જસદણ બેઠક માટે શાંતિપૂર્ણ 62.35 ટકા મતદાન નોંધાયું, ગત 2018 ની પેટા ચૂંટણી કરતા 8.88 ટકા મતદાન ઓછું નોંધાયું. - At This Time

જસદણ બેઠક માટે શાંતિપૂર્ણ 62.35 ટકા મતદાન નોંધાયું, ગત 2018 ની પેટા ચૂંટણી કરતા 8.88 ટકા મતદાન ઓછું નોંધાયું.


જસદણ બેઠક માટે શાંતિપૂર્ણ 62.35 ટકા મતદાન નોંધાયું, ગત 2018 ની પેટા ચૂંટણી કરતા 8.88 ટકા મતદાન ઓછું નોંધાયું.
- 261 મતદાન બુથ પર કુલ 2,56,345 મતદારો પૈકી 1,59,819 મતદારોએ લોકશાહી પર્વ ઉજવ્યું હતું.
- ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તમામ ઈ.વી.એમ. લઈને પોલીંગ સ્ટાફ જસદણમાં ચોટીલા રોડ ઉપર આવેલી મોડેલ સ્કૂલમાં બનાવેલા સ્ટ્રોંગ રૂમે પહોંચ્યો હતો.

જસદણ વિધાનસભા-72 મત વિસ્તારની સામાન્ય ચૂંટણીમાં સવારે 8 વાગ્યાથી 261 મતદાન મથકો ઉપર લોખંડી બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાએ કુળદેવી હિંગળાજ માતાજી ગઢડીયા મૅલડી માતાજી જગત જનની અંબાજી માતાજીના આર્શિવાદ લઈને મતદાન કર્યું હતું. જયારે કોંગ્રેસનાં ઉમેદવાર ભોળા ગોહિલે પોતાના માતાના આશિર્વાદ લઈને પરિવારજનો સાથે મતદાન કર્યું હતું. આ સાથે ચૂંટણી જંગમાં સામેલ એક પક્ષના અને બે અપક્ષના ઉમેદવારે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જસદણ મત ક્ષેત્ર બહારનાં હોવાથી જસદણમાં મતદાન કરી શકયા નહોતા. જસદણ વિધાનસભા બેઠકમાં કુલ 261 મતદાન મથકો ઉપર 62.35 ટકા મતદાન થયું હતું. જસદણ બેઠક માટે કુલ 1,34,033 પુરૂષ તેમજ 1,22,312 સ્ત્રી મળીને કુલ 2,56,345 મતદારો નોંધાયેલા હતા. જે પૈકી 90,113 પુરૂષ અને 69,706 સ્ત્રી મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી પર્વ ઉજવ્યું હતું. જો કે, ગત 2018 ની પેટા ચૂંટણીમાં 71.23 ટકા મતદાન નોંધાયું હતું. એટલે આ વખતે 8.88 ટકા જેવો ઘટાડો થયો છે. બાદમાં સાંજે 5 વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં જ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તમામ ઈ.વી.એમ. લઈને પોલીંગ સ્ટાફ જસદણમાં ચોટીલા રોડ ઉપર આવેલી મોડેલ સ્કૂલમાં બનાવેલા સ્ટ્રોંગ રૂમે પહોંચ્યો હતો. જયાં તમામ ઈ.વી.એમ. સુરક્ષિત સીલ કરીને બંદોબસ્ત ગોઠવી તમામ ઈવીએમ રાજકોટ ખાતે લઈ જવા માટેની આગળની કામગીરી હાથ ધરી હતી.

જસદણ બેઠકમાં છેલ્લી બે કલાકમાં સૌથી વધુ 16.03 ટકા મતદાન થયું હતું.

જસદણ બેઠકમાં પ્રથમ એક કલાક એટલે કે 9 વાગ્યા સુધીમાં 5.75 ટકા સરેરાશ મતદાન થઈ ગયું હતું. બાદમાં 9થી11 વાગ્યા સુધીમાં 20.58 ટકા, 11થી1 વાગ્યા સુધીમાં 32.56 ટકા, 1થી3 વાગ્યા સુધીમાં 46.32 ટકા અને 3થી5 વાગ્યા સુધીમાં 62.35 ટકા મતદાન થયું હતું. એટલે કે છેલ્લી બે કલાકમાં સૌથી વધારે 16.03 ટકા વધુ મતદાન નોંધાયું હતું. આ તકે જસદણ વિધાનસભા બેઠકની સામાન્ય ચુંટણીમાં ગત 2018 ની પેટા ચૂંટણી કરતા 8.88 ટકા ઓછું મતદાન નોંધાવા છતાં ભાજપ અને કોંગ્રેસના ઉમેવારોએ પોતાની જીત પાક્કી હોવાનાં દાવાઓ કર્યા હતા.

શતાયું મતદારોમાં ઉત્સાહ, કોઈ આવ્યું ઘોડીના ટેકે તો કોઈ લાકડી સાથે.

સૌરાષ્ટ્રમાં આજે મતદાનનો સવારે 8 વાગ્યાથી પ્રારંભ થયો હતો. ત્યારે જસદણ બેઠકમાં સવારથી જ શતાયુ મતદારોમાં મતદાન કરવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. કોઈ ઘોડીના ટેકે તો કોઈ લાકડીના ટેકે મતદાન કરવા આવ્યા હતા.

રિપોર્ટ નરૅશ ચૉહલીયા જસદણ
9662480148


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.