રાજકોટની સમરસ હોસ્ટેલમાં જૂનાગઢના કોલેજીયન યુવકનો ફાંસો ખાઈ આપઘાત
રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલ સમરસ બોયઝ હોસ્ટેલમાં જૂનાગઢના 22 વર્ષીય કોલેજીયન યુવક મહેશ શેખવાએ પોતાના રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બનાવનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલ સમરસ બોયઝ હોસ્ટેલમાં રહેતાં મૂળ જૂનાગઢના મહેશ રતિલાલ શેખવા (ઉ.વ.22) એ હોસ્ટેલના રૂમમાં ગઈ રાતે પંખાના હુકમાં દોરડું બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
બનાવ અંગે તેની સાથે રહેતાં અન્ય છાત્રને જાણ થતાં તુરંત હોસ્ટેલના મેનેજમેન્ટને જાણ કરી હતી. બાદમાં દોડી આવેલ હોસ્ટેલના સ્ટાફે 108 ને જાણ કરતાં 108 ના સ્ટાફે યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો.
બનાવ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ થતાં એએસઆઈ વાય.ડી.ભગત સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી બનાવનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી. તેમજ પોલીસે બનાવ અંગે મૃતકના જૂનાગઢ રહેતાં પરિવારને પણ જાણ કરતાં તેઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા અને આક્રંદ મચાવ્યો હતો.
મૃતક બે ભાઈમાં મોટો હતો અને રાજકોટમાં રહી તે સોલાર કંપનીમાં નોકરી કરતો હતો. ગઈ તા.2 ના તે વતન જૂનાગઢ ગયો હતો અને ત્રણ દિવસ પહેલાં તે પરત રાજકોટ આવી તેમની પરીક્ષાની તૈયારીમાં લાગી ગયો હતો. બનાવ અંગે પરિવારજનો પણ અજાણ હોવાનું સામે આવ્યું હતું.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.