વાહનો પર લખાણોના મામલે પોલીસ V/S એડવોકેટ - At This Time

વાહનો પર લખાણોના મામલે પોલીસ V/S એડવોકેટ


રાજકોટ પોલીસ કમિશ્નરના આદેશના આધારે તાજેતરમાં જ ટ્રાફીક બ્રાંચ દ્વારા શહેરમાં એક ઝુંબેશ ઉપાડવામાં આવી હતી. જેમાં વાહનોમાં લગાવવામાં આવેલી હોદ્દાની પ્લેટો, પ્રેસ, એડવોકેટ, ડોકટર, એન્જીનીયર સહિતનાં લખાણો દૂર કરવામાં આવ્યા હતાં. જેની સામે રાજકોટ બાર એસોસીએશનને બાયો ચડાવી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જેમાં કાયદાકીય રીતે પોલીસ તંત્ર કોઈપણ વાહનમાં લખવામાં આવેલા લખાણો દૂર કરી શકે નહીં તેમ જણાવી જો હવે પછી પોલીસ તંત્ર આવી કાર્યવાહી કરશે તો બાર એસોસીએશન તેની સામે આંદોલન કરશે તેમ જાણવા મળેલ છે.
રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ અર્જુન પટેલે આજે એક નિવેદન આપી જાહેર કર્યુ હતું કે ટ્રાફીક પોલીસ દ્વારા વાહનો પર લખેલા લખાણો દૂર કરી શકે નહીં અને જો ટ્રાફીક પોલીસ આવા લખાણો દૂર કરશે તો બાર એસોસીએશન તેનો ઉગ્ર વિરોધ કરી આંદોલન છેડશે.
જાણવા મળ્યા પ્રમાણે તોજતરમાં જ વિધાનસભાની પાર્લામેન્ટ કમીટી દ્વારા ટ્રાન્સપોર્ટ કમિશનરને રિપોર્ટ કરી 2002ના જીઆર મુજબ ગાડી પર લખાણ ન હોવા જોઈએ તેની તમે શું અમલવારી કરી તેની માહિતી મંગાવી હતી. પાર્લોમેન્ટ કમીટીનાં રિપોર્ટ બાદ ટ્રાન્સપોર્ટ કમિશનરે રાજ્ય પોલીસ વડાને એક પત્ર લખી વાહનોમાં લખાવવામાં આવતાં લખાણો દૂર કરી કાયદાકીય પગલાં લેવા જણાવ્યું હતું. ટ્રાન્સપોર્ટ કમિશનરના રિપોર્ટ બાદ રાજ્યભરમાં વાહનોમાં લખવામાં આવેલા લખાણો, હોદ્દાઓ દૂર કરવા માટે પોલીસ વડાએ સુચના આપી હતી. જેની અમલવારી કરવામાં આવતાં તેનો ભારે વિરોધ ઉઠી રહ્યો છે.
બાર એસોસીએશનના પ્રમુખ અર્જુન પટેલે જણાવ્યું હતું કે ટ્રાફીક પોલીસ કે કોઈપણ પોલીસ કાયદાકીય રીતે વાહનોમાંથી લખાણો દૂર કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટના ડાયરેકશન મુજબ નંબર પ્લોટમાં કોઈપણ જાતના લખાણો ન હોવા જોઈએ. જ્યારે વાહનોમાં નંબર પ્લેટ સિવાય વાહનોના કાચમાં કે અન્ય જગ્યાએ લખાણો લખ્યા હોય તો તે કાયદાની પરીભાષામાં આવતું નહીં હોવાનું જાણવા મળ્યું છે.
વાહનો પરના લખાણો અંગે કાયદાકીય જોગવાઈ અને ગાઈડલાઈન શું છે?
વાહનોમાં લખવામાં આવેલા લખાણો સામે પોલીસ તંત્રએ ઝુંબેશ ઉપાડી છે ત્યારે લખાણો અંગે કાયદાકીય જોગવાઈ શું છે તેની માહિતી મળી છે. સુપ્રીમ કોર્ટે એવું ડાયરેકશન આપ્યું છે કે કોઈપણ વાહનની નંબર પ્લેટમાં કોઈપણ જાતના લખાણો લખી શકાય નહીં અને આવા લખાણો હોય તો દૂર કરવા જોઈએ કારણ કે નંબર પ્લેટ એ સરકારી દસ્તાવેજ છે. આ ઉપરાંત ગુજરાત મોટર વ્હીકલ એકટ રૂલ નં.125માં એવી જોગવાઈ છે કે ટ્રાન્સપોર્ટના વ્હીકલ ઉપર એડોટાઈઝીંગ કે લખાણ કે ચીત્રો ન હોવા જોઈએ. જ્યારે પ્રાઈવેટ વાહનોમાં લખાણ કે ચિત્રો અંગે એમ.વી.એકટમાં પણ કોઈ જાતની સુચના કે ડાયરેકશન આપવામાં આવ્યું નથી. આમ મોટર વ્હીકલ એકટ રૂલ નં.125ના ડાયરેકશનું ખોટુ અર્થઘટન કરીને જે ઝુંબેશ ટ્રાન્સપોર્ટના વ્હીકલ ઉપર કરવાની થતી હોય છે તેના બદલે પ્રાઈવેટ વાહનો ઉપર કરી તંત્ર શહેરીજનો પાસેથી દંડના નામે ઉઘરાણા કરી રહ્યા હોવાની છાપ ઉપસી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.