ભરૂચની મેડિકલ કોલેજમાં બે કર્મચારીઓએ વિધાર્થીઓની રૂ.૩૪.૪૨ લાખની ફીનું બારોબાર ઓપરેશન કરી નાખ્યું - At This Time

ભરૂચની મેડિકલ કોલેજમાં બે કર્મચારીઓએ વિધાર્થીઓની રૂ.૩૪.૪૨ લાખની ફીનું બારોબાર ઓપરેશન કરી નાખ્યું


AO મેટરનિટી લિવ પરથી આવ્યા બાદ લાખોની છેતરપિંડીનો કારસો બહાર આવ્યો.
વિધાર્થીઓની ફીની બારોબાર ખાયકી કરી જનાર મુખ્ય સુત્રધાર વિદેશ ફરાર એ ડિવિઝન પોલીસે અન્ય એક કર્મચારી અને જે એકાઉન્ટમાં બારોબાર ફીના નાણાં જમા કરાયા તેની કરી ધરપકડ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડો.કિરણ સી.પટેલ મેડિકલ કોલેજ સાથે રૂ.૩૪.૪૨ લાખની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો બહાર આવતા ચકચાર મચી જવા પામી હતી. આ પ્રકરણમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધું કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. કોલેજમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા ધ્રુવરાજસિંહ રાજ અને વિપુલ સોલંકીએ કોલેજમાં વિધાર્થીઓના ફીના નાણા જમા કરાવતા ન હતા.નિયમિત ફીના નાણા જમા ન કરાવીને છેતરપીંડી આચરવાનો કારસો રચ્યો હતો.
તબક્કાવાર રૂ.૩૪.૪૨ લાખની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. કોલેજના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ગોપિકા મેખીયા મેટરનીટી લીવ પર ગયા હતા. આ સમયગાળા દરમ્યાન કોલેજના ઓફિસ આસીટન્ટ તરીકે કામ કરતા અને ઝાડેશ્વર ખાતે રહેતા ધ્રુવરાજસિંહ રાજ અને વિપુલ સોલંકીએ વિધાર્થીઓ પાસે ફી લીધી હતી. પરંતુ તેને કોલેજમાં જમા કરાવવાના બદલે વાગરાના વિલાયત ખાતે રહેતા ચૈતન્ય પટેલના એકાઉન્ટમાં જમા કરાવી દીધા હતા.ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ગોપિકા મેખીયા લીવ પરથી પરત આવતા ધ્રુવરાજસિંહ રાજે નોકરી છોડી દીધી હતી.
જો કે તેઓએ ફીનો હિસાબ તપાસતા છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે તેઓએ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.જેમાં આરોપી વિપુલ સોલંકી અને ચૈતન્ય પટેલની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ધ્રુવરાજસિંહ રાજ વિદેશમાં હોય તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
આરોપીઓ વર્ષ ૨૦૨૨થી ૨૦૨૪ દરમ્યાન વિધાર્થીઓ પાસે ફીના પેટે નામ વગરના બ્લેન્ક ચેક લેતા હતા અને વિધાર્થીઓને રસીદ પણ આપતા હતા. જો કે ચેક સંસ્થાના ખાતામાં જમા કરાવવાના બદલે ચૈતન્ય પટેલના એકાઉન્ટમાં જમા કરાવતા હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત રોકડ રકમમાં પણ ગફલત કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ઝડપાયેલ બન્ને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.