ગુજરાતમાં પ્રથમવાર યોજાશે નેશનલ ગેમ્સ, દેશના 25 હજાર રમતવીરો ભાગ લેશે - At This Time

ગુજરાતમાં પ્રથમવાર યોજાશે નેશનલ ગેમ્સ, દેશના 25 હજાર રમતવીરો ભાગ લેશે


અમદાવાદ : ગુજરાત હવે સ્પોર્ટ્સ હબ બનવા જઈ રહ્યું છે. ગુજરાતમાં વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યું છે. આ વચ્ચે આગામી નેશનલ ગેમ્સનું આયોજન રાજ્યમાં થવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર ટ્વીટ કરીને જણાવ્યું કે, ‘મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ગુજરાત આગામી 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમ્યાન નેશનલ ગેમ્સનું આયોજન કરશે. ગુજરાતના પ્રસ્તાવનો ત્વરિત સ્વીકાર કરવા બદલ હું IOA નો આભારી છું.’ આ આયોજનમાં દેશના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે.

ગુજરાતમાં 36મો રાષ્ટ્રીય સ્પોર્ટસ મહોત્સવ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં દેશભરના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે. ગુજરાતના આંગણે રમાનારી નેશનલ ગેમ્સ 2022ની ઈવેન્ટ ખાસ બની રહેશે. ગુજરાત પહેલીવાર આ પ્રકારના નેશનલ લેવલના રમોત્સવની યજમાની કરવા જઈ રહ્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટવીટ કરીને જાહેરાત કરી કે “ગુજરાતમાં પહેલીવાર રાષ્ટ્રીય રમતોત્સવ યોજાશે. 36મી નેશનલ ગેમ્સ 202 ઈવેન્ટ ગુજરાતના આંગણે રમાશે.” જે સપ્ટેમ્બર ઓક્ટોબર દરમિયાન યોજાશે. અમદાવાદ સહિત ગુજરાતના 6 શહેરોમાં તેનુ આયોજન કરાશે.

આ રમતોત્સવમાં એથ્લેટિકસ, હોકી, ફૂટબોલ, વોલીબોલ, લોન ટેનિસ, ટેબલ ટેનિસ, જૂડો, ખો-ખો, કુશ્તી, કબડ્ડી અને મલખમ તથા યોગાસન જેવી ઇન્ડોર અને આઉટડોર રમતો સહિત 34 જેટલી રમતોમાં દેશભરના સાત હજારથી વધુ ખેલાડીઓ પોતાનું કૌવત ઝળકાવશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે. ગુજરાતમાં ઓલિમ્પીકને આનુષાંગિક આવી રમતોના આયોજનથી વર્તમાન માળખાકીય સવલતો વધારવા સાથે તેનો શ્રેષ્ઠ ઉપયોગ પણ થશે. રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ આ 36મી નેશનલ ગેઇમ્સના આયોજન અને સફળતામાં ગુજરાત કોઇ જ કસર છોડશે નહિં તેવો વિશ્વાસ દર્શાવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon