અગ્નિકાંડ કેસ : કોર્ટ આરોપીઓ પર ખફા, વકીલ રોકવા અંતિમ તાકીદ કરી
અગ્નિકાંડ કેસમાં રાજકોટ સેશન્સ અદાલતમાં સુનાવણી થઈ હતી. જેમાં કોર્ટ આરોપીઓ પર ખફા થઈ હતી અને વકીલ રોકવા અંતિમ તાકીદ કરી હતી. આ ગુનામાં કુલ 15 આરોપી છે. જેમાંથી માત્ર 5 આરોપીઓએ વકીલ રોક્યા છે. આગામી તા.7 નવેમ્બરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. ટીઆરપી ગેમઝોનના સંચાલક ધવલ ઠક્કરને અદાલત મારફત લીગલ એઇડમાંથી વકીલ ફાળવાશે.
સમગ્ર વિગત જોઈએ તો, તા.25 મે 2024ની સાંજે રાજકોટના નાના મવા રોડ નજીક સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમઝોનમાં આગ લાગતા 27 લોકોના મોત થયા હતા. ત્રણેક લોકોને ઇજા થઇ હતી. જે અંગે પોલીસે ફરિયાદી બની ફરિયાદ નોંધી હતી. આ બનાવમાં 16 આરોપી સામે ગુનો દાખલ થયો છે. જેમાં ટીઆરપી ગેમઝોનના સંચાલકો (1) ધવલ ભરત ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો (2) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, (3) કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, (4) પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરન, (5) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, ગેમઝોન મેનેજર (6) રાહુલ લલીતભાઇ રાઠોડ, (7) નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન, રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર (8) મનસુખભાઇ ધનજીભાઇ સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ (9) ગૌતમ દેવશંકરભાઇ જોષી, આસિસ્ટન્ટ ટીપીઓ (10) મુકેશભાઇ રામજીભાઇ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર (11) રોહીતભાઇ આસમલભાઇ વિગોરા, ટીપી શાખાના એન્જીનીયર અને એટીપીઓ (12) જયદીપ બાલુભાઈ ચૌધરી (13) રાજેશભાઇ નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર (14) ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર (15) ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર (16) મહેશ અમૃત રાઠોડ સામે ગુનો નોંધાયો હતો. જેમાં અગ્નિકાંડના બનાવમાં પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરનનું મોત થયું હતું. જેથી બાકીના 15 આરોપીની ધરપકડ કરી રિમાન્ડ બાદ જેલ હવાલે છે. પોલીસે ચાર્જશીટ દાખલ કર્યા પછી મનસુખ સાગઠિયા, અશોકસિંહ, કિરીટસિંહ, ઇલેશ ખેર, ગૌતમ જોશી અને રાજેશ મકવાણાએ જામીન અરજી કરી હતી જે રદ થઈ હતી. આ તરફ અગ્નિકાંડનો કેસ સેશન્સ કોર્ટમાં કમિટ થયો છે.
ત્યારથી આરોપીઓને વકીલ રાખી દેવા સૂચના અપાઈ છે. પરંતુ મોટા ભાગના આરોપીઓએ હજુ સુધી વકીલો રોક્યા નથી.
જેના કારણે આજે કેસ ચાલવામાં વિલંબ થઈ રહ્યો છે. આજે અગ્નિકાંડ કેસની મુદ્દત હતી. અધિક સેશન્સ જજ ન્યાયાધીશ ડી.એસ. સિંઘની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આરોપીઓને જેલમાંથી કોર્ટમાં હાજર કરાયા હતા. સરકાર પક્ષે સ્પે. પીપી તુષાર ગોકાણીએ દલીલ કરી હતી કે, મોટા ભાગના આરોપીઓએ પોતાના વકીલ રોક્યા નથી. જેથી કેસ ડીલે થઈ રહ્યો છે. આ તરફ કોર્ટે જે આરોપીને વકીલ રાખવાના બાકી છે. તેવા એક એક આરોપીને ઉભા કરી આકરા શબ્દોમાં આખરી તાકીદ કરી હતી કે હવે તેઓ વકીલ રાખી લ્યે. આગામી મુદ્દત સુધીમાં તમામ વકીલોએ વકીલ રોકી લેવા. કોર્ટે એવી પણ ટિપ્પણી કરી હતી. આજે કોર્ટે આગામી મુદ્દત તા.7/11/2024 નક્કી કરી છે. અગ્નિકાંડ કેસમાં સરકાર તરફે સ્પે.પીપી તરીકે તુષાર ગોકાણી જ્યારે ભોગબનનાર પક્ષકારો તરફે એડવોકેટ સુરેશ ફળદુ અને નરેન્દ્રસિંહ જાડેજા રોકાયેલા છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.