કેનેડાના વિઝા અને સબવે હોટલમાં ભાગીદારીના નામે 4 લોકો સાથે 40 લાખની ઠગાઈ : ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ
અમદાવાદ,તા.23 જુલાઈ 2022,શનિવારકેનેડાના વેરક પરમીટ વિઝા અને વિદેશમાં જ સબ વે હોટલમાં ભાગીદારીના નામે ઠગે 40 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ ક્રાઈમબ્રાન્ચમાં નોંધાઈ છે. પોલીસે નારણપુરા વિસ્તારમાં રહેતા અને ગુરુકુલ રોડ નજીક ઉડાન હોલીડે નામે ઓફિસ ધરાવતા શખ્સની શોધખોળ હાથ ધરી છે.ઘાટલોડિયા કે.કે.નગર રોડ પર આવેલી જ્ઞાનજ્યોત સ્કૂલમાં કલાર્ક તરીકે નિવૃત્ત થયેલા અને મેઘાણીનગર રોડ પર તાતા નગરમાં રહેતા ભવતીપ્રસાદ જોશીએ આરોપી હર્ષિલ ઘનશ્યામ પટેલ રહે, સુંદરવન એપાર્ટમેન્ટ નારણપુરા અને સુનિલ શિંદે વિરૂધ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ સ્કુલના કામથી ફરિયાદીને વસ્ત્રાપુર જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસે જવાનું થતું હોય ગુરુકુલ રોડ મારૂતિ કોમ્પ્લેક્સમાં ઉડાન હોલિડેઝ ઓફિસ ધરાવતા સુનિલ શિંદે અને હર્ષિલ પટેલ સાથે સંપર્ક થયો હતો.ફરિયાદીના પુત્ર અને પુત્રવધૂને કેનેડા મોકલવા અને ત્યાં જ સબવે હોટલમાં 50 ટકાની ભાગીદારી કરી આપવાનું કહી આરોપીએ રૂ.15,04,000ની રકમ લીધી હતી. ફરિયાદી અને તેમના પુત્રોએ અન્ય લોકોને વાત કરતા આરોપીઓએ અન્ય ત્રણ લોકોને પણ વિઝા અપાવવા અને હોટલમાં ભાગીદારી કરાવવાનું કહી બીજા 24 લાખ લીધા હતાં. આ રીતે આરોપીઓએ કુલ રૂ.39,51,00ની રકમ ઉઘરાવી ઠગાઈ આચરી હતી. બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.