13 જવાનની યાદમાં આજે પોલીસ શહીદ સંભારણા દિવસ - વર્ષ 1959માં ચીની સૈનિકોએ અસહ્ય યાતના આપ્યા બાદ પરત મોકલી દીધેલા - લદ્દાખના હોટસ્પ્રિંગ્સમાં બહાદુર શહીદોને શ્રધ્ધાંજલી અપાશે - At This Time

13 જવાનની યાદમાં આજે પોલીસ શહીદ સંભારણા દિવસ – વર્ષ 1959માં ચીની સૈનિકોએ અસહ્ય યાતના આપ્યા બાદ પરત મોકલી દીધેલા – લદ્દાખના હોટસ્પ્રિંગ્સમાં બહાદુર શહીદોને શ્રધ્ધાંજલી અપાશે


વર્ષ ૧૯૫૯માં ચીની સૈનિકોએ ભારતીય ઓફિસર સહિત ૧૩ જવાનોને બંધક બનાવી તેમને અસહ્ય યાતના આપ્યા બાદ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂના જન્મદિવસે જવાનોને ભારત-ચીન સીમા પર પરત મોકલી દીધા હતા.

આ ઘટનાની તેમજ દેશ માટે વીરગતિ પામેલા અન્ય જવાનોની યાદમાં આવતીકાલ ૨૧મી ઓક્ટોબરના રોજ પોલીસ શહીદ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવશે.

પોલીસ હેડક્વાર્ટરના પીએસઆઈએ જણાવ્યું હતું કે, દર વર્ષે ૨૧મી ઓક્ટોબરના રોજ પોલીસ શહીદ સંભારણા દિવસ મનાવવામાં આવે છે. ૨૧ ઓક્ટોબર ૧૯૫૯ના રોજ સીઆરપીએફના ડીએસપી કરમસિંઘની આગેવાનીમાં ૨૦ જવાનોની પેટ્રોલ પાર્ટી જમ્મુ કાશ્મીરના લદ્દાખમાં આવેલા હોટસ્પ્રિંગ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી હતી. તે સમયે ચાની સૈનિકોએ ભારતીય જવાનો પર ધડાધડ ફાયરિંગ કર્યું હતું. જેમાં ૧૦ જવાનોએ શહીદી વ્હોરી હતી.

જ્યારે ડીએસપી કરમસિંઘ અને તેમના ૯ સાથીઓને ચાઈનીઝ દળોએ બંધક બનાવી તેમના પર અમાનવીય અત્યાચારો ગુજાર્યા બાદ ૧૪મી નવેમ્બર ૧૯૫૯ના રોજ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂના જન્મદિને કરમસિંઘના જીવીત સાથીઓ અને ૨૦ ઓક્ટોબરના રોજ ગુમ થયેલા ૩ જવાનો સહિત ૧૩ બહાદુર પોલીસ જવાનોને ભારત-ચીન સીમા પર પાછા મોકલી દેવામાં આવ્યા હતા.

આવા પોલીસ જવાનોની યાદીમાં હોટસ્પ્રિંગ્સ ખાતે શહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે. જે પોલીસ કર્મચારીઓ માટે તિર્થસ્થળ સમાન છે. રાષ્ટ્રપતિ પદક અને રાષ્ટ્રનાયકથી સન્માનિત કરમસિંઘ અને અન્ય ભારતીય જવાનોની દેશકાજે પ્રાણોની આહૂતિ અને વેઠેલી અસહ્ય યાતનાઓની યાદમાં પ્રતિવર્ષ ૨૧મી ઓક્ટોબરના રોજ દેશના તમામ પોલીસ હેડ ક્વાર્ટર્સ/યુનિટ્સમાં પોલીસ શહીદ દિન તરીકે ઉજવણી કરવા વર્ષ ૧૯૬૦માં દેશના તમામ પોલીસ મહાનિરીક્ષકોના મળેલા વાર્ષિક સંમેલનમાં નક્કી કરવામાં આવ્યું હતું.

