ભાડે મકાન શોધવા નીકળેલ 22 વર્ષીય અને 16 વર્ષીય બે બહેનો અચાનક ગુમ - At This Time

ભાડે મકાન શોધવા નીકળેલ 22 વર્ષીય અને 16 વર્ષીય બે બહેનો અચાનક ગુમ


રાજકોટમાં ભાડે મકાન શોધવા નીકળેલ 22 વર્ષીય અને 16 વર્ષીય બે બહેનો અચાનક ગુમ થઈ જતા પોલીસે શોધખોળ માટે કમર કસી છે.પ્રાપ્ત વિગત મુજબ, વેલનાથપરામાં ભાડે મકાન રાખી રહેતા 52 વર્ષીય પિતાએ પોતાની બંને દીકરીઓ ગુમ થઈ ગયાની નોંધ બી. ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે. પિતાએ જણાવ્યું કે, દોઢ વર્ષ પહેલા મારો અકસ્માત થતા પગમાં ઇજા થતા હાલ હું લોખંડની ઘોડીના ટેકે ચાલુ છું. મારે સંતાનમાં બે પુત્રીઓ છે. હાલ જ્યાં ભાડે મકાનમાં રહીએ છીએ ત્યાં નદી કાંઠો હોવાથી સાપ જેવા જીવજંતુ વધુ નીકળે છે.
જેના કારણે અન્ય જગ્યાએ ભાડે મકાન શોધી રહ્યા હતા. દરમિયાન તા. 6ના રોજ સાંજે 4 વાગ્યે હું મારી બંને દીકરીઓને લઈ માલધારી સોસાયટીમાં ભાડે મકાન શોધવા નીકળ્યો હતો. અમુક જગ્યાએ પૂછપરછ કરી પણ કોઈ મકાન મળ્યું નહોતું. જેથી નજીકમાં આ વિસ્તારમાં રહેતા મારાં કાકાના દીકરાનું હાલમાં જ અકસ્માત થયું હોય તેની ખબર કાઢવા તેના ઘરે જવા હું નીકળેલ અને મારી દીકરીઓને કહ્યું કે, તમે લોકો મકાન શોધો. કોઈ જગ્યાએ વાત ચાલે તો કોલ કરજો. હું મારાં કાકાના દીકરાના ઘરે ગયો અને દીકરીઓ ગાર્ડન રેસ્ટોરન્ટ પાસેથી છૂટી પડી. હું કાકાના દીકરાના ઘરે કલાક બેઠો ત્યાં દીકરીઓનો ફોન આવ્યો કે, હજુ કોઈ મકાન મળેલ નથી.
જેથી મેં તેને કહ્યું કે, હજુ થોડીવાર તપાસ કરી લ્યો. નહીં મળે તો ત્રણેય રિક્ષામાં ઘરે જતા રહેશું. આ પછી કલાક જેવો સમય થયો પણ દીકરીઓનો ફોન ન આવ્યો. મેં સામે ફોન કર્યો તો દીકરીઓનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. અમે દીકરીઓને આસપાસ શોધી. સગા સંબંધીમાં તપાસ કરી પણ ક્યાય મળી ન આવતા બી. ડિવિઝન પોલીસ મથકે આવી પોલીસને જાણ કરી હતી. એક દીકરી 22 વર્ષની છે પણ બીજી દીકરી 16 વર્ષની સગીર હોવાથી મામલાને ગંભીરતાથી લઈ પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.