વાગરા પોલીસે વિવિધ ગામના આગેવાનો સાથે બેઠક યોજી:ચોર ટોળકી અંગે વાઈરલ થઈ રહેલા મેસેજથી સતર્ક રહેવા અપીલ કરવામા આવી.
વાગરા પોલીસે વિવિધ ગામના આગેવાનો સાથે બેઠક યોજી:ચોર ટોળકી અંગે વાઈરલ થઈ રહેલા મેસેજથી સતર્ક રહેવા અપીલ કરવામાં આવી
વાગરાના ગ્રામ્ય વિસ્તારોમાં થોડા દિવસોથી તસ્કરો ચોરી કરવા આવતા હોવાની લોકચર્ચાએ પંથકમાં ભારે જોર પકડ્યું છે. જેથી અમુક ગામોમાં લોકો રાત્રી જાગીને ચોકીદારી પણ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. વાગરા પોલીસ દ્વારા સોશ્યલ મીડિયા પર વાઈરલ થઈ રહેલ ચોર ટોળકી અંગેના મેસેજથી સતર્ક રહેવા અને કાયદો હાથમાં ન લેવા વિવિધ ગામના આગેવાનો અને સરપંચ સાથે બેઠક યોજીને અપીલ કરવામાં આવી હતી. હાલમાં સોશિયલ મીડિયા પર ચોર અંગેના મેસેજ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. જેમાં વિવિધ ગામોમાં ચોર ટોળકી ત્રાટકી જીવલેણ હુમલો કરી ચોરીને અંજામ આપે છે. જેના પગલે ગ્રામજનોમાં રીતસરનો ફફડાટ ફેલાયો છે. ત્યારે કેટલીક જગ્યાએ ગ્રામજનો દ્વારા ગામમાં આવતા અજાણ્યા લોકો પર હુમલા કરી કાયદો હાથમાં લેવામાં આવતો હોવાની ઘટનાઓ પણ સામે આવી હતી.
વાગરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તસ્કરોની અફવાઓથી દુર રહેવા વાગરા પોલીસની જાહેર જનતાને અપીલ..
વાગરા પંથકમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે, અને સુલેહ શાંતિનો ભંગ ન થાય તે ઉદ્દેશથી તકેદારીના ભાગરૂપે વાગરા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ પી.આર વાઘેલાની અધ્યક્ષતામાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા તાલુકાના વિવિધ ગામના સરપંચો અને આગેવાનોની બેઠક યોજાઇ હતી. તેમને જણાવવામાં આવ્યું હતું કે, કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા મેસેજના કારણે વિવિધ ગામમાં લોકો રાત્રિરોન પણ કરી રહ્યા છે. અને ગામમાં આવતા અજાણ્યા લોકોને માર મારવામાં આવતો હોવાના બનાવો પ્રકાશમાં આવ્યા છે. ગતરોજ વાલિયા ખાતે નોકરીએ જઈ રહેલ યુવાનને ચોર સમજીને લોકોએ માર માર્યો હતો. ત્યારે આવા બનાવો ન બને તે માટે પોલીસ દ્વારા ગામના આગેવાનો અને સરપંચોને જણાવવામાં આવ્યું છે. ઉક્ત બેઠકમાં વાગરા, વિલાયત, અરગામાં, સલાદરા, રહાડ, પહાજ, મુલેર, સાચણ, કલમ, પીપલીયા, ખંડાલી સહિતના ગામોના આગેવાનો તેમજ સરપંચો હાજર રહ્યા હતા.
રિપોર્ટર: સૈયદ શેર અલી
9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.