૨૧ ઓક્ટોબરે શું થયું હતું ?
સપ્ટેમ્બર ૧૯૫૯માં હોસ્પ્રિંગ્સ વિસ્તારમાં સીમાને બચાવવા માટે સેનાબળની ચોકીઓ ઉભી કરવાની આવશ્યકતા જણાઈ હતી. જે માટે આઈટીબીપી અને સીઆરપીએફની કંપનીને જવાબદારી સોંપાઈ હતી. ડીએસપી કરમસિંઘ અને એસ.પી.ત્યાગીની આગેવાની હેઠળ ૪૦ જવાનોની ટૂકડી બનાવાઈ હતી.

આ ટૂકડી ૧૯ ઓક્ટોબરના રોજ નિર્ધારીત સ્થળે પહોંચી હતી. સમુદ્ર સપાટીથી ૧૬ હજાર ફીટની ઉંચાઈ પર ચીની સૈન્ય પર નજર રાખવા વિષમ આબોહવા, હિમપાત, વાવાઝોડુ, પુષ્કળ ઠંડી, ઓક્સિજનની ઓછી માત્રા, નીચા તાપમાનને કારણે ખોરાક પકવવા અને પાણી ગરમ કરવા સહિતના અસામાન્ય સંજોગો વચ્ચે ચોકીઓ ઉભી કરવાનું મુશ્કેલ કાર્ય હતું. તેમ છતાં ભારતીય જવાનો અસ્થાયી કેમ્પ ઉભો કરવામાં સફળ રહ્યા હતા.

ત્યારબાદ ૨૦મી ઓક્ટોબરના રોજ ચીની સૈનિકોની ગતિવિધિ પર નજર રાખવા ત્રણ પોલીસ જવાનની ટૂકડી રવાના કરાઈ હતી. પરંતુ આ ટૂકડી પરત ન આવતા તેમને શોધવા અન્ય ૧૦ પોલીસ જવાનો નીકળ્યા હતા. જો કે, રાત સુધીની શોધખોળના અંતે તેમને પણ નિષ્ફળતા મળી હતી. દરમિયાનમાં ચીની સૈનિકોની હાજરી હોવાનું માલુમ થયું હતું. જ્યારે બીજા દિવસે ગુમ પોલીસ જવાનોને શોઘવા ૨૧મી ઓક્ટોબરે સવારે ૭ વાગે કરમસિંઘ અને ત્યાગી અલગ-અલગ ટૂકડી બનાવી ખચ્ચર પર નીકળ્યા હતા.

ડીએસપી કરમસિંઘની ટૂકડી પગના નિશાનને અનુસરતી છેક ચાંગચેનાંગ નદીના કિનારે પહોંચી હતી. ત્યાં ચાઈનીઝ દળોએ મોર્ટારમોરા અને મશીનગનથી હુમલો કરતા ૧૦ જવાનો શહીદ થયા હતા. જ્યારે કરમસિંઘ અને અન્ય ૯ જવાનોને બંધક બનાવી શારીરિક-માનસિક ત્રાસ ગુજારી પૂછતાછ કરી તેમને માત્ર સૂકુ અને ઓછુ ભોજન અને ઠંડુ પાણી અપાતું હતું. દાક્તરી સારવારની વિનંતી પણ સ્વીકારાઈ ન હતી. આ યાતનાઓ ૭ નવેમ્બર ૧૯૫૯ સુધી ચાલી હતી.

ત્યારબાદ ભારતીય જવાનોને ચાંગચેનાંગ નદી કિનારે લાવે સમગ્ર ઘટનાનું ફોટોગ્રાફી સાથે રિહર્સલ કરાવી કારાકોરમ પહાડી ઉપર અતિશય ઠંડીમાં ખુલ્લી જગ્યા પર બેસાડી દેવામાં આવ્યા હતા અને બાદમાં ૧૪મી નવેમ્બરે કરમસિંઘના જીવીત સાથી અને ૨૦ ઓક્ટોબરના રોજ ગુજ થયેલા ૩ જવાનો મળી ૧૩ બહાદુર પોલીસ જવાનોને ભારત-ચીન સીમા પર પાછા મોકલી દેવામાં આવ્યા હતા

ભરતભાઈ ભડણિયા
9904355753


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon