મહારાષ્ટ્ર ભાજપનેતા વિનોદ તાવડે સામે ECની કાર્યવાહી:ECએ તાવડે પાસેથી 9 લાખ રૂપિયા જપ્ત કર્યા, FIR નોંધાવી; ભાજપના નેતા પર 5 કરોડ વહેંચવાના આરોપ
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાનના એક દિવસ પહેલાં મતદારોને રૂપિયા વહેંચવાનો મામલો સામે આવ્યો છે. હિતેન્દ્ર ઠાકુરની બહુજન વિકાસ આઘાડી (BVA)એ આરોપ લગાવ્યો છે કે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે મતદારોને રૂપિયા વહેંચી રહ્યા છે. તાવડે સામે ચૂંટણીપંચની કાર્યવાહી, FIR નોંધાઈ મહારાષ્ટ્ર ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર નાલાસોપારામાં રૂપિયા વહેંચવાનો આરોપ લાગ્યો છે. આ સંદર્ભે ચૂંટણીપંચે FIR નોંધાવી છે. તાવડેની સાથે ભાજપના ઉમેદવાર રાજન નાઈક વિરુદ્ધ પણ FIR નોંધવામાં આવી છે. ECએ તાવડે પાસેથી 9 લાખ રૂપિયા જપ્ત કર્યા છે. BVAએ જણાવ્યું હતું કે તાવડે મંગળવારે વિરાર વિસ્તારની એક હોટલમાં 5 કરોડ રૂપિયા લઈને પહોંચ્યા હતા. નાલાસોપારા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાજન નાઈક અને અન્ય કાર્યકર્તાઓ પણ તેમની સાથે હતા. અહીં તેમની બેઠક મળી હતી. જ્યારે BVAને આ વિશે માહિતી મળી ત્યારે નાલાસોપારાથી પાર્ટીના ઉમેદવાર ક્ષિતિજ ઠાકુર તેમના કાર્યકરો સાથે હોટલ પહોંચ્યા. BVAએ તાવડે પર મતદારોને રૂપિયા વહેંચવાના આરોપ લગાવ્યા હતા. હોટલમાંથી જે વીડિયો સામે આવ્યા છે એમાં BVA કાર્યકરોના હાથમાં નોટો જોવા મળે છે. એક યુવકના હાથમાં ડાયરી છે. આરોપ છે કે આ જ ડાયરીમાં રૂપિયાનો હિસાબ છે. આ પછી ભાજપ અને બીવીએ કાર્યકરો વચ્ચે જોરદાર હોબાળો થયો હતો. પોલીસ પણ પરિસ્થિતિને કાબૂમાં લેવા હોટલ પર પહોંચી હતી. ત્યાં ઘણી વાર સુધી હોબાળો ચાલુ રહ્યો હતો. ઘટનાની 5 તસવીર... તાવડેએ કહ્યું- હું કાર્યકર્તાઓની બેઠકમાં ગયો હતો, ચૂંટણીપંચે તપાસ કરે
રૂપિયાની વહેંચણીના તેમના પર લાગેલા આરોપ પર વિનોદ તાવડે કહ્યું- નાલાસોપારા વિધાનસભા ક્ષેત્રમાં કાર્યકર્તાઓની બેઠક ચાલી રહી હતી. હું ચૂંટણીના દિવસની આચારસંહિતા વિશે 12 બાબત કહેવા માટે ત્યાં પહોંચ્યો હતો. અમારી સામેના પક્ષકારોએ વિચાર્યું કે હું ત્યાં રૂપિયા વહેંચવા આવ્યો છું. ચૂંટણીપંચ અને પોલીસે આ આરોપોની તપાસ કરવી જોઈએ. હું 40 વર્ષથી પાર્ટીમાં છું. બધા મને ઓળખે છે. હું પણ ઇચ્છું છું કે ચૂંટણીપંચ નિષ્પક્ષ તપાસ કરે. તાવડે પર લાગેલા આરોપો પર કોણે શું કહ્યું... નાના પટોલેએ કહ્યું- આખરે સરકારના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે
મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું- વિરારની એક હોટલમાં રૂપિયાની વહેંચણી કરતી વખતે રંગે હાથ ઝડપાયેલા ભાજપના કેન્દ્રીય મહાસચિવ વિનોદ તાવડેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. ચૂંટણીપંચે વિનોદ તાવડે સામે આચારસંહિતાના ભંગ બદલ કડક કાર્યવાહી કરવી જોઈએ. અમે માગ કરીએ છીએ કે લોકશાહીમાં લોકોનો વિશ્વાસ જાળવી રાખવા અને પારદર્શક રીતે ચૂંટણી કરાવવા માટે વિનોદ તાવડેની ધરપકડ કરવામાં આવે. સંજય રાઉતે કહ્યું- ભાજપના કેટલાક લોકો તાવડે કાંડથી ખુશ થશે
શિવસેના ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉતે કહ્યું- વિનોદ તાવડે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ છે. આરોપ છે કે હોટલમાં 5 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. બહુજન વિકાસ આઘાડી (BVA)ના લોકો ત્યાં ઘૂસી ગયા અને રૂપિયા જપ્ત કર્યા હતા. રાઉતે કહ્યું- ગૃહ વિભાગે તાવડે પર નજર રાખી હતી. ભાજપના કેટલાક લોકો આજે ખુશ હશે. આ કોઈ કાવતરું નથી. મારી પાસે 18 લોકોનાં નામ છે જે રૂપિયા વહેંચી રહ્યા છે. પરંતુ વિનોદ તાવડે પોતે રૂપિયા વહેંચી રહ્યા છે, આ આશ્ચર્યજનક છે. તેમણે કહ્યું- અમારી તપાસ કરવામાં આવી રહી છે. બેગની તપાસ કરવામાં આવી રહી છે. હેલિકોપ્ટરની તપાસ કરાઈ રહી છે. જો ચૂંટણીપંચે ભાજપ, શિંદે અને અજિત પવાર પર નજર રાખી હોત તો મહારાષ્ટ્રની જનતાના 1000 કરોડ રૂપિયા બચ્યા હોત. ઉદ્ધવે કહ્યું હતું કે આચારસંહિતા લાગુ થયા પહેલાં ચૂંટણીમાં દરેક વિધાનસભા ક્ષેત્રમાં 15થી 20 કરોડ રૂપિયા પહોંચી ગયા હતા. કેમેરા સામે બધું જ છે અને ભાજપના લોકો કહી રહ્યા છે કે તેઓ જાહેર કરશે, તેઓ શું જાહેર કરશે. વિવિધ જગ્યાએ રૂપિયાની વહેંચણીનું કામ ચાલી રહ્યું છે. અમિત માલવિયાએ કહ્યું- પુરાવા હોય તો ચૂંટણીપંચ પાસે જાઓ
BJP IT સેલના વડા અમિત માલવિયાએ આ મામલે કહ્યું- જો વિપક્ષ પાસે આવા કોઈ પુરાવા હોય તો તેમણે ચૂંટણીપંચ પાસે જવું જોઈએ. આ એક ષડયંત્ર છે. નેતાઓ ચૂંટણીના 24 કલાક પહેલાં તેમના બૂથના સંચાલનનું ધ્યાન રાખે છે. હારેલા નેતાઓ આવા ડ્રામા કરે છે, જે હાલમાં નાલાસોપારામાં થઈ રહ્યું છે. એ હોટલમાં અમારી સંગઠનની બેઠક ચાલી રહી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.