રક્ષાબંધને આર્મી કેમ્પ પર આત્મઘાતી હુમલો : બે આતંકી ઠાર, ત્રણ જવાન શહીદ - At This Time

રક્ષાબંધને આર્મી કેમ્પ પર આત્મઘાતી હુમલો : બે આતંકી ઠાર, ત્રણ જવાન શહીદ


જમ્મુ, તા.૧૧સ્વતંત્રતા દિવસ પહેલાં દેશ રક્ષાબંધન તહેવારની ઊજવણી કરી રહ્યો હતો તેવા સમયે જમ્મુ-કાશ્મીરના રાજૌરી ખાતે સૈન્યના જવાનોએ પારઘલ આર્મી કેમ્પમાં ઉરી જેવા હુમલાનું કાવતરું નિષ્ફળ કર્યું હતું. અહીં કેટલાક આત્મઘાતી હુમલાખોરોએ પારગલ આર્મી કેમ્પમાં ઘૂસવાનો પ્રયત્ન કરતાં સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો હતો, જેમાં બે આતંકી ઠાર થઈ ગયા હતા. લગભગ ચાર કલાક ચાલેલા આ એન્કાઉન્ટરમાં ત્રણ જવાન શહીદ થયા હતા અને ૬ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા તેમ પીઆરઓ જમ્મુ લેફટનન્ટ કર્નલ દેવેન્દર આનંદે કહ્યું હતું. આતંકીઓ પાસેથી બે એકે-૪૭, ૯ મેગેઝીન, ૩૦૦ રાઉન્ડ અને ૫ ગ્રેનેડ જપ્ત કરાયા છે.પારગલ આર્મી કેમ્પ રાજૌરીથી ૨૫ કિ.મી.  દૂર છે. ૧૧ રાષ્ટ્રીય રાઈફલ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ આર્મી કેમ્પમાં આતંકીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો. આતંકીઓએ પારગલની સૈન્ય પોસ્ટમાં ઘૂસવાનો પ્રયત્ન કરતાં જાગૃત સંત્રીઓએ તેમને પડકાર્યા હતા તેમજ એલર્ટ દળોએ વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને આતંકીઓ સાથે અથડામણ થઈ હતી, જેમાં બંને આત્મઘાતી હુમલાખોર માર્યા ગયા. આ હુમલામાં ત્રણ જવાન શહીદ થયા છે. હજુ સર્ચ અભિયાન ચાલુ છે. શહીદ થયેલા જવાનોમાં રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાના માલિગાંવ ગામના સુબેદાર રાજેન્દ્ર પ્રસાદ, તામિલનાડુના મદુરાઈ જિલ્લાના પુડુપટ્ટી ગામના રાઈફલમેન લક્ષ્મણ ડી અને હરિયાણાના ફરિદાબાદમાં શાહજહાંપુર ગામના રાઈફલમેન મનોજ કુમારનો સમાવેશ થાય છે.રાજૌરીના એસએસપી મોહમ્મદ અસલમે કહ્યું કે, માર્યા ગયેલા બંને આતંકી વિદેશી છે. તે લશ્કર-એ-તોયબા સાથે સંકળાયેલા હોઈ શકે છે. આ વિસ્તારમાં આતંકીઓની હિલચાલની બાતમી મળી હતી. અમે સર્ચ ચલાવતા હતા અને ગુરુવારે વહેલી સવારે ૩.૦૦ વાગ્યે આતંકીઓએ સૈન્યની પોસ્ટ પર ગ્રેનેડ ફેંકી હુમલો કર્યો હતો. આ બંને આતંકી આત્મઘાતી હુમલાખોર હતા, જે અહીં ભારે નુકસાન કરવા પહોંચ્યા હતા, પરંતુ સમયસર જ બંને આતંકીઓને ઠાર કરી દેવાયા હતા.આ પહેલાં બુધવારે સલામતી દળોએ બડગામમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા આતંકી લશ્કર-એ-તોઈબાના હતા, તેમાં લતીફ ગથરનો પણ સમાવેશ થાય છે. લતીફ કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યામાં સામેલ હતો. સલામતી દળો ઘણા સમયથી તેને શોધતા હતા. લતિફ ૧૦ વર્ષથી એક્ટિવક હતો. તે ૨૦૧૨માં શ્રીનગર હાઈવે પર થયેલા હુમલામાં પણ સામેલ હતો. આ હુમલામાં ૮ જવાન શહીદ થયા હતા.વર્ષ ૨૦૧૬માં જમ્મુ-કાશ્મીરના ઉરીમાં પાકિસ્તાનમાંથી આવેલા જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકીઓએ આર્મી હેડક્વાર્ટર પર હુમલો કર્યો હતો, જેમાં ૧૯ જવાન શહીદ થઈ ગયા હતા. બીજીબાજુ ૧૯થી ૩૦ જવાન ઈજાગ્રસ્ત થયા હતા. જોકે, હુમલો કરનારા ચારેય આતંકીઓ માર્યા ગયા હતા. આ હુમલામાં આતંકીઓએ સૂઈ રહેલા જવાનો પર ગોળીબાર કર્યો હતો અને ૧૭ હેન્ડ ગ્રેનેડ ફેંક્યા હતા. આ અથડામણ લગભગ છ કલાક સુધી ચાલી હતી. આ હુમલાના જવાબમાં ભારતે ૨૮-૨૯ સપ્ટેમ્બરે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં ત્રણ કિ.મી. અંદર ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી અને આતંકી લોન્ચ પેડનો નાશ કર્યો હતો. આતંકી સંગઠનો દેશમાં ૭૫મા સ્વતંત્રતા દિવસ પહેલાં સતત ક્યાંકને ક્યાંક મોટો હુમલો કરવાની ફિરાકમાં છે. ગુપ્તચર એજન્સીઓની ચાંપતી નજર અને સુરક્ષા દળોના અસરકારક પગલાંઓના કારણે આતંકીઓ તેમનાં કાવતરાંમાં નિષ્ફળ જઈ રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon