દારૂડિયાઓએ નણંદ-ભોજાઈ પાસે ખંડણી માગી કરેલી તોડફોડ - At This Time

દારૂડિયાઓએ નણંદ-ભોજાઈ પાસે ખંડણી માગી કરેલી તોડફોડ


મોરબી રોડ પર ‘રહેવું હોય તો રૂપિયા આપવા પડશે’ તેમ કહી ખંડણીખોરોએ નણંદ ભોજાઈના ઘરમાં તોડફોડ કરી માતા-પુત્રી ઉપર હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલી માતા-પુત્રીને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર જકાતનાકા પાસે આવેલી ગાયત્રી સોસાયટીમાં રહેતા વર્ષાબેન હસમુખભાઈ મોરાણીયા (ઉ.43)અને તેમની પુત્રી પૂજાબેન મોરાણીયા (ઉ.20) રાત્રીનાં પોતાના ઘરે હતા ત્યારે પ્રતાપ અને કરણ સહિતના શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી માતા-પુત્રીને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફ બી ડીવીઝન પોલીસને જાણ કરતાં બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. આ અંગે દયાબેન મહેશભાઈ ચૌહાણની પ્રાથમિક પુછપરછમાં હુમલાખોર શખ્સો અગાઉ તેમના ઘરની બાજુમાં ઈમીટેશનની ભઠ્ઠી ચલાવતાં હતાં અને બાદમાં ભઠ્ઠી બંધ કરી બીજી જગ્યાએ રહેવા ચાલ્યા ગયા હતા અને ગઈરાત્રે હુમલાખોર શખ્સો દારૂના નશામાં ધસી આવ્યા હતા અને દયાબેન ચૌહાણના ડેલામાં ધોકા પછાડી મોરબી રોડ પર રહેવું હોય તો રૂપિયા બે લાખ આપવા પડશે. તેવી ધમકી આપી હતી. ત્યારબાદ દયાબેન ચૌહાણની બાજુમાં રહેતાં તેમના પતિના માનેલા બેન વર્ષાબેન મોરાણીયાના ઘરે નશાખોર શખ્સો ધસી ગયા હતાં અને ત્યાં ડેલીમાં ધોકા પછાડી બારીના કાચમાં તોડફોડ કરી તમારે પણ મોરબી રોડ પર રહેવું હોય તો રૂા.30 હજાર ચુકવવા પડશે તેમ કહી વર્ષાબેન અને તેમની પુત્રીને માર માર્યો હતો. હુમલાખોર પ્રતાપ અગાઉ દયાબેન ચૌહાણ પાસેથી રૂા.50 હજાર પડાવી ગયો હોવાનું અને હુમલાખોર કરણ પાંચ વર્ષ પહેલા પણ આજ સોસાયટીમાં ખંડણી માંગતો હોવાનું દયાબેન ચૌહાણે જણાવ્યું હતું અને નશાખોર શખ્સોએ ખંડણી માંગી નણંદ ભોજાઈનાં ઘરમાં તોડફોડ કરી માતા-પુત્રીને માર માર્યો હોવાનો દયાબેન ચૌહાણે આરોપ લગાવ્યો છે. ઘટનાને પગલે બી-ડીવીઝન પોલીસે કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.