઈ પડી હોવાના કિસ્સાઓ બન્યા છે.ક્લેઈમ લીધા પછી બીજા વરસે તેમના પ્રીમિયમમાં ૧૦ ટકાથી માંડીને ૨૦ ટકા સુધીનો વધારો આવી જાય છે. નો ક્લેઈમ બોનસ તો છીનવાઈ જ જાય છે. બીજા વરસે ગાડીના પ્રીમિયમમાં પણ ૧૦થી ૧૫ ટકાનો વધારો થઈ જાય છે. તેની સામે ગાડીની વેલ્યુ પણ તેની વય પ્રમાણે ઘટાડી દેવામાં આવે છે. સમગ્રતયા વીમાનો બિઝનેસ વીમામાં ધારકને લાભ કરાવવા કરતાં વધુ ને વધુ ખર્ચના ખાડામાં ઉતારવાનો બિઝનેસ બની રહ્યો છે.અહો વૈચિર્ત્યમ, ઉપરથી પડેલા પાણીથી નુકસાન થાય તો ક્લેઈમ મળતો નથીફાયર વીમાની પોલીસી હેઠળ એક જ એજન્ટના રૃ. ૨૨ લાખના ક્લેઈમ આવ્યા છે. આ જ વીમા કંપનીની એક જ બ્રાન્ચમાં ફાયર પોલીસી હેઠળના ૧૦ જેટલા ક્લેઈમમાં રૃ. ૭૦ લાખથી વધુ રકમનો ક્લેઈમ આવી ગયા છે. અમદાવાદના પાલડી, બોડકદેવ સહિતના વિસ્તારોમાં ગ્રાઉન્ડ ફ્લોરના મકાનોમાં પાણી ભરાઈ જવાના અને ગટરના પાણી બેક મારવાથી ઘરમાં પાણી ભરાઈ જવાના કિસ્સાઓ વધી ગયા છે. ફાયર પોલીસી હેઠળ ઘરમાં નુકસાન થવાના ક્લેઈમ પણ વધી જવાની સંભાવના રહેલી છે. ફાયર પોલીસીમાં પણ ગજબનો નિયમ કરવામાં આવેલો છે. વરસાદના પાણીને કારણે ઉપરથી પડેલા પાણીથી ડેમેજ થાય તો ક્લેઈમ આપવામાં આવતો નથી, પરંતુ વરસાદી પાણી ભરાઈ જવાથી ગટરના પાણી ઘરમાં ઘૂસી જાય તો તેને કારણે થતાં નુકસાનને કવર કરવામાં આવે છે. અમદાવાદના પાલડી સહિત અનેક વિસ્તારોમાં ભોંયતળિયે આવેલા મકાનોમાં પાણી ભરાઈ જવાના કિસ્સાઓ બન્યા છે. તેમાં હજારોથી માંડીને લાખો રૃપિયાનું નુકસાન પણ થયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.